
બેન્ગલોરઃ કર્ણાટકમાં છેલ્લા એક અઠવાડિયાથી ચાલતા રાજકીય વિવાદ પછી આખરે બુધવારે મુખ્યમંત્રી તરીકે જનતા દળ (સેક્યુલર)ના નેતા એચ. ડી. કુમારસ્વામીએ કોંગ્રેસના સમર્થનથી શપથ લીધા હતા. 55 કલાકની યેદિયુરપ્પા સરકારના પતન પછી રાજ્યપાલે જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હતું. શુક્રવારે આ સરકાર વિશ્વાસનો મત હાંસલ કરશે.
કુમારસ્વામીની સાથે કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ જી. પરમેશ્વરે નાયબ મુખ્યમંત્રીપદના શપથ લીધા હતા. કોંગ્રેસના નેતા રમેશ કુમારની સ્પીકર તરીકે પસંદગી થઈ છે. મંત્રીમંડળમાં કોંગ્રેસના 22 અને જેડીએસના 12 મંત્રીઓનો સમાવેશ કરાશે.
2019ની લોકસભાની ચૂંટણી અગાઉ કર્ણાટકમાં ભાજપને મળેલી પછડાટે વિપક્ષોને એકમંચ પર આવવાની તક મળી હતી. 13 વિપક્ષોના વડાઓએ શક્તિપ્રદર્શન કર્યું હતું.
કર્ણાટકમાં બુધવારે મુખ્યમંત્રી તરીકે જનતા દળ (સેકયુલર)ના નેતા એચ. ડી. કુમારસ્વામીએ કોંગ્રેસના સમર્થનથી શપથ લીધા હતા. રાજયપાલ વજુભાઈ વાળાએ કુમાર સ્વામીને શપથ લેવડાવ્યા હતા. (જમણે) સોનિયા ગાંધી અને મમતા બેનરજી વાતો કરતા નજરે પડે છે. (બન્ને ફોટોસૌજન્યઃ હિન્દુસ્તાનટાઇમ્સડોટકોમ)
કુમારસ્વામીના શપથવિધિ સમારંભ પછી પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ જણાવ્યુ ંહતું કે પ્રાદેશિક પક્ષો કોઈનાથી ગભરાતા નથી. અમે એકબીજાના સંપર્કમાં રહીશું આથી દેશના વિકાસ માટે કામ કરી શકીએ.
સમારંભમાં યુએપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધી, કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ, બહુજન સમાજ પાર્ટીનાં સુપ્રીમો માયાવતી, પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી, જનતા દળ યુનાઇટેડના પૂર્વ નેતા શરદ યાદવ, રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ, આરએલડીના નેતા અજિત સિંહ, સીપીએમના સીતારામ યેચુરી, એનસીપીના શરદ પવાર સહિત સંખ્યાબંધ વિપક્ષી નેતાઓ હાજર રહ્યા હતા. 132 લોકસભા બેઠકો ધરાવતા મોદીવિરોધી પક્ષો આ સમારંભમાં એકજૂથ થયા હતા.
કુમારસ્વામીએ કહ્યું કે ગઠબંધન સરકાર ચલાવવી મારા જીવનનો સૌથી મોટો પડકાર છે. ફક્ત મને જ નહિ, રાજ્યના લોકોને પણ શંકા છે કે આ સરકાર સારી રીતે ચાલશે કે કેમ. પરંતુ મને વિશ્વાસ છે કે ભગવાનના આશીર્વાદથી બધું પાર પડશે.
ભાજપે શપથ સમારંભનો બહિષ્કાર કર્યો હતો. યેદિયુરપ્પાએ કહ્યું કે સત્તાની લાલચમાં રચાયેલી આ સરકાર ત્રણ માસથી વધુ ચાલશે નહિ.
કુમારસ્વામીના શપથવિધિ સમારંભની મહત્ત્વની બાબત એ હતી કે લાંબા સમય સુધી સોનિયા ગાંધીએ માયાવતી અને મમતા બેનરજી સાથે વાતો કરી હતી. રાહુલ ગાંધી અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, ચંદ્રાબાબુ નાયડુ અને અન્ય નેતાઓ સાથે ચર્ચા કરતા હતા. અખિલેશ યાદવ અને માયાવતી પણ એકસાથે જોવા મળ્યાં હતાં. (ગુજરાત ટાઇમ્સ સંકલન)