કવિ વિનોદ જોશીને આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ આર્પણ કરાશે

ભાવનગરઃ ગુજરાતી કાવ્ય સાહિત્યનો સૌથી મોટો આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ વર્ષ 2018 માટે ગુજરાતી ભાષાના કવિ વિનોદ જોશીને અર્પણ કરવાની ઘોષણા થઈ છે. આગામી 24મી આક્ટોબરના રોજ જૂનાગઢમાં મોરારિ-બાપુના હસ્તે રૂપિયા એક લાખ એકાવન હજારની રાશિ અને નરસિંહ મહેતાની ધાતુની પ્રતિમા તેમ જ શાલ અને સન્માનપત્રથી તેમનું અભિવાદન કરવામાં આવશે. ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પુરસ્કૃત રઘુવીર ચૌધરી તેમ જ અન્ય સાહિત્યકારો આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ દ્વારા જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં આવેલી રૂપાયતન સંસ્થામાં યોજાશે. અગાઉ રાજેન્દ્ર શાહ, મકરંદ દવે, અમૃત ઘાયલ, સુરેશ દલાલ, ભગવતીકુમાર શર્મા, રમેશ પારેખ વગેરે આ એવોર્ડથી સન્માનિત થયા છે.