કવિ કિસનજીનું માર્મિક દુહાકથન

0
1231

દુહામાં મહત્ત્વની બાબત એમાંથી પ્રગટતો મર્મ છે. મર્મમાંથી ડહાપણ, કોઠાસૂઝ અને કોઈ ઘટના પરત્વેનું નિજી અર્થઘટન પ્રગટતું હોય છે. દુહાગીરોની દુહા રચયિતાઓની સૌથી મોટી વિશિષ્ટતા એ હોય છે કે પોતાને પ્રાપ્ત દર્શન, અનુભવપૂત સત્ય એકદમ અસરકારક રીતે કથવાનું કૌશલ્ય સહજ રીતે એમને પ્રાપ્ત હોય છે.
ગુજરાતી દુહાના રચયિતાઓમાં કિસનજીનું નામ ખૂબ પ્રચલિત છે. એમણે કિસનિયાની નામછાપથી દુહા રચ્યા. કેટલાક દુહામાં નામછાપ પણ નહોતા મૂકતા. એમના દુહાનો વળોટ, વાતને લાઘવથી વણી લેવાની આવડત આપણને આદર પ્રગટાવે એ કોટિની છે. રતુદાન રોહડિયા કહેતા કે કિસનજી ચારણ હશે. એમની વિષયસામગ્રી, એમની વર્ણન છટાને કારણે એમણે ધારણા બાંધેલી.
એનો ખૂબ જ પ્રચલિત એક દુહો બચુભાઈ ગઢવી વાર્તા કહેતાં-કહેતાં ક્યાંક ને ક્યાંક વણી લેતા એ મને પણ ખૂબ સ્પર્શી ગયેલો છે એને આસ્વાદીએ.
આવે વસ્તુ અનેક, ધનમાયા ગાંઠે હવે;
આવે ન અક્કલ એક, ક્રોડ રૂપૈ કિસનિયા.
અનેક વસ્તુ આવી શકે કે લાવી શકાય. ધન માયાને આપણે ગાંઠે રાખી શકીએ, પણ એક અક્કલ એવી ચીજ છે કે કરોડ રૂપિયા ખરચતાં પણ ન મેળવી શકાય.
કવિ કિસનજી પોતાની જાત સાથે જાણે કે સંવાદ સ્થાપે છે અને મનને કહેતા હોય એમ જણાય, પણ હકીકતે તો તેઓ સમાજ સાથે સંવાદ રચે છે. ધનદોલત કરતાંય વધુ મહિમા અક્કલનો-બુદ્ધિનો છે. બીજા એક દુહામાં બહુ મોટું સત્ય કથતાં ગાય છે .
માટી મજૂર ધરનાર, ચણનારા બેઠા ચણે;
પાળે પાલણહાર, કરમ પ્રમાણે કિસનિયા.
કોઈ ભવનનું નિર્માણ થતું હોય એમાં માટી મજૂરો દ્વારા ધરાતી હોય, ચણતરકામ કરનારા ચણતા હોય. એમાં રહેનાર તો કોઈ અન્ય હોય. પાલણહાર પ્રભુ આપણાં કરમ પ્રમાણે બધું અર્પતા હોય છે. કોઈને મજૂરી કરવાની, કોઈને ચણતર કરવાનું, કોઈને નિવાસ કરવાનો. આ બધું પૂર્વજન્મના કર્મનું પાલણહાર દ્વારા પ્રાપ્ત ફળ છે. નિયતિનો કે ભાગ્યનો મહિમા ગાઈને અંતે તો સદ્કર્મ અને સદાચારી બનવા તરફનો અંગુલિનિર્દેશ છે.
માળા તો કરમાં ફરે, જીભ ફરે મુખમાંય;
મનડું તો ચોદશ ફરે, એવું ફેરવ નાંય.
હાથમાં માળા ફરતી હોય, જીભ મુખમાં ફરતી હોય. મન ચારે દિશાએ ઘૂમ્યા કરતું હોય. એવું માળા ફેરવવાનું કંઈ મૂલ્ય નથી. બોલ-બોલ કરવું, કોઈ સાથે વાતો કર્યા કરવી અને મનમાં વિવિધ વિચારો ફરકતા રહેતા હોય એની સાથે હાથમાં માળા ફર્યા કરે એનો કશો અર્થ સરતો નથી. એકચિત્ત અને દત્તચિત્તે ભક્તિ – હરિનામ સ્મરણ કરવાનું સૂચવતો દુહાગીર આવા કારણથી આપોઆપ ગુરુસ્થાને બિરાજે છે.
ચમાર ઘેર ચંદન ઊગે, તો માથે સૂકવે ચામ;
ચંદન બિચારું શું કરે, જેને પડ્યું નીચશું કામ.
ચમારને ઘેર ચંદનનું વૃક્ષ ઊગેલુ હોય તો એની માથે ચામડાં સૂકવવાનું બનતું હોય છે. આમાં બિચારું ચંદનનું-સુખડનું વૃક્ષ શું કરે. જેને નિમ્નકક્ષાની સાથે પનારું પડવાનું આવે છે એની આવી જ નિયતિ હોય છે.
ખાધું કે ખવરાવ્યું નહિ, કર્યા ન ટાઢા હાથ;
આવ્યા તેવા ઊઠવું, શું લેશો સંગાથ?
કંઈ સારુ ખાધું નહિ કે કોઈને ખવરાવ્યું નહિ. કોઈને ભોજન કરાવી ઠંડા હાથ નથી કર્યા એનું આવવું શું અને જવું શું – જન્મ પછી મૃત્યુ થાય – ત્યારે સાથે – સંગાથે દાન-પુણ્ય તો આવવાનું નથી. મહિમા કંઈકને કશુંક આપવાનો છે. એવાં સદ્કાર્યો સાથે સંગાથે આવશે અને આવાં સદ્કર્મનું ફળ પણ સારું પ્રાપ્ત થશે.
દુહા દ્વારા કર્મનો મહિમા, નિયતિનું પ્રાબલ્ય, ભક્તિમાં એકાગ્રતા જેવા બે-ચાર મહત્ત્વના મુદ્દાને દુહાના માધ્યમથી દર્શનને – ચિંતનને સરળ અને રસળતી શૈલીમાં પીરસવાનું દુહા રચયિતાને ભારે હાથવગું હોય છે. એનો મહિમા આવા કારણથી આજ સુધી થતો રહ્યો છે.

લેખક લોકસાહિત્ય, ચારણી સાહિત્ય અને સંતસાહિત્યના જાણીતા વિદ્વાન છે. તેમણે ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય વિશે પણ ખૂબ કામ કર્યું છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here