કિસાનોને લાભ તેટલો કારોબારને લાભઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

લખનઉ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કલ્કી મંદિરના ભૂમિપૂજન પછી રાજ્ય સરકારના કાર્યક્રમમાં 10 લાખ કરોડ રૂપિયાના માતબર ખર્ચે 14,619 યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે વડાપ્રધાને કહ્યું હતું કે, દેશના કિસાનને જેટલો ફાયદો થશે તેટલો જ દેશના કારોબારને ફાયદો થશે. એવી આશા છે કે, આ વિવિધ ક્ષેત્રની મહત્ત્વપૂર્ણ યોજનાઓ કાર્યોન્વિત થતાંની સાથે જ 33.5 લાખથી વધુ યુવાનોને રોજગાર મળશે, તેવું મોદીએ જણાવ્યું હતું. ઉત્તરપ્રદેશને એક લાખ કરોડની અર્થવ્યવસ્થા બનાવશું. અન્ય રાજ્યો પણ શીખે, તેવી અપીલ સાથે મોદીએ વિપક્ષો પર આકરા પ્રહાર કર્યા હતા. વડાપ્રધાને કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશની ધરતીના પુત્ર ચૌધરી ચરણસિંહને ભારતરત્ન આપ્યો તે કોંગ્રેસને ગમ્યું નથી, કોંગ્રેસે કદી પણ ગરીબ, કિસાન મજૂર, પછાત વર્ગનું સન્માન કદી નથી કર્યું. ઉત્તરપ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટના ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહમાં મોદીએ કહ્યું હતું કે, સાત-આઠ વર્ષ પહેલાં વિચાર પણ નહોતો આવી રહ્યો કે, ઉત્તરપ્રદેશમાં પણ રોકાણ અને નોકરીઓને લઈને માહોલ બનશે. ચારે તરફ અપરાધ, હુલ્લડના જ અહેવાલો સામે આવતા હતા. જો કે આજે ઉત્તરપ્રદેશમાં લાખો-કરોડ રૂપિયાનું રોકાણ આવી રહ્યું છે. તેઓ ઉત્તર પ્રદેશના સાંસદ છે અને જ્યારે ઉત્તર પ્રદેશમાં કંઈ થાય છે તો ખૂબ જ પ્રસન્નતા થાય છે, તેવું તેમણે ઉમેર્યું હતું. મોદીએ કહ્યું હતું કે, આજે હજારો યોજનાઓ ઉપર કામ શરૂ થઈ રહ્યું છે. જે ફેક્ટરીઓ અને ઉદ્યોગો શરૂ થવાના છે તે ઉત્તર પ્રદેશની તસવીર બદલશે. તેઓ તમામ રોકાણકારો અને ખાસ કરીને ઉત્તરપ્રદેશના તમામ યુવાનોને અભિનંદન પાઠવે છે. ઉત્તરપ્રદેશમાં ડબલ એન્જિન સરકારનાં સાત વર્ષ પૂરા થયાં છે. છેલ્લાં સાત વર્ષમાં ઉત્તર પ્રદેશમાં રેડ કાર્પેટ કલ્ચર બન્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here