કિસાનોને ભ્રમિત કરવાનો દુષ્પ્રચાર : વડા પ્રધાન નરેન્દ્ર મોદી

 

નવી દિલ્હીઃ કોરોનાકાળમાં પોતાના મતવિસ્તાર વારાણસીની પહેલી મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાશીની ભૂમિ પરથી દિલ્હીની સરહદે અડિંગો જમાવીને આંદોલન કરી રહેલા ખેડૂતોને સંદેશ આપતાં કહ્યું હતું કે કિસાનોને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે અને કૃષિ કાયદાઓ કિસાનોને નવા વિકલ્પો અને કાનૂની રીતે સંરક્ષણ આપવા માટે છે. 

મોદીએ આડકતરી રીતે કિસાનોને સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે આંદોલન મામલે સરકાર ઝૂકશે નહીં કે પીછેહઠ કરશે નહીં. પહેલો દીપ પ્રગટાવી દેવદિવાળી ઉત્સવની શરૂઆત કરાવ્યા બાદ તેમણે પોતાની સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી અને વિપક્ષ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે કેટલાક લોકો માટે વારસાનો અર્થ માત્ર પરિવાર થાય છે, અમારા માટે આસ્થા અને પરંપરા એ જ વારસો છે. તેમણે દેશના દુશ્મનોને પણ આકરો સંદેશ આપતાં કહ્યું કે ભારત વિસ્તારવાદી તાકાતોને જડબાંતોડ જવાબ આપી રહ્યો છે. 

કાશીમાં તેમણે જણાવ્યું હતું કે નવા કૃષિ કાયદા કિસાનોને નવા વિકલ્પ અને કાનૂની રીતે સંરક્ષણ આપવા માટે છે. તેમણે કહ્યું કે કિસાનોને વિશાળ બજાર આપીને તેમને સશક્ત બનાવવાનો પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ બદલાવ કિસાનોના હિતમાં કરવામાં આવી રહ્યો છે. તેમણે સવાલ કર્યો હતો કે શું કિસાનોને એવી આઝાદી ન હોવી જોઈએ કે જે પણ તેમને વધુ કિંમત આપે તેમને પોતાનો સામાન સીધી રીતે વેચી શકે? નવા કૃષિ કાયદા કિસાનોને લાભ પહોંચાડવાના હેતુથી લાવવામાં આવ્યા છે. કે જે થયું પણ નથી તેના વિશે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. મોદીએ કહ્યું કે સ્વામીનાથન કમિશન હેઠળ કિસાનોને દોઢ ગણી વધુ એમએસપી આપવાનું વચન આપવામાં આવ્યું હતું. સરકારે આ વચન પૂરું કર્યું છે. આ વચન માત્ર કાગળ પર નથી અપાયું, કિસાનોના બેન્ક ખાતાંમાં પણ પહોંચ્યું છે એમ તેમણે કહ્યું હતું. 

નરેન્દ્ર મોદીનાં ભાષણો પરથી મળેલો સંકેત ધ્યાનમાં લેતાં એ સ્પષ્ટ કરી શકાય છે કે, કેન્દ્રની સરકાર કિસાન આંદોલન સામે ઝૂકવાની નથી અને નવા કૃષિ કાયદાઓ પર પીછેહઠ કરવાની નથી. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લાં કેટલાક સમયથી એક અલગ ટ્રેન્ડ દેશમાં દેખાઇ રહ્યો છે. પહેલાં સરકારનો કોઇ નિર્ણય ન ગમે તો વિરોધ થતો હતો. હવે વિરોધનો આધાર કોઇ નિર્ણય નહીં, પરંતુ ફેલાવાતો ભ્રમ હોય છે. 

મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે, કાયદાની મદદથી કિસાનોને આધુનિક સુવિધા આપવી, નાના ખેડૂતોને સંગઠિત કરવા, કિસાનોનાં સશક્તિકરણના પ્રયાસ કરાય છે. કિસાન હિતનાં નામ પર અગાઉની સરકારોએ માત્ર દગો જ આપ્યો છે, યુરિયા ખાતરથી વધુ તો કાળા બજારિયા પાસે પહોંચતું હતું, તેવા પ્રહારો  વિપક્ષ પર કર્યા હતા.