
કર્ણાટકમાં હવે વિધાનસભાની ચૂંટણી આડે બે સપ્તાહનો જ સમય શેષ રહ્યો છે. દરેક રાજકીય પક્ષ રોડ શો અને રેલીઓ યોજીને પોતાની તાકાતનું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ભાજપ અને કોંગ્રસ કર્ણાટકમાં એકમેક વચ્ચે ખરાખરીનો મોરચો મંડાયો છે. ભાજપ પોતાના શ્રેષ્ઠ પ્રચારકો અને વક્તાઓને મેદાનમાં ઊતારી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ તેમજ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ જનરેલીઓની આગેવાની લેવાના છે. નરેન્દ્ર મોદી રાજ્યમાં ઓછામાં ઓછી 15 રેલીઓને સંભોધન કરશે. જયારે અમિત શાહ 30 અને યોગી આદિત્યનાથ 20 રેલીઓને સંબોધીને કર્ણાટકની પ્રજાને ભાજપની કામગીરીથી વાકેફ કરીને મત આપવાનો આગ્રહ કરશે. અમિત શાહ હાલમાં કર્ણાટકમાં જ છે અને ચૂંટણી પ્રચાર પૂરો થાય ત્યાં સુધી તો કર્ણાટકમાં જ રોકાય એવી સંભાવના છે. દક્ષિણના રાજ્યોમાં ભાજપનું વર્ચસ્વ ઓછું છે. અા રાજ્યોમાં ભાજપ પગદંડો નથી જમાવી શક્યું. આ વખતે કર્ણાટકમાં કોંગ્રસ સામે ભાજપનો મુકાબલો છે. 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણી જીતવા માટે દક્ષિણના રાજ્યોમાં વર્ચસ્વ મેળવવું ભાજપ માટે અનિવાર્ય છે. કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીના પરિણામો દેશના ભવિષ્યની દિશા સૂચવવામાં મહત્વનો ભાગ ભજવશે એવું રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે.