કર્ણાટકમાં િસદ્ધારમૈયા મુખ્યમંત્રી, ડીકે શિવકુમાર નાયબ મુખ્યમંત્રીના શપથ લેશે

કર્ણાટકઃ સિદ્ધારમૈયા કર્ણાટકના આગામી મુખ્યમંત્રી બનશે. કોંગ્રેસે ડીકે શિવકુમારને નાયબ મુખ્યમંત્રીપદ આપવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે લાંબી ચર્ચા બાદ કર્ણાટકમાં સરકાર બનાવવા માટે સર્વસંમતિ પર પહોંચી ગયા છે. શપથ ગ્રહણ સમારોહ બેંગલુરુમાં યોજાશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના હસ્તક્ષેપ બાદ શિવકુમાર માની ગયા હતા. તેમણે બે શરતો મૂકી હતી કે સિદ્ધારમૈયાને ફક્ત બે વર્ષ માટે મુખ્યમંત્રી બનાવવામાં આવે અને પછી તેમને ત્રણ વર્ષ શાસન સોંપવામાં આવે. તેમણે માગ કરી હતી કે તેઓ કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ પદે જળવાઈ રહેશે.
સિદ્ધારમૈયાના નામ પર ઔપચારિક મહોર લગાવવા માટે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી હતી. આ પછી કોંગ્રેસના નેતાઓ રાજ્યપાલને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. અગાઉ, બંને નેતાઓ સિદ્ધારમૈયા અને શિવકુમાર, જેમને મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા હતા તેમણે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે દિલ્હીમાં અલગ-અલગ મુલાકાત કરી હતી.
ત્યારપછી શિવકુમાર સુરજેવાલાના નિવાસસ્થાને મળ્યા હતા અને ત્યારબાદ કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ અને સુરજેવાલાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે તેમની સાથે ચર્ચા કરી હતી. સિદ્ધારમૈયા રાત્રે વેણુગોપાલના ઘરે ગયા અને તેમની અને સુરજેવાલા સાથે વાતચીત કરી. કર્ણાટકમાં 224 વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસે 135 બેઠકો જીતી છે. જ્યારે બીજેપી 66 અને જેડીએસ 19 સમેટાઈ ગઇ હતી. જેમાં કોંગ્રેસ પાર્ટીનો ભવ્ય વિજય થતા કોંગ્રેસ કાર્યકરોમાં આનંદ પ્રવર્તી રહ્યો છે. રાજ્યમાં પરિણામ 13 મેના રોજ આવ્યા હતા. ત્યારથી સવાલએ હતો કે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારમાંથી કોણ કર્ણાટકના આગામી મુખ્યમંત્રી બનશે.
ખડગેએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી બંને સાથે કર્ણાટકના મુખ્યમંત્રીના નામ પર ચર્ચા કરી હતી. રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના ઘરે પહોંચ્યા હતા. બંનેએ દોઢ કલાક સુધી વાત કરી. આ દરમિયાન પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલ અને કર્ણાટકના પ્રભારી રણદીપ સુરજેવાલા હાજર હતા. રાહુલ ગાંધી આ અંગે જાહેરાત કરી હતી કે ડીકે શિવકુમાર નાયબ મુખ્યમંત્રીના શપથ ગ્રહણ કરશે તેઓની પાસે પાવર, સિંચાઈ અને રાજ્ય અધ્યક્ષના બે વિભાગ હશે. શપથ ગ્રહણ સમારોહ 20 મેના રોજ યોજાશે. બંને નેતાઓ 10 મંત્રીઓ સાથે શપથ લેશે. મુખ્યમંત્રી પદને લઈને છેલ્લા ચાર દિવસથી બેંગલુરુથી દિલ્હી સુધી અનેક બેઠકો યોજાઈ હતી. સિદ્ધારમૈયા રેસમાં આગળ હતા. આ પહેલા યોજાયેલી કોંગ્રેસ વિધાયક દળની બેઠકમાં તમામ ધારાસભ્યોએ ખડગેને નેતાની પસંદગી કરવાની સત્તા આપી હતી. આ પછી કોંગ્રેસ અધ્યક્ષે નિરીક્ષકોને તમામ ધારાસભ્યો સાથે વન ટુ વન વાત કરવાનું કહ્યું હતું. જેમાંથી 80થી વધુ ધારાસભ્યોએ સિદ્ધારમૈયાની તરફેણમાં મતદાન કર્યું હતું.