કવિતા પોતે જ જીવનની કોઈ અદ્ભુત ઊર્મિનું ભાષાંતર હોય છે

0
1101

પ્રિય પ્રાર્થના,
ઘણી વાર કોઈ એકાદ કવિ આપણને સરસ રીતે એક જુદા જ જગતમાં જગાડે છે. રોજબરોજની ભાષામાં સર્જાતો આ ચમત્કાર જ જીવનને ધન્ય બનાવી દેતો હોય છે. તું તખ્તાના સુવિખ્યાત કલાકાર ભાઈ નિસર્ગ ત્રિવેદીને ઓળખે છે, એમના ભાઈ આર્જવ ત્રિવેદી પણ એવા જ પ્રતિભાસંપન્ન કલાકર્મી છે. તાજેતરમાં અમે તાના-રીરીની નાટ્યપ્રસ્તુતિ જોઈ એ એમનું નિર્માણકાર્ય. સરસ, મજા આવી. આનંદની વાત તો એ બની કે ગોલ્ડનચિયર્સના અતિલોકપ્રિય જગદીપ મહેતાની બન્ને દીકરીઓ મોસમ અને મલકાએ તાના અને રીરીનો સુરીલો અભિનય કર્યો છે, પણ મારે આજે જે વાત કરવી છે, આર્જવ અને નિસર્ગ ત્રિવેદીના પિતાજી રંતિદેવ ત્રિવેદીની, એમની કવિતાપ્રીતિની અને એમની અનુવાદસજ્જતાની….
કવિતાનું ભાષાંતર ખૂબ જ અઘરી કલા છે, કારણ કવિતા પોતે જ જીવનની કોઈ અદ્ભુત ઊર્મિનું ભાષાંતર હોય છે. આપણે ત્યાં અનુવાદનો મહિમા જેવો થવો જોઈએ એવો થયો નહિ. ખરેખર તો ગ્લોબલાઇઝેશનના વાતવરણને એક ભાવાત્મક પૂર્ણતા આપવા કલા અને કવિતાનાં વ્યાપક રીતે આંતરરાષ્ટ્રીય ખેડાણો થવા જોઈતા હતા. કવિતાનાં ભાષાંતર તમને બીજી ભાષા સાથે એની આખી સંસ્કૃતિ સાથે જોડે છે.
કવિતા એ ચમત્કૃતિનો પ્રદેશ છે, રંતિદેવ ત્રિવેદી પ્રખ્યાત એમિલી ડિકન્સનની પંચાવન કવિતાઓનું ભાષાંતર કરીને એક રસપ્રદ વિશ્વ, અંગ્રેજી કવિતાનું વિશ્વ રજૂ કરે છે. એમિલીના આ શબ્દો સાંભળો, આપણે કૂપમંડૂક્ની કથા સાંભળી છે, અહીં કવિ કૂવાને એક બરણી સાથે સરખાવે છે, અને એક અનોખું કૂપદર્શન કરાવે છે. કવિ એક તાજપભરી આવી પંક્તિઓ ઉચ્ચારે છે, વ્યાપી રહી છે ગોપનીયતા કૂપમાં! / વસે છે વારિ સુદૂર એટલું, / પડોશી સમાન, અન્ય કોઈ જગતના. / વસી રહેલી એક બરણીમાં … કવિતાસંગ્રહનો ઉઘાડ કૂવાથી થાય છે એટલે મને મજા આવે છે. જે લોકો એક જ પ્રકારનાં વર્તુળોમાં ફર્યા કરે છે એમનું દેડકાદર્શન કરતાં આ કવિ અલગ રસ્તો ચાતરે છે. અને એની પ્રતીતિ આગળની કવિતાઓમાં પાને પાને ચમકે છે.
એક કવિતામાં જો ઉપનિષદની અદાથી કવિતા ખૂલે છે. છે ના સંસાર આ પૂર્ણ સમાપન, / છે તૈયાર તત્પર, અનુસંધાન તેનું પછી, / અદીઠ સંગીત સમાન, ને, / તોયે, નિશ્ચિત ધ્વનિ સમાન. કવિ જે વિષયો પસંદ કરે છે તેનાથી વાચકને જગતને જોવાની અલગ અને કશીક નવી દષ્ટિ મળે છે. એમની પોતાની અંત્યેષ્ટિ અંગેની એક કવિતા મને ભારે સ્પર્શી ગઈ છે. પોતાની અંતિમક્રિયાની કલ્પના કરી શકવાની તાકાત જ કવિને એક અલગ કેટેગરીમાં મૂકી આપે છે, આમાં કલ્પનાશીલતા તો છે જ, પણ કવિ મૃત્યુને સમજવા અને એને ઓળંગવા જાણે કે એક સરસ યાત્રા પર આપણને લઈ જાય છે. એમિલીની આ કવિતા ધ્યાનથી સાંભળવા જેવી છે, એ લખે છે; થયો દેહાંત મારો જ્યારે, સુણ્યો બણબણાટ માખીનો મેં, / હતી શાંતિ પ્રગાઢ ગૃહખંડોની / અંતરાલની શાંતિ સરખી…. અને આગળ લખે છે, ને આવી ઊભી ત્યાં તે – ટપકી પડી એક માખી- / આસમાની – અચોક્કસ – લથડતા નિશ્વાસસહ -/ દિવ્યજ્યોતિ, ને મારી મધ્યે, અને પછી, થઈ ગયાં વિકળ વાતયન સર્વ, / અને પછી, જોઈ શકી ના હું કશું / જોવાનું હતું જે…! એવી જ એક કવિતામાં એ કહે છે, થઈ અનુભૂતિ અંત્યેષ્ટિની મારા ચિત્તમાં / અને ડાઘુઓ અહીં તહીં / આવતા રહ્યા, ડગ માંડતાં, ડગ માંડતાં….. જાણે હોય, સકલ બ્રહ્માંડ, ઘંટ સમાન, / ને હોય અસ્તિત્ત્વમાં જાણે, કર્ણ જ બસ. પોતાના મૃત્યુની અને અંત્યેષ્ટિની આવી કલ્પના કવિના શબ્દને અને દર્શનને એક તાકાત આપે છે.
એમિલી જગતનું જે વાઉ-ફેક્ટર છે, તેનું એક મશાલની જેમ કેવી રીતે હસ્તાંતરિત કરે છે તેની એક ચિત્રાવલી રજૂ કરે છે, જાળવી ના શકે ગગનમંડળ નિજ રહસ્યોને!/ કરે જાણ તે વિશે ડુંગરોને! /ડુંગરો કહે, સાહજિકતાથી, તે વિશે વાડીઓને -, /અને તે, ડેફડિલ્સને… આ પ્રકારની ચિત્રાત્મક કવિતાઓ વાચકના મનમાં એક અભિનવ ચિત્ર સર્જે છે, જે ભાવકના ચિત્તને કાવ્યાનંદ આપે છે.
આ કવિ રહસ્યવાદી તો છે, પણ જગતમાં જે સૌંદર્યો છે તેને આવી રીતે ઉલ્લેખે છે; કરું છું ગોપિત સ્વયંને હું મારા પુષ્પમાં / કરતાં ધરિત જે તુજ ઉરની સમીપમાં, / જે જતાં કરમાઈ તુજ પુષ્પદાની મહીં…
મારી આ વર્ષની અમેરિકાયાત્રા એ રીતે ખૂબ જ સુખદ એ રીતે રહી કે અમેરિકાનાં જુદાં જુદાં રાજ્યોમાં રહેતા ગુજરાતી ભાવકો સમક્ષ હું મારી વાત મૂકી શક્યો. ખાસ કરીને જ્યારે મારી જુદા જુદા મિજાજની કવિતાઓ રજૂ કરી ત્યારે જે રીતે ભાવકોએ એને નાણી અને માણી એ મારે માટે એક અનન્ય સંતોષનો વિષય હતો અને છે.
મને લાગે છે કે અમેરિકામાં રહેતા મિત્રોની અને સંસ્કૃતિચિંતકોની જે અનોખી તાકાત છે એને એક સેતુબંધ પ્રોજેક્ટમાં જોતરવી જોઈએ. મને ક્ષિતિજમાં એક નવી આશાનાં મેઘધનુષ્ય દેખાય છે. આગામી દિવસોમાં જો આવું કશુંક થઈ શકશે તો એ એક મોટી સાંસ્કૃતિક સેવા કરી ગણાશે.
હાલ તો આટલું જ…
શુભાશિષ સાથે, ભાગ્યેશ.

લેખક ગાંધીનગરસ્થિત સર્જક છે.