કાળાં પાણીની સજા ભોગવતાં 1857ના બળવામાં શહીદ થનાર પ્રથમ ગુજરાતી સ્વાતંત્ર્યવીરઃ ગરબડદાસ મુખી

ગરબડદાસ હરિલાલ પટેલ હતા આણંદના મુખી અને સ્વાતંત્ર્યસેનાની. ઇતિહાસવિદ્ વિષ્ણુભાઈ પંડ્યા એમના આંદામાનમાં જન્મટીપની સજા ભોગવીને શહીદ થયેલા પહેલ-વહેલ ગુજરાતી ગણે છે. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનાં પડઘમ ચરોતરે ઝીલેલાં. ગરબડદાસ પટેલ એ પડઘમ ઝીલનારાઓમાંના પ્રથમ હરોળના અગ્રણી. આપણને એમના જીવન અને કાર્યનો પરિચય અહીંથી જ થાય છે. એમનો જન્મ, ઉછેર, માતા, પિતા, બાળપણ, અભ્યાસ વગેરેની બાબતો નોંધાઈ નથી. જે કંઇ નોંધાયું છે તે છે એમની શૂરવીરતા, દેશદાઝ, ફનાગીરી અને દઢ ચારિત્ર્ય.
ચરોતરના મહીકાંઠાના એક ખોબા જેવડા નાનકડા ગામ ખાનપુરના જીવાભાઈ ઠાકોરે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો ઝંડો ઝાલ્યો. એમાં જોડાયા આણંદના ગરબડદાસ પટેલ, મૂળજી વેણીરામ કિરપાશંકર દવે વગેરે. એમણે એવી જાગૃતિ ફેલાવી કે ચરોતરના સ્વાતંત્ર્ય સૈનિકોની સંખ્યા બે હજાર જેટલી થઈ ગઈ. ચરોતરની તત્કાલીન ભૌગોલિક અને રાજકીય પરિસ્થિતિ અનુસંધાન આ જાગૃતિ અને સ્વાતંત્ર્ય સૈનિકોની સંખ્યા અંગ્રેજ હકૂમત માટે ચિંતાજનક બાબત બનતી હતી. આથી એ સંજોગ બની.
આણંદથી 12 કિલોમીટર દૂર આવેલા ખાનપુરના જીવાભાઈ ઠાકોરે 1857ના બળવા દરમિયાન ચરોતરમાં અંગ્રેજ હકૂમતની અન્યાયી નીતિ-રીતિના વિરોધમાં લડાઈ આદરેલી અને વીરતાપૂર્વક શહીદ થયેલા.
1857ના બળવાનું એક કારણ હતું ઇનામ કમિશન અને સર્વે ખાતાની કામગીરી. ભારતમાં, ખાસ કરીને ગુજરાતમાં, પ્રાગ-બ્રિટિશ યુગના સમયથી બ્રાહ્મણો અને સરદારોને બહોળા પ્રમાણમાં જમીન દાન કે ઇનામ તરીકે આપવામાં આવતી હતી. આવી દાન કે ઇનામમાં મળેલી જમીનના માલિકી હકની સનદ બધા પાસે નહોતી. દેશની 25 ટકા આવી દાન-ઇનામની જમીન ગુજરાત એકલામાં જ હતી. આ અંગે સર્વે કરવાથી આવા જીવનધારકોમાં ભારે અસંતોષ ઊભો થયો, અને અંગ્રેજ સરકાર આવી જમીન પડાવી લેવા માગે છે તેવી હવા બંધાઈ. આ કારણને લીધે મહીકાંઠા, રેવાકાંઠા, ખેડા, પંચમહાલ અને બીજા વિસ્તારના તાલુકાદારો અને ઠાકોરો સરકારના વિરોધી બન્યા અને બળવામાં તેઓએ સક્રિય ભાગ લીધો.
મહીકાંઠાની 140 ઠકરાતો ઇનામ કમિશનની કાર્યવાહીથી અસંતુષ્ટ બનેલી, અને અસંતુષ્ટ લોકોની નેતાગીરી ખાનપુરના ઠાકોર જીવાભાઈએ લીધી. તેમને સાથ મળ્યો આણંદના ગરબડદાસ મુખીનો. આ બન્નેએ ભેગા મળીને બળવાનો ઝંડો ફરકાવ્યો. ઠાકોર જીવાભાઈ અને ગરબડદાસ મુખીએ ભીલ, કોળી અને અન્ય કોમોનું 2000નું લશ્કર એકઠું કરી નજીકનાં ગામડાં જીતી લઈને અંગ્રેજી સત્તાનો પ્રતિકાર કર્યો. વડોદરાથી બ્રિટિશ લશ્કર આવી પહોંચ્યું અને તેણે ગામડાંમાં લોકો ઉપર ત્રાસ ગુજારી બળવાખોરોને પકડી પાડ્યા અને જેર કર્યા. ઠાકોર જીવાભાઈ પણ પકડાયા અને તેમને ફાંસી આપવામાં આવી. અંગ્રેજ સરકારે આણંદમાં થાણું નાખ્યું. લશ્કરના સશસ્ત્ર સૈનિકો જિલ્લાના ગામેગામ ફરવા લાગ્યા. અંગ્રેજોના મતે 1857ના સ્વાતંત્ર્ય સૈનિકો તો બળાખોર હતા. એમને પકડવા અંગ્રેજ લશ્કરના સૈનિકો સામાન્ય પ્રજાજનોને રંજાડવા લાગ્યા. સૈનિકને અંગ્રેજીમાં સોલ્જર કહેવાય. સામાન્ય પ્રજાજન સોલ્જરને સોજનિયા તરીકે ઓળખતો અને એ નામે વાત કરતો. એ દિવસોમાં આ સોજનિયા જે મળે તે બધું લૂંટતા, અને સ્વાતંત્ર્ય સૈનિકોની ભાળ મેળવવા સામ-દામ-ભેદ-દંડની તમામ યુક્તિઓ અપનાવતા. એથી કરીને સમગ્ર જિલ્લામાં ભય ફેલાયો, અશાંતિ વ્યાપી ગઈ. પ્રજા ત્રાહિમામ પોકારવા લાગી. ન ડગ્યા 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના ચરોતરના નરબંકા શૂરવીરો.
ખાનપુરના જીવાભાઈ ઠાકોર અને તેમના 2000 સ્વાતંત્ર્યસેનાનીઓ યુદ્ધે ચડ્યા. એક બાજુ ખાનપુર જેવું નાનું ગામ અને દેશદાઝથી સજ્જ સ્થાનિક વીરો ને બીજી બાજુ દેશની અંગ્રેજ સલ્તનત અને તેનું કેળવાયેલું લશ્કર – પરિણામ અપેક્ષિત હતું, પરંતુ દેશના ભલભલા મુછાળા રાજવીઓ અંગ્રેજ સરકારની શરણાગતિ સ્વીકારી નાના-મોટા મેડલો-હોદ્દાઓ લઈ ખોટી ખોટી મૂછો આમળી જીવી રહ્યા હતા ત્યારે પરતંત્રતાની અંધારી રાતમાં એક આ સ્વાતંત્ર્યસેનાનીએ કોડિયું પ્રગટાવ્યું અને કોડિયાના પ્રકાશે અનેક નિઃશસ્ત્ર લોકોની આંખમાં માભોમ પ્રત્યે ઝબકારો કર્યો. જીવાભાઈ ઠાકોર પકડાયા અને એમને એમના ગામમાં જ જાહેરમાં ફાંસી આપવામાં આવી. અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓને ત્યાં રહેંસી નાખવામાં આવ્યાં. કેટલાક નાસી પણ છૂટ્યા, એમાં હતા ગરબડદાસ અને સાથીઓ. પીછેહઠની દાઝ એમને કોરી ખાતી હતી. આણંદ લોટિયા ભાગોળે આવેલા વડ પાસે અંગ્રેજ સૈનિકોએ છાવણી નાખેલી. જીવાભાઈ ઠાકોર શહીદ થયેલા, પણ એમણે પ્રગટાવેલી ચિનગારી લોકોના હૃદયમાં જીવંત હતી. અંગ્રેજ હકૂમત આ બાબત જાણતી હતી. ગરબડદાસ પટેલ અને સાથીઓએ અંગ્રેજ છાવણી પર હુમલો કરી બદલો લેવાનું નક્કી કર્યું. ગરબડદાસ પટેલ અને એમના સાથીઓ એક અંધારી રાતે અંગ્રેજોની છાવણીમાં ઘૂસ્યા. એમના સદ્નસીબે સોજનિયાઓ ઘસઘસાટ ઊંઘતા હતા. એમણે ઘોડાઓનાં પૂંછડાં કાપ્યાં. અંગ્રેજ હકૂમતના સૈનિકોનાં નાક જ સમજવાનાને?
બીજે દિવસે સવારે અંગ્રેજ છાવણીમાં સોપો પડી ગયો. પોતાનું નાક કાપી ગયેલા ચરોતરના સ્વાતંત્ર્યસેનાનીઓને ઝબ્બે કરવા અંગ્રેજ સૈનિકો વછૂટ્યા. આણંદ અને આસપાસનાં ગામોમાં ઘેર ઘેર તલાશી શરૂ કરી. ભારતમાં જયચંદોની કોઈ કાળે ખોટ પડી નથી! આણંદના જયચંદોએ સ્વાતંત્ર્યસેનાનીઓની ભાળ આપી. ઘણા બધા પકડાયા અને સૌને ખાનપુર લાવવામાં આવ્યા. અહીં બેઠેલી લશ્કરી અદાલતે આ સૌને રાષ્ટ્રદ્રોહી ગણ્યા અને ત્યાં જ તેમને તોપના ગોળે ઉડાડી દેવામાં આવ્યા.
આગ હજી સંપૂર્ણ બુઝાઈ નહોતી. ગરબડદાસ પટેલ અને કેટલાક ચુનંદા સાથીઓ હજી ભાગેડુ હતા. એમ કહેવાય છે કે આણંદમાં અંગ્રેજી છાવણી લૂંટાઈ તેના બીજા દિવસે ગબડદાસ પટેલનું લગ્ન હતું. લગ્ન તો થયું, પણ એ પકડાઈ ગયા. એમને બચાવવા જતાં મૂળજી જોશી ઘાયલ થયા હતા. ગરબડદાસ પટેલ પર અજાણી જગ્યાએ મુકદ્દમો ચલાવવામાં આવ્યો અને એમને જન્મટીપની સજા કરાઈ. એમનો અપરાધ હતો ઈસ્ટ ઇન્ડિયા કંપની સરકારની હકૂમત સામે બળવો કરવાનો અને દિલ્હી-મેરઠના બગાવતીઓને ટેકો આપવાનો! એમને કાળાં-પાણીની સજા થઈ. હાથે-પગે બેડી બાંધીને એમને આંદામાન ધકેલી દેવામાં આવ્યાં.
ગરબડદાસ પટેલ પકડાયાં ત્યારે એમનાં લગ્ન હતાં. એમ કહેવાય છે કે એ ત્રીજી વારનાં લગ્ન હતાં. એમના આ ત્રીજી વારનાં પત્નીનું નામ લાલબા. અડાસનાં એ પટલાણી હતા. રાષ્ટ્રભક્ત પતિને છાજે એવી વીરતાવાળાં હતાં લાલબા. રાષ્ટ્રને સ્વતંત્ર કરવા પ્રવૃત્તિ કરવી એ એમને મન ધર્મકાર્ય હતું, રાષ્ટ્રદ્રોહ નહિ. પોતાના પતિએ યોગ્ય કર્યું છે તેમ એ માનતા. ઘરે બેસી રહી રડવું એના કરતાં એમને છોડાવવા સક્રિય પ્રયત્નો કરવા એમ એમણે મનોમન નક્કી કર્યું. કોઈકે સૂચવ્યું, મુંબઈ જઈ ગવર્નરને રજૂઆત કરાય તો કંઈક પરિણામ આવે. એ તો ચાલી નીકળ્યાં મુંબઈ જવા.
અડાસ-આણંદમાં જીવનારી આ પટેલ યુવતીએ મુંબઈનો માર્ગ જીવનમાં પ્રથમ વખત જોયો, પણ એની હિંમત અને ખુમારીએ એને મુંબઈના ગવર્નરને ત્યાં પહોંચાડી દીધી. છેક ગુજરાતના આણંદથી મુંબઈ આવેલી એકલી યુવાન સ્ત્રીની હિંમત પર મુંબઈના ગવર્નરે એને યોગ્ય ન્યાય આપવાની ખાત્રી આપી. લાલબા એ ખાતરી સાથે આણંદ પર આવ્યાં. લાલબા પટલાણી એમની જિંદગીની છેલ્લી ઘડી સુધી પતિ ગરબડદાસ પટેલની રાહ જોતાં રહ્યાં!
કહેવાય છે કે, મુંબઈના ગવર્નરે ગરબડદાસ પટેલ સંદર્ભે આંદામાન પત્રવ્યવહાર કરેલો, પરંતુ એ પત્ર પહોંચે તે પહેલાં આંદામાનમાં સખત પરિશ્રમની કાળાં પાણીની સજા ભોગવતા ગરબડદાસ પટેલે ઈ. સ. 1860માં શહાદત વહોરી લીધી હતી. ગરબડદાસ પટેલ 1857ના સ્વાતંત્ર્યવીર તરીકે કાળાં પાણીની જન્મટીપની સજા ભોગવતા શહીદ થનાર પ્રથમ ગુજરાતી સ્વાતંત્ર્યવીર બન્યા. (સૌજન્યઃ હરેન્દ્ર પ્ર. ભટ્ટ)

લેખક સાહિત્યકાર અને પત્રકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here