કાયાકલ્પી કેળાં

0
1061

(ગતાંકથી ચાલુ)
જે લોકોને અવારનવાર ઝાડા થઈ જતા હોય, અજીર્ણ રહેતું હોય, મરડાના હુમલા થતા હોય, ઝાડામાં ચીકાશ રહેતી હોય તેવા લોકો મોળું દહીં, બે કેળાં, સહેજ મરી, સહેજ ઘાણાજીરુ મિશ્ર કરી સવારસાંજ ત્રણથી ચાર માસ લે અને ખોરાકમાં મરચું, તળેલું મીઠાઈ, ફરસાણ અને બજારુ ખોરાક બંધ કરે તો ઘણું સારું પરિણામ આવશે.
નાનાં બાળકો, સ્કૂલે જતાં ભૂલકાં કે કિશોરો કે જેઓને ઘી, દૂધ, સૂકોમેવો કે સમૃદ્ધ ખોરાક આપવા છતાં શરીરનો વિકાસ જ ન થતો હોય અને ઊંચાઈ કે શરીરનું કદ જ વધતું ન હોય, વિટામિન્સવાળી દવાઓ કારગત નીવડતી ન હોય અને સુકલકડી અને માંયકાંગલા શરીરવાળા દેખાવમાં કંઈ ફેર થતો ન હોય કોઈ વખત યુવાનની પચીસ વર્ષની ઉંમર થવા છતાં દેખાવમાં ક્યાંય યુવાની દેખાતી ન હોય અને પરણાવવા જેટલી ઉંમર થઈ હોય છતાં શરીરના દેખાવમાં તેવી લાયકાત દેખાતી ન હોય આવા પ્રોબ્લેમ નાની બાળા, કિશોરી કે કન્યામાં સાકાર, માપમાં એલચી પાઉડર, ચોખ્ખું મધ બે ચમચી, મિશ્ર કરી કાયમ ખવરાવો, નાનાં બાળકોને સવારે આ રીતે અથવા રોજ સવારે નાસ્તામાં એક કેળું અને સ્કૂલે જતાં બાળકોને તેના લંચબોકસમાં કાયમ એક બે કેળાં મૂકશો તો બાળક, કિશોરોનો શારીરિક વિકાસ થઈ વજન પણ વધશે. એટલું જ નહિ, પણ તેઓની સ્મરણશક્તિમાં એકદમ સુધારો થઈ જશે.
આજકાલ અમ્લપિત્તના દર્દીઓ વિશેષ જોવામાં આવે છે. આવા લોકો બબ્બે કેળાં દિવસમાં ત્રણ વખત દૂધ સાથે લેતા જાય અથવા તો દૂધ અને ત્રણ કેળાંનો શેક બનાવી દિવસમાં ત્રણેક વખત પીવા માંડે તો એસિડિટી કે અમ્લપિત્ત મટી જાય છે, પણ ખટાશ, મરચું, મીઠાઈ, ફરસાણ બંધ રાખવાં. શરૂઆતનું હોજરી કે આંતરડાનું અલ્સર હોય તો માત્ર આવાં શેક ઉપર પંદર દિવસથી બે માસ સુધી દર્દીને રાખવામાં આવે અને કલાકે બે કલાકે કેળાં દૂધનો શેક આપવામાં આવે તો આવાં અલ્સરો મટી ગયાના અનેક દાખલા છે.
આજકાલ મોઢે ખીલ નીકળવાના ખૂબ કેસો જોવામાં આવે છે. તેઓ દૂધ, કેળાં અને એલચી દિવસમાં બેથી ત્રણ વખત લે. સવાર-સાંજ એક-એક ચમચી ત્રિફળાનું ચૂર્ણ અને રાત્રે કેળાંની છાલનો છૂંદો કરી આખી રાત લગાડવાનું રાખે અને ખોરાકમાં ખટાશ, મરચું, ફરસાણ અને મીઠાઈ બંધ કરે તો ઘણો ફાયદો થઈ જાય છે. અને રોજ રાત્રે ઇસબગુલ લેવાનું રાખે. આ પ્રયોગ છ માસ કરવો જરૂરી છે.
જે ભૂલકાં, કિશોર વયનાં બાળકો કે યુવાનોને ભૂખ લાગતી ન હોય, ભૂખ મંદ પડી ગઈ હોય, તેવી વ્યક્તિઓ કેળામાં સાકર અને ટામેટાનો રસ કે બટાકાં મિકસ કરી દિવસમાં એકથી બે વખત ભોજન સાથે લેવા માંડે તો ભૂખ ઉઘડી પાચનશકિત મજબૂત બનશે અને વજન પણ વધશે.
જે લોકોને અવારનવાર હરસમાંથી, આંતરડામાંથી લોહી પડતું હોય તો તેવા લોકો બે કેળાં અને બટાકામાં એક લીંબુ નિચોવી થોડુંક ઘી અને સાકર નાખી ભોજન સાથે દિવસમાં એકથી બે વખત એકથી ત્રણ માસ સુધી સેવન કરે અને રોજ રાત્રે ઇસબગુલ દૂધ સાથે લેવાનું રાખે તો લોહી પડતું બંધ થાય. હરસમાં પણ ફાયદો થઈ જાય છે. ખોરાકમાં મરચું, રાઈ અને ફરસાણ બંધ રાખવાં. જે લોકોને મગજની નબળાઈ, કમ યાદશક્તિ, વાઈ, હિસ્ટીરિયા, મગજ ભ્રમિત હોય, ખોટા વિચારો આવતા હોય, ભુલકણો સ્વભાવ હોય, તેવા લોકોએ બબ્બે કેળાં સવાર-સાંજ આમળાના જીવન સાથે ત્રણથી ચાર માસ સેવન કરવું.
ઓછી ઊંઘ, શરીરમાં કાળાશ આવવી, આંખે કૂંડાળાં થવાં, આંખ લાલ રહેવી, ચશ્માંના નંબર વધતા જવા, શરીરમાં બળતરા કે દાહ થવો, લોહીવિકાર થવો, વારંવાર શીળશ નીકળવું, આંખે આંજણી થયા કરવી, વારંવાર તરસ લાગવી, આ માટે દૂધ, કેળાં, દૂધની મલાઈ સાકર અને એલચી નાખીને નિયમિત સેવન કરે તો આવા કે આવી જાતના અસંખ્ય રોગો ઉપર ફાયદો કરે છે.
એક ખાસ સૂચના એ છે કે લોકોને વારંવાર શરદી, ઉધરસ, દમ, શ્વાસ, ભરાણી થઈ જતી હોય અથવા તો શરદીનો તાવ અવારનવાર આવી જતો હોય અથવા શરદીનો કોઠો હોય કે કેળાંની એલર્જી થઈ જતી હોય તેવા લોકો કોઈએ કેળાનો પ્રયોગ કરવો નહિ. આવા લોકો માટે ઘણી વખત કેળાનો પાવડર અનુકૂળ આવી જાય છે. તો આવી તાસીરવાળા લોકો કેળાના બદલે તેના પાઉડરનો ઉપયોગ કરી જુએ.
આમ જો બધી રીતે વિચાર કરી જોઈએ તો કેળાં એ અસંખ્ય રોગ ઉપર ઉપયોગી છે. એટલું જ નહિ, પણ કેળાને કાયાકલ્પીનું બિરુદ આપીએ તો પણ કંઈ ખોટું નથી.