કર્ણાટકમાં અમારી સરકારે 100 દિવસમાં જ વચનો પૂર્ણ કર્યાઃ રાહુલ ગાંધી

કર્ણાટકઃ કર્ણાટકના મૈસુરમાં રાહુલ ગાંધીએ રાજ્ય સરકારની ગૃહ લક્ષ્મી યોજના શરુ કરાવી હતી. આ કાર્યક્રમમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ અને રણદીપ સુરજેવાલા ઉપસ્થિત રહ્યા છે. આ પ્રસંગે રાહુલ ગાંધીએ કહ્યું કે અમારી સરકારે 100 દિવસમાં જ ચૂંટણીમાં આપેલા વચનો પૂર્ણ કર્યા છે.
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું, ‘અમે તમને કહ્યું હતું કે ચૂંટણી બાદ કર્ણાટકમાં મહિલાઓને બસમાં મુસાફરી કરવા માટે કંઈ ચૂકવવું પડશે નહીં. આ યોજનાને ‘શક્તિ’ નામ આપવામાં આવ્યું અને અમે તેને પૂર્ણ કરી છે. આ સિવાયની અમારી પાંચ યોજનાઓ જુઓ જેમાં એકને છોડીને બાકીની ચાર યોજનાઓ મહિલાઓ માટે બનાવવામાં આવી છે. આની પાછળ ઊંડો વિચાર છે.
કર્ણાટક સરકારે 1.1 કરોડ મહિલાઓને 2,000 રૂપિયાની માસિક સહાય આપવા માટે ‘ગૃહ લક્ષ્મી’ યોજના શરૂ કરી છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ DBT દ્વારા ગૃહ લક્ષ્મી યોજનાના લાભાર્થીઓના બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર કરી હતી. આ યોજના કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં શરૂ કરવામાં આવી હતી.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 224માંથી 135 બેઠકો જીતી લીધી છે. આ ચૂંટણીમાં ભાજપ 66, જેડીએસ 19 અને અન્ય 4 બેઠકો જીતવામાં સફળ રહી હતી.