કર્ણાટક વિધાનસભાની ચૂંટણી – ભાજપના શક્તિશાળી નેતા અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન બી એસ યેદીયુરપ્પા કહે છેઃ ભાજપ વિધાનસભાની 150 બેઠકો જીતશે

0
990

કર્ણાટક ભાજપના અગ્રણી નેતા અને કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન યેદીયુરપ્પાએ જણાવ્યું હતું કે, વિધાનસભાની મે માં થનારી ચૂંટણીમાં ભાજપનો વિજય નિશ્ચિત છે. ભાજપ 150થી પણ વધુ બેઠકો મેળવીને જીત હાંસલ કરશે. તેમણે મૈસૂરમાં એક જાહેરસભાને સંબોધતાં કહ્યું હતું કે, કેટલાક લોકો એવું માની રહ્યા છે કે, ભાજપ કર્ણાટકમાં જેડીએસ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવશે. પરંતુ ભાજપ તો પોતાની તાકાત પર જ કર્ણાટકમાં સરકારની રચના કરી શકશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી , ભાજપના પ્રમુખ અમિત શાહ, અને ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ લાંબા સમયથી કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેમના માર્ગદર્શનથી ભાજપને કર્ણાટકમાં સફળતા મળશે જ, એમાં શંકાને લેશમાત્ર સ્થાન નથી. યેદીયુરપ્પા ભાજપના મુખ્યમંત્રીપદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે ઓટલે કર્ણાટકમાં જયાં જયાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભા યોજાય છે ત્યાં યેદીયુરપ્પા હાજરી આપે છે. કર્ણાટકમાં ભાજપ જબરદસ્ત ચૂંટણી પ્રચાર કરી રહ્યો છે. 12મી મેના દિવસે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનું મતદાન કરવામાં આવશે અને 15મી મેના દિવસે ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે.