કર્જા લે કર ખૂબ કમાઓ!

 

 

મારું જ્યાં સેવિંગ્સ ખાતું છે એવી એક રાષ્ટ્રીયકૃત બેન્કના પ્રવેશદ્વાર પર એક બોર્ડ મૂકેલું છે. બોર્ડમાં હિન્દી ભાષામાં લખ્યું છેઃ ‘કર્જા લે કર ખૂબ કમાઓ ઔર ચુકા કર ઇજ્જત પાઓ.’ આમાં ‘દેવું કરો’ એ પડકાર છે, ‘ખૂબ કમાઓ’ એ શુભેચ્છાઓ છે અને દેવું ચૂકવીને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરો એ શ્રદ્ધા છે એમ હું સમજું છું. આ શ્રદ્ધા ફળવાનો ઘણો આધાર બેન્કના (અને એ રીતે બેન્કના ખાતેદારોના) ભાગ્ય પર છે.

હમણાં હમણાં લોકોને લોન આપવાના બેન્કોના ઉત્સાહમાં એકદમ ભરતી આવી છે. ફર્નિચર, ફ્રિજ, મકાન, બાઇક, કાર – જેને માટે જોઈએ તેને માટે લોન આપવા આપણી બેન્કો તત્પર છે. ‘લોન લઈને બેન્ક ખાલી કરો અને ચીજવસ્તુઓથી તમારું ઘર ભરી દો’ આવી ભાવના આપણી બેન્કો સેવી રહી છે. સુપ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટ આર. કે. લક્ષ્મણનાં કાર્ટૂનો પરથી તૈયાર થયેલી શ્રેણી ‘વાગલે કી દુનિયા’ દૂરદર્શન પરથી પ્રસારિત થઈ હતી. આ શ્રેણીનો એક હપતો બેન્કની લોનને લગતો હતો. બેન્કની ‘ઈઝી (સરળ) લોન સ્કીમ’ની જાહેરાત છાપામાં વાંચી એક માણસ બેન્કમાં લોન લેવા જાય છે. બેન્કમાં પ્રવેશીને એ માણસ સીધો તિજોરી પાસે જાય છે. એની સમજ એવી હતી કે, ‘ઈઝી લોન સ્કીમ’ છે એટલે તિજોરી ખોલીને પૈસા લઈ લેવાના હશે. એ માણસને તિજોરીનું હેન્ડલ ફેરવવાનો પ્રયત્ન કરતો જોઈને બેન્કના મેનેજર એને કહે છે ‘ઇટ ઈઝ નોટ ધેટ ઈઝી’ (લોન મેળવવાનું સહેલું છે, પણ તમે માનો છો એટલું બધું સહેલું નથી!)

આ તો ઘણાં વરસ પહેલાંની વાત છે, પણ હવે લોન મેળવવાનું સાવ સરળ થઈ ગયું છે. હવે લગભગ બધી બેન્કોમાં એટીએમ દ્વારા પૈસા મેળવવાની સગવડ સુલભ બની છે. અત્યારે તો કદાચ તમારા જમા પૈસામાંથી જ એટીએમ દ્વારા નાણાં મળતાં હશે, પણ જતેદહાડે તમારે જેટલી લોન જોઈતી હોય એટલી લોનનાં નાણાં એટીએમ દ્વારા મળતાં થઈ જશે. એટીએમના અર્થની તો મને હજી ખબર નથી. પણ લોનનાં નાણાં જો એટીએમ દ્વારા મળતાં હોય કે મળતાં થાય તો એટીએમનો અર્થ ‘એની ટાઇમ મની’ (ગમે તે સમયે પૈસા) એવો થઈ શકે.

મારું ખાતું જે બેન્કમાં છે એ બેન્કમાં ‘કર્જા લે કર ખૂબ કમાઓ’ એવું પાટિયું જોઈ મને થોડી ચિંતા થઈ. બેન્ક આ રીતે લોન લેવા માટે લોકોને ઉશ્કેરી રહી છે. એ તો ખૂબ કમાવા માટે લોન આપે છે, પરંતુ લોકો ખૂબ કમાવા માટે નહિ ઉશ્કેરાય કદાચ, પણ લોન લેવા માટે ચોક્કસ ઉશ્કેરાશે અને લોન લીધા કરશે અને બેન્ક પાસે પૈસા નહિ રહે તો શું થશે? બેન્ક મેનેજર મારા પરિચિત છે. મેં એમની પાસે જઈને કહ્યું, ‘લોન લેવા અંગેનું બોર્ડ વાંચીને તમારી પાસે મારી મૂંઝવણ રજૂ કરવા આવ્યો છું.’

‘લોન લેવી છે?’

‘ના, પણ આ બોર્ડ વાંચીને બધા લોન લેવા માંડશે ને બેન્કના પૈસા ખલાસ થઈ જશે તો મારે મારા ખાતામાંથી પૈસા ઉપાડવા હશે ત્યારે મળશે ને?’

‘તમારા ખાતામાં કેટલા પૈસા છે તે મેનેજર તરીકે મારાથી પુછાય નહિ, પણ તમે પરિચિત છો એટલે પૂછું છું. તમારા ખાતામાં કેટલી રકમ છે?’

‘હજાર રૂપિયા મિનિમમ રાખવાનો નિયમ છે એટલે એટલા તો ખરા જ. બીજી તો વ્યાજની રકમ જમા થાય – બે-ત્રણ હજાર – એ ઉપાડ્યા કરવાની થાય છે દર મહિને. એટલે સમજોને કે ચારેક હજાર જેટલું જોખમ કહેવાય.’ મારી વાત સાંભળી મેનેજર હસી પડ્યા ને બોલ્યા,

‘તમે ચિંતા ન કરો. તમારા ચારેક હજાર પણ આપી નહિ શકાય, એવી બેન્કની સ્થિતિ ક્યારેય નહિ થાય તેની ખાતરી રાખજો.’ મેનેજરના વચનમાં શ્રદ્ધા રાખવા સિવાય બીજો છૂટકો નહોતો, પણ આ બોર્ડ વાંચ્યા પછી મને બેન્કમાં મૂકેલા મારા પૈસાની ચિંતા થવા માંડી છે.

લોન લેવા વિશેનું બોર્ડ વાંચી મને જેમ ચિંતા થાય છે, એમ આ લોન લેનારાઓની ઈર્ષા પણ થાય છે. એક સમય હતો જ્યારે મારા જીવનમાં લોનની વસંત બેઠી હતી. લોનની આ એવી વસંત હતી, જેમાં પાનખર આવવાની કોઈ શક્યતા જ નહોતી! લોનના મારા આ મધ્યાહ્ન સમયે લોનો જલદી મળતી નહોતી. આપણા વિખ્યાત ક્રિકેટર વિજય મર્ચન્ટ એક વાર ટેસ્ટ મેચની કોમેન્ટરી આપી રહ્યા હતા. (એ સમયના બધા કોમેન્ટેટરોમાં મને વિજય મર્ચન્ટનું અંગ્રેજી જ સમજાતું હતું.) એક ક્રિકેટરે (મને યાદ છે ત્યાં સુધી અબ્બાસ અલી બેગે) એક જોરદાર ફટકો માર્યો ને એક છોકરી મેદાન પર ધસી આવી અને ક્રીઝ પર જ ક્રિકેટરને ભેટી પડી. એ વખતે વિજય મર્ચન્ટે કહેલુંઃ ‘અમેય અમારા જમાનામાં આવા ફટકા કેટલીયે વાર મારેલા. એ વખતે આવી છોકરીઓ ક્યાં ગઈ હતી?’ લોન આપવાની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે મનેય વિજય મર્ચન્ટની જેમ થાય છે કે ‘અમારા જમાનામાં અમેય અનેક વાર લોન લીધેલી. એ વખતે આ બેન્કો ક્યાં ગઈ હતી?’

બેન્કમાં મૂકેલા બોર્ડનો પૂર્વાર્ધ ‘કર્જા લે કર ખૂબ કમાઓ’ તો ઘણો આનંદદાયક છે. લોન લેવાની પ્રવૃત્તિ જીવનની આનંદદાયક પ્રવૃત્તિ છે એ હું સ્વાનુભાવે કહી શકું એમ છું, પણ બોર્ડનો ઉત્તરાર્ધ ‘ઔર ચુકા કર ઇજ્જત પાઓ’ ઘણો દુઃખદાયક છે. જોકે, લોન લેનારા કેટલાક હિંમતવાન લોકો આ દુઃખમાં પડતા જ નથી. લોન લીધા પછી એમને સારી ઊંઘ આવે છે. લોન આપ્યા પછી જાગવાનો વારો બેન્ક મેનેજરોનો આવે છે. જોકે લોન લીધા પછી ચૂકવવી પણ જોઈએ એવું માનનારો વર્ગ પણ ઘણો મોટો છે. એમને હું કેટલુંક માર્ગદર્શન (કશી પણ ફી લીધા વગર) આપવા માગું છું. આ બાબતનો મારો અનુભવ લોન લેનારાઓને ખપમાં આવશે એવી મને શ્રદ્ધા છે.

મારા સમયમાં અત્યારે છે એવી લોન આપવામાં ઉદાર એવી બેન્કોનો જન્મ થયો નહોતો. એટલે મારે મિત્રો પાસેથી નાની-મોટી લોનો લેવી પડતી. આ લોનો હું સમયસર પાછી ભરી પણ દેતો. આ કારણે મિત્રોમાં એક પ્રામાણિક માણસ તરીકેની મારી છાપ હતી. આ છાપ ખોટી નહોતી, પણ આ પ્રામાણિકતા પાછળ એક રહસ્ય હતું. આ રહસ્ય આજે લોન લેનારાઓના લાભાર્થે છતું કરું છું. જોકે, વાત એકદમ સીધીસાદી ને સરળ છે. જેની પાસેથી લોન લીધી હોય એવા મિત્રને ધારો કે અગિયારમી તારીખે અગિયાર વાગ્યે લોન પરત કરવાનું પ્રોમિસ કર્યું હોય તો બીજા મિત્ર પાસેથી અગિયારમી તારીખે પોણા અગિયાર વાગ્યે એટલી જ રકમની લોન લેવાની. બસ, તમારે પણ એ જ રીતે એક બેન્કની લોન ભરપાઈ કરવા બીજી બેન્કની લોન લેવાની. બેન્કો અત્યારે લોન આપવા માટે એટલી બધી ઉત્સાહમાં છે કે કદાચ એક દિવસ એવો આવશે કે તમે લોન લેવા માટે ફોન કરો ને પછીના કલાકમાં બેન્કનો કલાર્ક લોનનો ચેક લઈને તમારે આંગણે આવી જશે. તો બેસ્ટ લક! ‘કર્જ લે કર ખૂબ કમાઓ, ઔર ચુકા કર ઇજ્જત પાઓ!’

 

ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા પ્રકાશિત લેખકના પુસ્તક ‘ૐ હાસ્યમ’માંથી સાભાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here