કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં 65.69 ટકા મતદાનઃ એક્ઝિટ પોલ્સમાં કોંગ્રેસને ફાયદો

બેંગલુરુઃ લોકસભાની 2024ની ચૂંટણી પૂર્વે સૌથી પહેલા આ વર્ષે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં કર્ણાટક વિધાનસભાની 224 બેઠક પર 2,616 ઉમેદવારે નસીબ અજમાવ્યું હતું. આજની વિધાનસભાની ચૂંટણીમાં પાંચ કરોડ નાગરિકોએ મતદાન કર્યું હતું. નાણા પ્રધાન નિર્મલા સીતારમણ, અભિનેતા પ્રકાશ રાજ અને ઈન્ફોસીસના સ્થાપક નારાયણ મૂર્તિ સહિત અન્ય દિગ્ગજોએ મતદાન કર્યું હતું. સવારના સાત વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી રાજ્યમાં 65.69 ટકા મતદાન થયું હતું.
આ અગાઉ કર્ણાટકમાં વર્ષ 2018 અને વર્ષ 2013ની તુલનામાં 2023માં ઓછું મતદાન થયું છે. આજના મતદાનમાં સિનિયર સિટિઝન અને યુવાનોએ વિશેષ મતદાન કર્યું છે. પહેલી વખત મતદાન કરનારા 11.71 લાખ નાગરિકોએ મતદાન કર્યું છે. કર્ણાટકમાં મતદાન પૂરું થયા પછી મોટા મોટા મીડિયા હાઉસે એક્ઝિટ પોલ બહાર પાડ્યા હતા, જેમાં સાતમાંથી પાંચ એક્ઝિટ પોલ્સમાં કોંગ્રેસને સૌથી વધારે ફાયદો થઈ શકે એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું.
અત્યાર સુધીના સાત એક્ઝિટ પોલ્સમાંથી કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે આગળ આવી શકે છે, જેમાં એક ન્યૂઝ ચેનલે કોંગ્રેસને સ્પષ્ટપણે બહુમત મળશે એવી શક્યતા વ્યક્ત કરી છે, ત્યારે અન્ય ત્રણ ચેનલને 113 સીટ મળવાનો દાવો કર્યો છે. અન્ય બે ચેનલે ભાજપને બહુમત મળી શકે છે, જેમાં 114થી વધુ બેઠક મળે એવી અપેક્ષા વ્યક્ત કરી છે.
સાતમાંથી ત્રણ એક્ઝિટ પોલ્સે કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભા બની શકે છે, જ્યારે એક પણ પાર્ટીને બહુમત મળશે નહીં એવો દાવો કરવામાં આવ્યો છે. સાતેય એક્ઝિટ પોલ્સમાં જેડીએસને બહુમત મળી શકે નહીં, જેથી કિંગમેકર બની શકશે નહીં. અન્ય એક ટીવી ચેનલે દાવો કરતા જણાવ્યું છે કે કર્ણાટકમાં ત્રિશંકુ સરકાર બની શકે છે, જેમાં કોંગ્રેસને ભાજપ (ભારતીય જનતા પાર્ટી) કરતા વધારે મત મળી શકે છે. ભાજપને 85થી 100 બેઠક અને કોંગ્રેસને 94થી 108 બેઠક મળી શકે છે, જ્યારે જેડીએસને 24થી 32 બેઠક પર જીત થઈ શકે એવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અહીં એ જણાવવાનું કે આજના મતદાનનું 13મી મેના પરિણામ મળશે. 224 વિધાનસભાની બેઠકમાં 2,615 ઉમેદવાર મેદાનમાં છે. સત્તારુઢ પાર્ટી ભાજપે 224 બેઠક પર પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા છે, જ્યારે વિપક્ષી કોંગ્રેસ પાર્ટીએ 223 ઉમેદવાર ઊભા રાખ્યા છે, જેમાં કોંગ્રેસે ફક્ત મેલુકોટેની બેઠક પર ઉમેદવાર ઊભા રાખ્યા નથી.
મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ કહ્યું કે, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, અમે બહુમતીની સાથે સત્તામાં પરત ફરીશું, મને 100 ટકા વિશ્વાસ છે. એક્ઝિટ પોલ ઉતાવળમાં કરવામાં આવે છે અને તેમાં ઘણી બધી ભૂલો હશે. કોઈનો કિંગમેકર બનવાનો પ્રશ્ન જ નથી, મારા માટે કર્ણાટકની જનતા જ કિંગમેકર છે અને તેઓ ભાજપને ફરી સત્તામાં લાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here