કાયાકલ્પી કેળાં

0
783

જેમ કેરી એ ફળની રાણી છે તેમ કેળાં એ ફળનો રાજા છે. બધાં ફળો કરતાં કેળું એ સસ્તું, ખાવામાં અતિ સ્વાદિષ્ટ અને તેમાં અનેક ગુણોનો ભંડાર હોવાથી આ ફળ મધ્યમ અને સાધારણ કુટુંબને ખાવું પોષાય છે. વળી, બધાં ફળોમાં આ એક જ ફળ એવું છે કે અંદર નહિ બી, નહીં ગોટલી કે નહિ માથે ચોટલી, આ છાલ ઉતારી નથી અને આ ખાધું નથી, એટલે દાંત વિનાના બાળકથી બૂઢિયા સુધી સહેલાઈથી સૌ કોઈ ખાઈ શકે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે, બધાં ફળોમાં જુદી જુદી જાતનાં ખનીજો, ક્ષારો, તત્ત્વો બધાંમાં જુદી જુદી રીતે ભરેલાં છે. તેમ સૌથી વધારે તત્ત્વો કુદરતે કેળામાં ઠાલવ્યાં છે. એ રીતે તત્ત્વોની બાબતમાં બધાં ફળો કરતાં કેળાંનો પહેલો નંબર આવે છે. કેળામાં મલ્ટિ-વિટામિન્સ ઉપરાંત કેલ્શિયમ, લોહ, ફોસ્ફરસ, મેન્ગેનીઝ, પોટેશિયમ, સોડિયમ, સલ્ફર વગેરે અનેક જાતનાં તત્ત્વો અને સત્ત્વોથી આ સસ્તું, સામાન્ય ફળ ભરપૂર છે અને તેમાં રહેલું રર ટકા ગ્લુકોઝ એવી જાતનું છે કે આંતરડામાં એટલું સહેલાઈથી પચી જાય છે કે તેનાથી પેટમાં કોઈ વિકૃતિ પેદા થતી નથી એટલે જ આ ફળને સાધારણ માણસનો લીલો હલવો કહી શકાય.
અત્યારની પેઢીને બહુ સ્વાદિષ્ટ રૂપાળા અને ફેશનવાળા ખાદ્ય ખોરાકો ખાવા ગમે, પણ તેનાથી જોઈએ એટલી સંખ્યામાં શરીરના કોષોનું નવસર્જન થતું નથી. તો એ જગ્યાએ આવાં સરળ, સાદાં, સસ્તાં અને તત્ત્વોથી ભરપૂર એવા અદ્ભુત કામ આપે છે. એટલું જ નહિ, પણ આવો કુદરતી આહાર પોષણ સાથે ઔષધ તરીકેનું પણ એટલું જ કામ આપે છે.
તમે હંમેશાં પીળી છાલનાં, કાળી છાંટ પડી ગઈ હોય અને સરસ રીતે પાકી ગયેલાં, બન્ને બાજુના છેડા જરાય ખંડિત થયાં ન હોય તેવાં કેળાં પસંદ કરી ખાવાનો આગ્રહ રાખશો. બહુ ગદગદી ગયેલાં કે કડક કેળાં ખાવાં નહિ. કેળાં ગુણમાં ઠંડા, મધુર, પૌષ્ટિક છે અને પિત્ત, લોહીવિકાર, દાહ, રક્તપિત્ત વગેરે અનેક રોગોમાં ફાયદો કરનાર છે.


જે લોકોને વારંવાર ભૂખ લાગતી હોય અને અડધા અડધા કલાકે એવી ભૂખ લાગે કે કંઈને કંઈ ખાવા જોઈએ. એવા આ રોગને આયુર્વેદમાં ભમક રોગ તરીકે ઓળખવામાં આવે છે. આવા રોગવાળાને એકદમ પાકાં કેળાં બેત્રણ કલાકે વારંવાર દૂધ સાથે દેવામાં આવે તો આ ભમક રોગ મટી જાય છે. લાંબો વખત સુધી સેવન રાખવું.
તમારે યૌવન લાંબા વખત સુધી ટકાવવું હોય એટલે કે વૃદ્ધાવસ્થા લાંબા સમયે આવે એવું ઇચ્છતા હો તો કાં નાનપણથી કાં કિશોરવસ્થાથી કાં યુવાન વયથી કટકે કટકે માફક આવે તે રીતે દૂધ કેળાંમાં થોડોક એલચીનો પાવડર અને સહેજ તીખાનો ભૂકો નાખી રોજ છથી આઠ કેળાં નિયમિત ખાઈ જાવ, તમે આ રાસાયાણિક ચીજનો ચમત્કાર જુઓ. ઘડપણ તો મોડું આવશે, તમારી ચામડીની કરચલી ઘણા લાંબા સમયે પડશે. એટલું જ નહિ, પણ એક યુવાન જેવી ખુમારી ટકાવી રાખશો અને બજારુ ચીજો બંધ કરી માત્ર સાતિ્ત્વક આહાર લેવો.
તમને અવારનવાર ગેસ રહેતો હોય, ભૂખ મંદ પડી ગઈ હોય, આંતરડાં નિષ્ક્રિય હોય, કબજિયાત ઘર કરી ગઈ હોય, ગેસ છાતી કે મગજ ઉપર વારંવાર ચડી જઈ ગભરામણ અને બેચેની રહેતી હોય તો મોળા દહીંનું બે કેળાંનું બધી ચીજો નાંખી રાયતું બનાવી રોજ બપોરના ભોજન સાથે ખાવાનું રાખો. ત્રણ ચાર મહિનાનો પ્રયોગ તમારા ગેસ વગેરેને મટાડી સરખી રીતે પાચનતંત્ર કામ કરવા માંડશે. એવી જ રીતે અવારનવાર પેશાબમાં લોહી આવતું હોય, બીજા કોઈ કારણ સિવાય ટીપે ટીપે બળતરા સહિત આવતો હોય તો બબ્બે કેળાં, દૂધ, સાકર મિશ્ર કરી અને તેમાં સહેજ એલચીનો પાઉડર નાખી આ રીતે દિવસમાં બે કે ત્રણ વખત લેવાથી એકદમ ફાયદો થઈ જાય છે. આ પ્રયોગ પંદરથી પિસ્તાલીસ દિવસ સુધી કરી શકાય.
જે બહેનોને લાંબા વખતથી પ્રદર રોગ હેરાન કરતો હોય, વધારે પડતું માસિક આવતું હોય, થોડું થોડું માસિક દેખાયા કરતું હોય, તેને લઈને અશક્તિ ફિક્કાશ, કળતર, તોડ, સુસ્તી, નબળાઈ, શરીર ઘસારે ચડ્યું હોય વગેરે જાતની તકલીફો જણાતી હોય તેવી બહેનોને બબ્બે કેળાં દૂધ ગુલકંદ સાથે અગર દૂધ કેળાં સવાર-સાંજ ત્રણથી ચાર માસ ખાવામાં આવે તો નોંધપાત્ર ફાયદો થઈ જાય છે.
જે યુવાનો અથવા પુરુષોને વીર્યની નબળાઈ હોય, પુરુષાતનની અશક્તિ રહેતી હોય, વીર્યના કીટાણુઓની ઓછપથી બાળક થવામાં ઢીલ થતી હોય એવાં બધાં કારણોમાં બસો ગ્રામ જેટલા પંચામૃતમાં બબ્બે કેળાંનાં બટકાં કરી સવારે અને સાંજે ખાવા માંડો અને ઉપર ચંદ્રપ્રભા નંબર એકની બબ્બે ગોળી દૂધમાં લેવા માંડો અને અઠવાડિયામાં બે વખત અડદની દાળ અને બે વખત ઓખરાની ખીર ખાવી. આ છ માસનો પ્રયોગ છે. આબેહૂબ પરિણામ આવશે. (ક્રમશઃ)