કાયદો લાવી હું જીવનનું મહત્ત્વનું કામ કરવા જઈ રહ્યો છુંઃ પ્રદીપસિંહ જાડેજા

 

ગાંધીનગરઃ ગુજરાતમાં પણ આખરે લવ જેહાદ કાયદો આવી ગયો. લાંબા સમયથી વિવિધ સમાજ દ્વારા તેની ગુજરાત સરકાર સામે માંગણી કરવામાં આવી હતી. જેથી સરકારે આખરે વિધાનસભા ગૃહમાં બિલ રજૂ કર્યું છે. ગૃહરાજ્ય મંત્રીએ પ્રદીપસિંહ જાડેજાએ ગુરુવારે ગૃહમાં આ કાયદો ગુજરાત માટે કેમ મહત્ત્વનો છે તે વિશે લાંબુ ભાષણ પણ આપ્યું હતું.  સાથે જ આ કાયદાના ફાયદા પણ જણાવ્યા હતા. ગુજરાતની પ્રજા દ્વારા આ બિલને આવકારવામાં આવ્યું છે. જોકે, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ બાદ ગુજરાતમાં લાગુ કરવામાં આવેલ આ કાયદામાં કેવા કેવી જોગવાઈ કરવામાં આવી છે અને કેવા પ્રકારની સજા થશે તે માહિતી પણ સામે આવી છે. 

તો બીજી તરફ, લવ જેહાદ માટે ફન્ડિંગ થતુ હોવાનો દાવો ગૃહરાજ્ય મંત્રીએ પ્રદીપસિંહે ગૃહમાં કર્યો છે. તેમણે કહ્યું કે, આરબ દેશોમાંથી હવાલાનાં મારફતે આ ફંડ ભારત પહોંચે છે. નવા કાયદામાં ફરિયાદ માત્ર પીડિત નહિ, પંરતુ પરિવારજનો પણ કરી શકશે. 

પીડિત સાથે લોહીના સંબંધ ધરાવનારા વ્યક્તિઓ પણ ફરિયાદ કરી શકશે. નારાજ થયેલ કોઈ પણ વ્યક્તિ, તેના માતાપિતા, ભાઈ-બહેન, લોહીના સગપણથી, લગ્ન અથવા દત્તક વિધાનથી સગપણ ધરાવતી કોઈ અન્ય વ્યક્તિ આ અધિનિયમ હેઠળ ફરિયાદ કરી શકે છે. 

 ડીવાયએસપી કક્ષાના કે તેની ઉપરના પોલીસ અધિકારી તપાસ કરી શકશે.

 ગુનેગાર અને મદદ કરનાર બંને સામે ગુનો નોંધાશે. 

 કાયદા અંતર્ગત ગુનેગારને ત્રણથી પાંચ વર્ષની સજાની જોગવાઈ કરાઈ છે. તો સાથે જ બે લાખ રૂપિયાથી વધુના દંડની જોગવાઈ

 આરોપી સગીર, સ્ત્રી અથવા અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત આદિજાતિની વ્યક્તિના સંબંધમાં કરાયું હોય તો આરોપીને ચાર વર્ષથી ઓછી નહિ, પરંતુ સાત વર્ષ સુધીની સજા થશે અને તેને ૩ લાખ રૂપિયાનો દંડ થશે. 

 ગેરકાયદેસર ધર્મ પરિવર્તન કરાવવાનો હેતુથી કામ કરતી આરોપી સંસ્થા માટે ત્રણથી દસ વર્ષ સુધીની સજાની જોગવાઈ, સાથે જ પાંચ લાખ સુધીના દંડની જોગવાઈ. સાથે જ આવી સંસ્થા અથવા સંગઠન રાજ્ય સરકાર દ્વારા અપાતી કોઈ ગ્રાન્ટ માટે હકદાર નહિ થાય. 

 નિર્દોષ સાબિત કરવાની જવાબદારી આરોપીની રહેશે

 ગુનો બિનજામીનપાત્ર ગણવામાં આવશે

 કપટથી લગ્ન કરવા કે લગ્નમાં સહાય કરવી ગુનો બનશે.

 ખોટા નામ, અટક, ધાર્મિક ચિહ્નો ના લગ્નમાં ઉપયોગ ગુનો બનશે 

 કોઈ પણ વ્યક્તિ સીધી રીતે અથવા કોઈ પણ વ્યક્તિનું બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવી શકશે નહિ. આવી વ્યક્તિ ૩ વર્ષની કેદ અને ૫૦ હજાર રૂપિયા સુધીના દંડની શિક્ષાને પાત્ર બનશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં લાવવામા આવેલ લવ જેહાદના કાયદાને લોકોએ વખાણ્યો છે. વડોદરા, સુરત, રાજકોટ શહેરની યુવતીઓએ સરકારના પગલાંને આવકાર્યું છે. 

વિધર્મી યુવકો યુવતીઓને ફસાવતા પહેલા વિચારશે તેવો મોટા ભાગની યુવતીઓનો મત છે.