
નવી દિલ્હીઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ છે. 12મી મેએ એક જ તબક્કામાં મતદાન થશે અને 15મી મેએ મત-ગણતરી થશે. કોંગ્રેસશાસિત કર્ણાટકમાં ફરી સત્તા મેળવવા માટે ભાજપ પ્રયાસો કરી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, યેદિયુરપ્પાએ ભાજપની પ્રચારકમાન સંભાળી છે તો રાહુલ ગાંધી, હાલના મુખ્યમંત્રી સિદ્ધરમૈયાને કોંગ્રેસના પ્રચારની કમાન સોંપવામાં આવી છે.
ચીફ ઇલેક્શન કમિશનર ઓ. પી. રાવતે જણાવ્યું હતું કે હવેથી જે પણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે ત્યાં ઇવીએમને વોટર વેરિફિયેબલ પેપર ઓડિટ ટ્રાયલ (વીવીપીએટી) સાથે જોડવામાં આવશે. કર્ણાટકમાં તમામ 224 બેઠકો પર એકસાથે મતદાન થશે. 17મી એપ્રિલે નોટિફિકેશન જારી કરાશે.
છેલ્લે કર્ણાટકમાં 2013માં વિધાનસભાની ચૂંટણી થઈ હતી. જેમાં 224માંથી કોંગ્રેસને 122, ભાજપને 39 અને જેડીએસને 41 બેઠક મળી હતી. સૌથી ઓછી બેઠકો યેદિયુરપ્પાના પક્ષ કર્ણાટક જનતા પાર્ટીને સાત બેઠકો મળી હતી.
દરમિયાન કર્ણાટકમાં ચૂંટણીની તારીખ જાહેર થઈ છે અને અમિત શાહ કર્ણાટકમાં ચૂંટણીપ્રચારમાં વ્યસ્ત હોવાના કારણે બોલવામાં ભૂલ કરી હતી. એક પત્રકાર પરિષદમાં તેમણે ભૂલથી પોતાના જ મુખ્યમંત્રીપદના ઉમેદવાર યેદિયુરપ્પાની સરકારને દેશમાં નંબર વન ભ્રષ્ટાચારી સરકાર ગણાવી હતી. અમિત શાહે આ નિવેદન કર્યું ત્યારે યેદિયુરપ્પા બાજુમાં જ બેઠા હતા. અન્ય નેતાએ ધ્યાન દોરતાં અમિત શાહે ભૂલ સુધારી હતી.
ઉલ્લેખનીય છે કે ભ્રષ્ટાચારના કારણે જ ભૂતકાળમાં યેદિયુરપ્પાને કર્ણાટકનું મુખ્યમંત્રીપદ છોડવું પડ્યું હતું અને તાજેતરમાં તેઓ ભાજપમાં જોડાયા છે.
બીજી બાજુ ચૂંટણીપંચ જાહેર કરે તે અગાઉ ભાજપે કર્ણાટકની ચૂંટણીની તારીખ જાહેર કરતાં વિવાદ થયો છે. કર્ણાટકની ચૂંટણીની તારીખ ચૂંટણીપંચ જાહેર કરે તે અગાઉ ભાજપના આઇટી સેલના વડા અમિત માલિવયાએ તારીખ જાહેર કરી હતી, જેના કારણે સોશિયલ મિડિયા પર કટાક્ષ થયો છે કે બધા અધિકારો છીનવી લીધા, હવે ચૂંટણીની તારીખો જાહેર કરવાના અધિકારો તો પંચ પાસે રહેવા દો. કોંગ્રેસે કહ્યું કે ભાજપ સુપર ચૂંટણીપંચ છે. તારીખો લીક થવી અતિ ગંભીર બાબત છે.