કાવ્યસંગ્રહ ‘છબી અવાજની’ના વિમોચન નિમિત્તે કવિસંમેલન યોજાયું

 

અમદાવાદઃ ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ રોડ, અમદાવાદસ્થિત ઓમ કોમ્યુનિકેશન દ્વારા જાણીતા કવિ જયંત ડાંગોદરાના કાવ્યસંગ્રહ ‘છબી અવાજની’ના વિમોચન નિમિત્તે માત્ર આમંત્રિત ભાવકો-કવિઓની ઉપસ્થિતિમાં કવિસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાવ્યસંગ્રહ ‘છબી અવાજની’નું વિમોચન જાણીતા કવિ હર્ષ બ્રહ્મભટ્ટના વરદહસ્તે કરવામાં આવ્યું. કાર્યક્રમમાં કવિ પ્રફુલ્લ રાવલે કાવ્યસંગ્રહને આવકાર આપીને પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું. કવિ જયંત ડાંગોદરાએ કાવ્યસંગ્રહ વિશે તેમજ પોતાની સર્જનયાત્રા વિશે વિગતે વાત કરી. કવિસંમેલનમાં કવિ હર્ષ બ્રહ્મભટ્ટ, પ્રફુલ્લ રાવલ, જયંત ડાંગોદરા, જાતુષ જોશી, અનિલ ચાવડા, તેજસ દવે, ચેતન શુક્લ ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમનું સંચાલન તેજસ દવે અને આભારવિધિ ઓમ કોમ્યુનિકેશનના મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું હતું.

કાર્યક્રમને માણવા કવિ ભાવિન ગોપાણી, કૃણાલ શાહ, ઈંગિત મોદી, વિરલ દેસાઈ, લવ સિંહા, રાહુલ બી. શ્રીમાળી, રાગિણીબેન, યોગેશ ભટ્ટ તેમજ કવિ જયંત ડાંગોદરાના પત્ની કવિતા ડાંગોદરા અને દીકરીઓ શ્લોકા ડાંગોદરા અને હિમાની ડાંગોદરા ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું પ્રસારણ ૨૭ જાન્યુઆરી, બુધવારના રોજ, સાંજે ૭-૦૦ વાગે યુટુબમાં સાહિત્ય વિમર્શ ચેનલ અને ઓમ કોમ્યુનિકેશનના ફેસબુક એકાઉન્ટ પરથી કરવામાં આવશે.

કવિસંમેલનમાં ઉપસ્થિત કવિઓએ કાવ્યસંગ્રહ ‘છબી અવાજની’ની એક કવિતા અને બીજી સ્વરચિત કવિતાનો પાઠ કર્યો હતો.

અમે માળો બાંધ્યો ને પછી એવું થયું કે તમે સોદામાં માંગ્યું’તું ઝાડ.

અનિલ ચાવડા ઃ કાવ્યસંગ્રહની કવિતા

વધુમાં વધુ એક ખ્વાબ માંગે છે,

આટલામાં હિસાબ માંગે છે.

સ્વરચિત કવિતા ઃ

જિંદગીની કૈંક કપરી ભીંસમાંથી નીકળી છે,

મારી ગઝલો નહિ પડેલી ચીસમાંથી નીકળી છે.

ચેતન શુકલ ઃ કાવ્યસંગ્રહની કવિતા ઃ

વર્તુળ માર્ગ સાથે લગાવ લઇ ગયો છે,

હોડીનો એક હિસ્સો તળાવ થઈ ગયો છે.

સ્વરચિત કવિતા ઃ

ઘણી માટી અમે એક ઈંટ ખાતર કેળવેલી છે,

તમે એક ભીંતની અંદર ઘણી ભીંતો ચણેલી છે.