કાજોલને હોલીવુડની ફિલ્મમાં અભિનય કરવાની ઇચ્છા છે

પ્રિયંકા ચોપરા અને દીપિકા પદુકોણ પછી કાજોલની પણ હોલીવુડની ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા છે. બોલીવુડ અભિનેત્રીની કાજોલે થોડા દિવસ પહેલાં ડિઝની પિક્ચર્સની ફિલ્મ ઇનક્રેડિબલ્સ ના હિન્દી વર્ઝન માટે પોતાનો અવાજ આપ્યો છે. ઇનક્રેડિબલ્સ ના સ્ત્રીપાત્ર હેલન પાર – ઇલાસ્ટીગર્લ માટે કાજોલે પોતાનો અવાજ આપ્યો છે. આ ફિલ્મની હિન્દી આવૃત્તિનું ડબિંગ કર્યા પછી કાજોલ હોલીવુડની ફિલ્મોથી વધુ પ્રભાવિત થઈ છે. તેણે એક મુલાકાતમાં કહ્યું હતું, હું હોલીવુડની ફિલ્મોમાં કામ કરવા માગું છું. હોલીવુડની ફિલ્મોની કાજોલ મોટી પ્રશંસક છે. હોલીવુડની ફિલ્મો વિશે તેણે જણાવ્યું હતું કેં હોલીવુડની ફિલ્મોમાં કામ કરવાનું મને બહુ ગમશે. જોકે ત્યાંની ફિલ્મોની પસંદગી વિશે તેણે કોઈ શૈલી વિચારી નથી રાખી. છતાં મનવાંછિત પટકથા મળી જાય તો પણ તે પોતાની શરતોએ જ ત્યાં કામ કરશે જે હિન્દી ફિલ્મો માટે રાખે છે.
ફિલ્મ ઇનક્રેડિબલ્સ માં કાજોલે ડબિંગ કર્યું એથી તેનાં બાળકો ઘણા ખુશ હતા. અને આ ફિલ્મને લઈને તેઓ અતિ ઉત્સાહિત છે, કારણ કે આ ફિલ્મ તેમને એમની માતા સાથે બીજા લોકો કરતાં પહેલાં જોવા મળશે. આ જ વાત તેમના માટે વધુ મહત્વની છે.
કાજોલનું માનવું છે, કોઈ પણ સુપરહીરો મુવી લો. પછી તે એવેન્જર્સ-ઇન્ફિનિટી વોર હોય, સ્પાઇડર-મેન, આયર્ન મેન કે વન્ડર વુમન હોય, એ દરેક મુવી બોક્સ-ઓફિસ પર હિટ થતી હોય છે. અને ડિજિટલ જમાનામાં તો સુપરહીરોઝની લોકપ્રિયતા વધી ગઈ છે.
કાજોલે અજય દેવગન સાથે 1999માં લગ્ન કર્યાં હતાં. એમને બે સંતાન છે – દિકરી ન્યાસા અને પુત્ર યુગ. અભિનેત્રી કાજોલે કરન-અર્જુન, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, પ્યાર કિયા તો ડરના ક્યા, ઇશ્ક, દુશ્મન, કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ગમ જેવી ફિલ્મોમાં નોંધપાત્ર અભિનય આપ્યો છે. લગ્ન પછી કાજોલ બાળકોના ઉછેર માટે ફિલ્મી દુનિયાથી ઘણો વખત દૂર રહી હતી.
ઉલ્લેખનીય છે કે પુનરાગમતનપછી કાજોલ છેલ્લે ધનુષ સાથેની ફિલ્મમાં નજરે ચડી હતી. આ ફિલ્મમાં કાજોલે નકારાત્મક પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ તેણે ધનુષની વિનંતીને કારણે સાઇન કરી હતી. એ પછી આ લોકપ્રિય અભિનેત્રીએ હોલીવૂડની એનિમેશન ફિલ્મ ઇનક્રેડિબલ્સ માં પોતાનો અવાજ આપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here