કલર્સ ઓફ રાજસ્થાનઃરાજસ્થાનના લોકસંગીત અને રાગોને નવીન સ્પર્શ

0
836

 

 

 

 

 

 

કલર્સ ઓફ રાજસ્થાન આ શબ્દો સાંભળીએ એટલે તરત જ આંખ સામે મેઘધનુષી રંગોની રંગોળી પુરાય છે. તમારી સામે સંગીત, સૂર, અને વાદ્યોના વિવિધ સૂર અને તાલનો સમન્વય પણ ઊભરાય છે અને સાથે ભાત ભાતની સંસ્કૃતિનો મેળાવડો પણ સર્જાય. અફાટ રણ વચ્ચે વસેલા ગુલાબી નગર જયપુરની વચ્ચે ઊભેલા એકાદ પૌરાણિક મહેલની જાળીદાર બારીમાંથી રાવણહથ્થાની સાથે તાલ મેળવી રેલાતા સંગીતના સૂર એક અનુપમ વાતાવરણ સર્જે છે. આ સંગીત મહેલો અને ઘરાનાને ઉજાળનાર છે તો સૂકાભટ રણની રેત લોકવાયકાઓને નિનાદિત પણ કરે છે. આધુનિક વાજિંત્રોનો જયારે પારંપરિક તંતુવાદ્ય, ચર્મવાદ્ય, કંઠવાદ્ય, કે હસ્તવાદ્ય સાથે જોડાણ કે એકીકરણ થાય અને જે સંગીત રેલાય એ અલૌકિક હોય છે. આ સંગીતને ઉંમરના સીમાડા નડતા નથી. યુવાનીમાં ડગ માંડતાં હૈયાંથી લઈને પરિપક્વ વ્યક્તિ માટે પણ આ સંગીત કર્ણપ્રિય બની રહે છે.
સૃજનાની ટીમ નવેમ્બરમાં આવી રહી છે આવો જ એક નવીનતમ અભિગમ લઈને કલર્સ ઓફ રાજસ્થાન કાર્યક્રમના શીર્ષક હેઠળ.
આ કાર્યક્રમમાં રાજસ્થાનના સ્થાનિક સંગીતને શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય અને સમકાલીન સંગીત સાથે નવા યુગના સંગીતને ગ્લોબલ ફ્યુઝનમાં ઢાળી સાંજને સંગીતમય બનાવવાનો નવતર પ્રયોગ દેશવિદેશમાં ખ્યાતિપ્રાપ્ત એવા મહાન સિતારવાદક શ્રી પંડિત કૃષ્ણમોહન ભટ્ટ, અમેરિકાસ્થિત ગિટારવાદક શ્રી બોબી રોઝારિયો, ડ્રમ્સ ઉપર શ્રી લ્યુક રોઝારીઓ,તબલાં અને ઢોલકસંગત દીપક ગુંદાણી, તથા ભારતથી અમેરિકાના પ્રવાસે આવેલાં જાણીતાં ગાયિકા આમંત્રિત મેહમાન કલાકાર શ્રી હિમાલી વ્યાસ દ્વારા થશે.
આ કાર્યક્રમનું આયોજન ટીવી એશિયા અને સૃજના ટીમ દ્વારા થયું છે. આશિષ દેસાઈ અને જિતેન્દ્ર શાહના વ્યવસ્થા માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ એનો આકાર પામી રહ્યો છે. એની પરિકલ્પના અને રૂપરેખા રથિન મહેતાએ કરી છે. સૃજનાની આખી ટીમ – જગદીશભાઈ ક્રિશ્ચિયન, જિતેન્દ્ર શાહ, હિતેશ અને નિકેતા વ્યાસ, શ્રીમતી ગીની માલવિયા સાથે મનીષ સચલા , અન્વિત વસાવડા અને અન્ય મિત્રો આ કાર્યક્રમની તૈયારીમાં સાથે રહેશે.
નવેમ્બરની ત્રીજી તારીખે આ સૌ સંગીતના વિશાકો કલર્સ ઓફ રાજસ્થાન ના કાર્યક્રમ હેઠળ રાજસ્થાનના લોકસંગીત અને રાગોને સાવ નવીનતમ રંગ, અલગ ઓપ, અને અલગ મિજાજમાં ઢાળી શ્રોતાગણને મંત્રમુગ્ધ કરશે. સૃજનાના સભ્યોએ નાનામાં નાની બાબતોને ધ્યાનમાં રાખી સમગ્ર કાર્યકમ સફળતાપૂર્વક આવનાર આમંત્રિત મહેમાનો તથા શ્રોતાઓ માણી શકે તેની તકેદારી અને પૂર્વતૈયારી રાખી છે. આ કાર્યક્રમ નવેમ્બર 3, 2018 ને શનિવારે ટી.વી. એશિયાના ઓડિટોરિયમ, 76- નેશનલ રોડ, એડિસન, ન્યુ જર્સીમાં સાંજના સાત વાગ્યાથી શરૂ થશે.
વધુ માહિતી માટે સંપર્ક કરોઃ આશિષ દેસાઈઃ 973-520-3635, રથીન મેહતા ઃ 908-720-9082, જીતેન્દ્ર શાહઃ 609-510-9746 , જગદીશ ક્રિશ્ચયનઃ 201-240-6019