કાંટાને પૂજવાનો અર્થ ખરો?

કાંટા ગુલાબના ‘ભક્ષક’ નથી, પણ ‘રક્ષક’ છે. આ વાત કુદરત પણ જાણે છે અને કાંટા પણ! નથી સમજતો આ વાત માણસ! એટલે ‘ગુલાબ’ એને મન સાધન છે અને કાંટો પણ એને મન સાધન છે. માણસને મન સાધ્ય તો હોવું જોઈએ, ‘સૌંદર્ય’, સાધ્ય તો હોવું જોઈએ, ખુશબો, સાધ્ય તો હોવી જોઈએ સવારે ખીલીને ખુશબોનું બિનશરતી દાન કરીને અનાસક્ત ભાવે કરમાઈ જવાની દાનત.

પણ માણસ ‘ગણતરીબાજ’ પ્રાણી છે. ‘કાંટા’ જેવો માણસ પણ જો ‘જિતાડવા યોગ્ય’ ખપનો લાગે તો એને જિતાડે છે અને જીત્યા પછી એને ‘હાર’ પહેરાવે, અને એ પણ ગુલાબનો! પેલા કાંટા જેવા માણસમાં રહેલો હલકટતાનો કાંટો ગુલાબના હારને પૂછે છેઃ ‘બોલ, જીત કોની થઈ તારી કે મારી?’ સદીઓથી આવું જ થતું આવ્યું છે. તમે ગુલાબ હારતા આવ્યા છો અને અમે ‘કાંટા’ જીતતા આવ્યા છીએ.’

આજના યુગમાં જો ગુલાબ જ પૂજાતાં હોત તો ‘કાંટા’ જેવા નિમ્નસ્તરીય વર્તન કરનાર પ્રતિનિધિઓ ચૂંટણીવિજેતા બની દેશના ત્રાતા, ભાગ્યવિધાતા ક્યાંથી બનત? લોકશાહીના પવિત્ર ગુલાબને પોતાના અસ્તિત્વ માટે ‘કાંટા’ સામે યાચક દષ્ટિથી તાકવું પડે એના જેવી બીજી મજબૂરી કઈ?

આજે ‘મહાનતા’ની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. લોકપ્રિયતાનો માપદંડ પણ બદલાઈ ગયો છે. મહેકતો માણસ હડસેલાય અને નડતો માણસ આગળ ધકેલાય. મહાન માણસ મહેકવામાં માને છે. સ્વાર્થી માણસ બહેકવામાં. મહાન માણસ બીજાને માંજીને શુદ્ધ કરવાનો આદર્શ સેવે છે, ગણતરીબાજ માણસ બીજાને આંજીને એની કમજોરીનો ભરપૂર લાભ કેમ ઉઠાવી શકાય, એની તરફ નજર રાખે છે. આજે ‘લોકપ્રિય’ બનવાનો શોર્ટકટ એ છે કે તમે ‘નડતર’રૂપ બનો, એટલે તમારા તરફ સૌનું ધ્યાન ખેંચાશે. ધ્યાનપાત્ર બનવા માટે બેફામ વિધાનો, બીજાની પોલબોલ, બિનચકાસ્યા આક્ષેપો અને સારા માણસનો હુરિયો બોલાવી નઠારા માણસને ઉચ્ચ પદસ્થ થવામાં મદદરૂપ બનો, એટલે તમારો બેડો પાર. નઠારાપણું આજે કલ્પવૃક્ષ બની ગયું છે. સૌજન્ય ફળશે કે નહિ તેની ખાતરી નહિ, પણ નઠારાપણું ફળ્યાના દાખલા અત્ર-તત્ર-સર્વત્ર જોવા મળે છે.
ચૂંટણીમાં ઊભા રહેવા ઇચ્છતા એક બદનામ પણ લોકપ્રિય કહેવાતા સમાજસેવક પાસે બે-ચાર લોકો પોતાનાં કામ અંગેની અરજીઓ લઈને આવે છે. પેલા સમાજસેવક હાથ લાંબા કરીને બધી અરજીઓ લઈ વાળીને બાજુ પર મૂકી દે છે. અને કહે છે, ‘કાલે આવજો, તમારું કામ થઈ જશે.’ પણ એ પૈકી એક જણ પૂછે કે, પણ મારી માગણી શી છે, એની તો તમને ખબર પણ નથી!’

પેલો દંભી સમાજસેવક કહે છેઃ ‘અરજીમાં શું લખ્યું, એ વાંચવાની જરૂર પહેલાંના ‘ગાંધીવાદી’ સમાજસેવકોને હતી. આપણે બંદા છીએ ‘આંધીવાદી’ સમાજસેવક! ઘોંઘાટ, ધમાલ, અરાજકતા અને અપમાનજનક સૂત્રોચ્ચાર દ્વારા સામેની વ્યક્તિને નમાવી વાંકી આંગળીએ ઘી કાઢવું એ અમારો સિદ્ધાંત. જાઓ બાકીનું બધું મારો સેક્રેટરી તમને સમજાવી દેશે!’ સેક્રેટરી અરજદારોને શું સમજાવશે, એની કલ્પના આપ કરી શકો છો.

સમાજમાં આજે પણ શરીફ, સજ્જન, ગુલાબ જેવા વ્યક્તિત્વવાળા સેવાભાવી અને પવિત્ર જીવન ગાળનારા લોકો છે. તેઓ પૂજાવા માટે નહિ કે પૂજ્ય ગણાવા માટે નહિ, પણ માનવધર્મને, માનવજીવનને દીપાવવા માટે સેવાયજ્ઞ આદરી રહ્યા છે. તાજેતરમાં જ આર. એસ. પટેલના અધ્યક્ષપદે કામ કરતા આશીર્વાદ ટ્રસ્ટે નાના, પણ સેવાનું નોંધપાત્ર કામ કરતા ગુજરાતના ખૂણે-ખૂણેથી શોધી 11 સેવાવીરોને ‘ધરતીરત્ન’થી નવાજ્યા તો બીજી તરફ ગુલાબ-શા મહેકતા વ્યક્તિત્વસંપન્ન કિડની હોસ્પિટલ, (અસારવા)ના ડો. એચ. એલ. ત્રિવેદીની સ્વાસ્થ્યલક્ષી ઉદાત્ત સેવાઓને પોંખી, એવી ઘટનાઓ પણ પ્રેરણાનાં પુષ્પો સમાન છે. ગરીબ લોકોની અનેકવિધ સેવા કરતા આ ટ્રસ્ટના ટ્રસ્ટી ડો. કિરણભાઈ પટેલ સહિતના ટ્રસ્ટીઓની મુલાકાત લેવા જેવી છે. એટલે મૂળ વાત છે સેવાધર્મની. તમે મહાન બનો એ અભિનંદનીય, પણ જીવનની પવિત્રતા, સામાન્ય, માનવીની જેમ વર્તવાની વિનમ્રતા અને પોતાને ‘વીઆઇપી’ના ભ્રમમાં ન રાચવા દેવાનો સંયમ એ અગત્યની વાત છે.
મકરન્દભાઈ દવેલિખિત અને નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત ‘પથદીપ’ લઘુ પુસ્તિકામાં એક સુંદર વાત પ્રસ્તુત કરવામાં આવી છે. ‘સામાન્ય બનો, સરળ રહો’ એ જ જીવનનું સૂત્ર હોવું જોઈએ. ખાસ કરીને જ્યારે ઉચ્ચ કે અતિ ઉચ્ચ પદ પ્રાપ્ત થાય ત્યારે પણ જીવની સ્વાભાવિકતા રહે તો એ ખરી પ્રાપ્તિ ગણાય.’ આ પછી અવતારી પુરુષોના જીવનની મહાનતા અને નમ્રતાના દાખલા ટાંકતાં ઉમેરવામાં આવ્યું છે કે ‘આપણે જેમને અવતાર માની પૂજીએ છીએ તેમણે આ સામાન્ય માણસની જેમ રહેવામાં સંકોચ અનુભવ્યો નથી. ભગવાન રામે તો મહાબળવાન રાક્ષસો સામે વાનરસૈન્ય તૈયાર કર્યું હતું. હનુમાનને ભેટી તેમને મહાવીર બનાવી પોતાના દૂત તરીકે સ્થાન આપ્યું હતું અને પોતાના ભરતસમા બંધુ માન્યા હતા. ભગવાન કૃષ્ણ ગોવાળિયાઓ સાથે ગોવાળ બની ખેલ્યા હતા અને યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞ વખતે એંઠી પતરાળીઓ ઉપાડવામાં પણ નાનમ નહોતી રાખી. દરિદ્ર સુદામાને તેમણે પોતાના મિત્ર ગણી માન આપ્યું હતું. પ્રામાણિક મનુષ્ય તરીકે જીવવું ઘણી મોટી વાત છે. એટલા માટે તુલાધાર શૂદ્રને આપણે જાજલી મુનિ જેવા સિદ્ધ યોગી કરતાં વધુ માન આપ્યું છે.’

એટલે અંગત સ્વાર્થ ખાતર ‘નડતા’ને જેટલા અંશે ભજવાનું સમાજ ઓછું કરશે તેટલા અંશે સામાજિક વાતાવરણ શુદ્ધ અને નેક બનશે. ખરાબ માણસો આપોઆપ પેદા થતા નથી, ભ્રષ્ટાચારીઓ આપોઆપ ભ્રષ્ટ બનતા નથી, એમને ખરાબ, ભ્રષ્ટ કે દુરાચારી બનાવનાર કાં તો કોઈ સ્વાર્થી હોય છે અને કાં તો પોતાનું કામ પતાવવા ભ્રષ્ટની, શરણાગતિ શોધતો મજબૂર કે ગેરકાયદે કામ ત્વરિત કરાવવા ઇચ્છતો માણસ.

કાંટા આજના યુગમાં એટલા માટે પૂજાય છે કે સ્વાર્થી સમાજ તેમને જરૂરી માને છે. તેમને ફોડીને ધાર્યું કામ કરાવવાનું સરળ છે, માટે ગણતરીબાજો ‘કાંટા’ને પણ ગુલાબનો આદર આપી મોટી ખુરસી પર બેસાડવામાં મદદરૂપ થવાનો જઘન્ય અપરાધ કરી રહ્યા. એટલે જ આજે મહાન બનવા માટે કાંટા બનવાની, કાંટા વેરવાની કે કાંટાઓને મોટામાં ખપાવવાની પ્રવૃત્તિ જોરશોરથી ચાલી રહી છે. જે મતલબી સમાજ કાંટામાં જ ગુલાબની ખુશબોનો અહેસાસ કરે, એ સમાજમાં ગુલાબનો ભાવ કોણ પૂછે? મારકણી દુધાળું ગાયની ‘લાત’ પણ લોકોને ગમતી હોય છે. પણ માનવજાતે એ પણ યાદ રાખવું પડશે કે ઇતિહાસ એ વાતની શાખ પૂરે છે કે પૃથ્વીના પટ પરથી કંસ કે દુર્યોધન જેવા કાંટાઓ ઊખડી ગયા છે. જે ભેદે છે તે ભેદાય છે, અને છેદે તે છેદાય છે. લોકો ગુલાબને ચૂંટી લે છે ને કાંટો તેની મૂળ જગ્યાએ પડ્યો રહે છે, પરંતુ ગુલાબે કરેલું સૌરભદાન માણસના મનમાં મહેકરૂપે સચવાઈ રહે છે. ગુલાબની મહેક યુગેયુગે રહી છે અને રહેવાની છે.

લેખક સાહિત્યકાર છે.