કાશીમાં સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટીના નવનિયુક્ત કુલપતિ બિહારીલાલ શર્માજીનું સન્માન

કાશીઃ વિદ્વત્ નગરી કાશીમાં આવેલ શ્રી સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટીના નવનિયુક્ત કુલપતિ બિહારીલાલ શર્માજીનો બાબા કાશી વિશ્વનાથજીના સાનિધ્યમાં મંદિરના ઓડિટોરિયમમાં સત્કાર સમારંભ રાખવામાં આવ્યો હતો.
આ સન્માન સમારોહ પ્રસંગે સ્વામિનારાયણ મંદિર વડતાલધામના કોઠારી સંતવલ્લભદાસજી સ્વામી તથા એસજીવીપી ગુરુકુળ અમદાવાદના અધ્યક્ષ પૂજ્ય સ્વામી માધવદાસજીએ નવનિયુક્ત કુલપતિને હાર તથા સાલ પહેરાવી આશીર્વાદ પાઠવ્યા હતા.
આ પ્રસંગે કાશી વિશ્વનાથ મંદિરના અધ્યક્ષ ડોક્ટર નાગેન્દ્ર પાંડેજી, વિશ્વ હિન્દુ પરિષદના આલોકજી, બીએચયુ યુનિવર્સિટીના વ્યાકરણ વિભાગના અધ્યક્ષ પંડિત વ્રજભૂષણ ઓઝા, આગમ વિભાગના અધ્યક્ષ વિદ્વાન કમલેશ જા તેમજ કાશીના ધૂરંધર વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વેદ વિભાગના અધ્યક્ષ પતંજલિ મિશ્રાએ વૈદિક મંગલાચરણ કર્યું હતું. તથા ઉપસ્થિત સર્વ વિદ્વાનોએ નવનિયુક્ત કુલપતિને અભિનંદન પાઠવ્યા હતા