
12મેના કર્ણાટક વિધાનસભાની 224 બેઠકો માટે મતદાન થયું હતું. ત્યારબાદ રાજકીય પંડિતો, વિશ્લેષકો અને સર્વેક્ષણ કરનારી વિવિધ એજન્સીઓએ ભાજપ સૌથી વધુ બેઠકો મેળવનારો પક્ષ બનશેની આગાહી કરી દીધી હતી. સાથે સાથે ત્રિશંકુ વિધાનસભાનો વરતારો પણ કરવામાં આવ્યો હતો. કોઈ પણ પક્ષને ચોખ્ખી બહુમતી ના મળે તેવી પરિસ્થિતિમાં રાજકીય પક્ષો વચ્ચે રસાકસી છે. સોદાબાજી અને સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવીને યેનકેન પ્રકારે સરકાર રચવા માટે જાતજાતની યુક્તિ- પ્રયુક્તિ યોજવામાં આવે છે. હાલમાં તો કોંગ્રેસે દેવગૌડાના જનતાદળ પક્ષસાથે ગઠબંધનની સહમતિ દર્શાવી છે. 37 બેઠકો ધરાવનાર પક્ષ પોતાના વિધાયક કુમારસ્વામીને મુખ્યપ્રધાન બનાવવાની શરતે કોંગ્રેસ સાથે હાથ મિલાવવા તૈયાર થયો હોવાનું સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું. રાજયપાલની મુલાકાત લઈને ભાજપના યેદિયુરપ્પાએ પોતાનો પક્ષ વિધાનસભામાં સૌથી વધુ બેઠકો ( 104) ધરાવતો હોવાની દલીલ સાથે ભાજપને સરકાર રચવા આમંત્રણ આપવાનું કહ્યું હતું. એ જ રીતે કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધનના નેતાઓએ પોતાની બહુમતી હોવાનો દાવો કરીને સરકાર રચવા માટે પોતે હકદાર હોવાની વાત કરી હતી. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા સરકાર રચવા કોને આમંત્રણ આપશે એ હજી સ્પષ્ટ થયું નથી. જયાં સુધી ચૂંટણીના બધા પરિણામ અધિકૃત રીતે જાહેર નાથાય ત્યાં સુધી રાજયપાલ કોઈ નિર્ણય નહિ લે.