કાશ્મીરનો મુદ્દો ઉઠાવનારા પાક, ઇસ્લામિક સંગઠનની આકરી ટીકા

 

નવી દિલ્હીઃ ભારતે કાશ્મીરનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનો)ના માનવ અધિકાર પંચની સમક્ષ ઉઠાવનારા પાકિસ્તાન અને ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કોઑપરેશન (ઓઆઇસી)ની બુધવારે આકરી ટીકા કરી હતી. 

ભારતે આક્ષેપ કર્યો હતો કે ઇસ્લામાબાદે આ પ્રકરણમાં લાચાર ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કોઓપરેશનને બાનમાં રાખ્યું છે.

ભારતે સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનો)ના માનવ અધિકાર પંચના ૪૮ સત્રમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન ત્રાસવાદીઓને તાલીમ આપે છે, આર્થિક સહાય કરે છે અને શસ્ત્રો પૂરા પાડે છે. આખી દુનિયા આ વાત જાણે છે. જીનિવા ખાતેના ભારતના કાયમી મિશનના ફર્સ્ટ સેક્રેટરી પવન બધેએ ભારત વતી આ સત્રને સંબોધ્યું હતું. પાકિસ્તાન અને ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કોઑપરેશને કાશ્મીરના માનવ અધિકારના સંબંધમાં કરેલા નિવેદનને વખોડતા ભારતના પવન બધેએ જણાવ્યું હતું કે પાકિસ્તાન ત્રાસવાદનું જનક છે અને ત્યાં માનવ અધિકારનો મોટા પાયે ભંગ કરાય છે અને આવા નિષ્ફળ રાષ્ટ્ર પાસેથી કોઇએ બોધપાઠ લેવાની જરૂર નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રસંઘના માનવ અધિકાર પંચનો દુરુપયોગ કાશ્મીર સહિતના ભારત અંગે ખોટો પ્રચાર કરવા માટે અવારનવાર કરે છે.