કર્મ અને શોખ એકસાથે સંતોષતો રિક્ષાચાલક

વર્ષોથી એ સાબિત થયું છે કે, સંગીત જીવનની અનેક સમસ્યાઓને રાહત આપે છે, તે પછી પ્રેમનો સંદેશો હોય કે પ્રાર્થનાનું સંગીત હોય કે પછી દિવ્ય સંગીત હોય, પણ તે વ્યક્તિને સફળ થવા માટે પ્રોત્સાહિત કરે છે. સંગીત શરીરના આંતરિક બ્લોકેજ દૂર કરીને ધ્યાન દ્વારા સ્વસ્થ જીવનશૈલી માટે પ્રોત્સાહિત કરનારું છે.
દરરોજ સવારે આપણો સ્વસ્થ દિવસ પસાર થાય તે માટે પૂજા-અર્ચન દીવા અગરબત્તી કરી પ્રાર્થના કરીએ છીએ. આવા જ એક સંગીતના ઉપાસક વિક્રમજિત સિંહ ગ્રેમી તથા ગીમા એવોર્ડઝ માટે નામાંકિત થયા છે. તેમની ‘ડાન્સિંગ ફ્લૂટ’ સ્વસ્થ રહેવાનું શીખવે છે. તે જ રીતે અમદાવાદના એક સામાન્ય ગણાતા રિક્ષા ડ્રાઇવર રોજ તેમના ઘર ઉસ્માનપુરા ગામથી નીકળે ત્યારે સાથે સાતેક જેટલી વાંસળી (ફ્લુટ)ની થેલી આગળ ભેરવી દેવાનું ભૂલતા નથી, કારણ કે અમદાવાદના ટ્રાફિકની ગીચતા કે ચાર રસ્તે ટ્રાફિકમાં રિક્ષા ઊભી રહે ત્યાં સુધીમાં એકાદ બંસરીની ધૂન ફટકારતા તમને આ રિક્ષા ડ્રાઇવર જોવા મળશે જ.
આ રિક્ષા ડ્રાઇવરનું નામ છે બળદેવજી કાનાજી ઠાકોર, જેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આખી જિંદગી નોકરી રહી છે, પણ તેમના મોટા ભાઈ રણછોડજી મંદિરમાં બંસરી વગાડતા હતા તેમનાથી પ્રેરાઈને તેમણે પણ બંસરી વગાડવાનું શરૂ કર્યું. માતાની પ્રેરણાથી કહેતા કે સંઘર્ષ કરી આગળ વધો, ભેંસ લીધી હોય તો તે મરી પણ જાય તેથી નાસીપાસ થવાની જરૂર નથી. જિંદગીમાં હાર તો ક્યારેય માનવી જ નહિ. માનાં આ વચનો મારા હૃદયમાં ઊતરી ગયાં છે, અને સંસારની વિવિધ જવાબદારી – નોકરી કરતાં કરતાં પૂરી કરી હવે સંગીત સાથે રિક્ષા ચલાવી ઘરનું ગુજરાન રાજીખુશીથી ચલાવું છે.
બળદેવજી ઠાકોરે જણાવ્યું કે કૌટુંબિક જવાબદારી નિભાવવા રિક્ષા ચલાવું છું, ધાર્મિક સ્થળ, શિવમંદિર, ઇન્કમ ટેક્સ, વિજય ચાર રસ્તા કે નેહરુબ્રિજ જ્યાં ટ્રાફિક સિગ્નલ બંધ હોય ત્યાં વાંસળી વગાડી મારો થાક તો ઉતારું છું. મંદબુદ્ધિ બાળકોને તેમની માતા શાળા કે ઇન્સ્ટિટ્યૂટમાં લેવા-મૂકતી વખતે મારી રિક્ષામાં બેસે તો મનોરંજન કરાવી તેમને ગમતી ધૂન વગાડું છું.
વાંસળી વ્યવસ્થિત વગાડતાં શીખવા માટે સાબરમતી નટવરલાલ સરવૈયા તથા હરિપ્રસાદ ચોરસિયાના શિષ્ય હિમાંશુ નંદાજીના કેમ્પમાં વધુ વાંસળી શીખી, સતત પ્રેક્ટિસથી લોકો વાંસળીનો આનંદ માણે છે. રિક્ષાચાલકના અનુભવ વર્ણવતાં બળદેવજી ઠાકોર કહે છે કે, આ વાંસળીથી અજાણ્યા લોકો સાથે ઓળખાણ અને દોસ્તી થઈ જાય છે. તેમની સાથે વાતો કરી ગઈ કાલનું દુઃખ યાદ નહિ કરી વર્તમાનમાં જીવવાની વાતો કરીએ છીએ. હર પળ પ્રભુનું નામ લઈ ભક્તિ કરતાં રહેવું.
વાંસળી વગાડવાથી તબિયત સારી સ્વસ્થ રહે છે, કારણ કે શ્વાસોશ્વાસની કસરત થાય છે અને આજુબાજુના ઘોંઘાટિયા વાતાવરણમાં સંગીત કંઈક ઓર દુનિયામાં લઈ જાય છે. મારી વાંસળી સાંભળી તેમના ચહેરા પ્રફુલ્લિત જોઈને મને વધુ આનંદ મળે છે.

લેખક ફ્રિલાન્સ પત્રકાર છે.