કાશ્મીરમાં આતંકીઓ સામેની કાર્યવાહીમાં પાંચ જવાન શહીદ

 

જમ્મુઃ આતંકવાદ સામેની લડાઈ દરમિયાન ભારતીય સેનાને એક મોટો ઝટકો લાગ્યો છે. પુંચમાં આતંકવાદીઓ સામે એક ઓપરેશન દરમિયાન એક જેસીઓ સહિત પાંચ સૈનિક શહીદ થયા છે. સૂત્રો મુજબ એક ટુકડી આતંકવાદીઓ સામે સર્ચ ઓપરેશન કરી રહી હતી. આ દરમિયાન આતંકવાદીઓએ ઘાત લગાડીને સુરક્ષા દળ ઉપર હુમલો કર્યો હતો, જેમાં એક જેસીઓ સહિત પાંચ જવાન શહીદ થયા હતા. 

ઘટના બાદ ભારતીય સેના તરફથી વધારાની ફોર્સને સ્થળ ઉપર મોકલવામાં આવી હતી અને પૂરા વિસ્તારની ઘેરાબંધી કરી લેવામાં આવી હતી. સેનાના અધિકારીના કહેવા પ્રમાણે પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ પુંચના સુરનકોટ વિસ્તારમાં ઘાત લગાડીને હુમલો કર્યો હતો. આ હુમલો પુંચના ચમરેર વિસ્તારમાં જંગલમાં આતંકવાદીઓની તલાશી માટે અભિયાન ચાલી રહ્યું હતું તે દરમિયાન કરવામાં આવ્યો હતો. સેનાના એક અધિકારીના કહેવા પ્રમાણે અભિયાન દરમિયાન આતંકીઓએ સૈનિકો ઉપર ભારે ગોળીબાર કર્યો હતો. જેમાં એક જેસીઓ અને ચાર સૈનિક શહીદ થયા છે. આ આતંકવાદીઓને ઠાર કરવા માટે ઓપરેશન જારી છે. હુમલાખોર આતંકીની સંખ્યા ચાર કે પાંચ હોવાની આશંકા છે. પ્રવક્તાના કહેવા પ્રમાણે આતંકીઓએ સુરક્ષા દળ ઉપર ભારે ગોળીબાર કર્યો હતો.