તમિળનાડુના રાજકારણમાંથી પાંચ-પાંચ દાયકા દ્રમુક પક્ષના સુપ્રીમો રહેલા કરુણાનિધિના મૃત્યુ પછી સર્જાયેલા ખાલીપાને પગલે દિલ્હી હવે બન્ને મુખ્ય દ્રવિડ પક્ષોને, સત્તારૂઢ અન્ના દ્રમુક અને વિપક્ષે બેસતા દ્રમુકને, પોતાના ઇશારે નચાવવાની સ્થિતિમાં આવ્યું છે. જયલલિતા જયરામના મૃત્યુ પછી તેમના અન્ના દ્રમુકમાં ભાગલા પડ્યા અને ફરી બન્ને ફાડિયાંને એક કરવામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. અત્યારે અન્ના દ્રમુકની સરકાર દિલ્હીના તાલે ચાલે છે. કરુણાનિધિ જતાં એમના પક્ષ દ્રમુકના વડા તરીકે તેમના પુત્ર સ્ટાલિન વરાયા તો ખરા, પણ બીજા પુત્ર અળાગિરિ આડા ફાટ્યા છે. એમને પક્ષવિરોધી પ્રવૃત્તિ માટે તેમના પિતાએ જ પક્ષમાંથી કાઢી મૂકીને સ્ટાલિનને પોતાનો રાજકીય વારસ જાહેર કર્યો હતો. છેક 1967થી કોઈ પણ રાષ્ટ્રીય પક્ષને રાજ્યમાં સત્તાથી દૂર રાખવાના ઇતિહાસમાં હવે પરિવર્તન થાય એવું લાગે છે. દિલ્હી લડતી ઝઘડતી બે બિલાડીઓનો ન્યાય તોળતા વાંદરાની કથાને ચેન્નઈના મંચ પર ભજવી બતાવે એવા સંકેત મળવા માંડ્યા છે. કેન્દ્રમાં ભાજપ અને કોંગ્રેસના આટાપાટા કેવાં સમીકરણો રચશે એ આવતા દિવસોમાં લોકસભાની ચૂંટણી પહેલાં જ સ્પષ્ટ થઈ જશે.
ઉત્તર વિરુદ્ધ દક્ષિણનું રાજકારણ
તમિળનાડુમાં ભગવાન રામ અને રામસેતુના દ્રોહી, નાસ્તિકવાદના પ્રણેતા, ઉત્તર ભારત અને હિન્દીવિરોધી દ્રવિડ ચળવળના સૂત્રધાર, લિબરેશન ઓફ તમિળ ટાઇગર્સ ઇલમ (એલટીટીઇ) જેવી પ્રતિબંધિત ખૂનખાર ત્રાસવાદી સંસ્થાના પ્રગટપણે સમર્થક તેમ જ અલગ દ્રવિડ નાડુના ટેકેદાર એવા ભ્રષ્ટાચારમાં શિષ્ટાચાર નિહાળતા અવતારીપુરુષ મનાતા કળઇંગર (કળાના જાણકાર) એમ. કે. કરુણાનિધિના સાતમી ઓગસ્ટ, 2018ના રોજ મૃત્યુએ જાણે કે રાજકીય ખાલીપો સર્જ્યો છે. એ ખાલીપો ભરવાની વેતરણમાં આખું ભારત જાણે કે તેમની દફનવિધિમાં ઊમટ્યાનો માહોલ જોવા મળ્યો. તમિળનાડુનાં છ-છ વાર મુખ્યમંત્રી થવાનો વિક્રમ સર્જનાર જયલલિતા જયરામના રહસ્યમય મૃત્યુને હજી બે વર્ષ પણ પૂરાં નથી થયાં ત્યાં કરુણાનિધિ ગયા. છેલ્લાં પચાસ વર્ષથી દ્રવિડ મુન્નેત્ર કળગમ (દ્રમુક-ડીએમકે)ના પ્રમુખ રહેલા કળઇંગર કરુણાનિધિએ 94 વર્ષની વયે દેહ છોડ્યો.
મૂળે કરુણાનિધિ દ્રવિડો માટેના અલગ રાષ્ટ્ર દ્રવિડ નાડુ અને પછીથી તમિળો માટેના અલગ રાજ્યના આગ્રહી રહેલા પેરિયાર એ. વી. રામાસામીની સ્વાભિમાન ચળવળના યુવા કાર્યકર હતા. પછીથી તમિળ ફિલ્મોની પટકથાના લેખક ગાજ્યા. સી. એન. અન્નાદુરાઈએ પેરિયારથી નોખું ચૂંટણીલક્ષી રાજકારણ આરંભ્યું. એ વેળા કરુણાનિધિ સુપરસ્ટાર એમ. જી. રામચંદ્રન સાથે અંતરંગ મૈત્રી ધરાવતા હતા, પણ રાજકીય કટુતાને પગલે એમજીઆરના કટ્ટર દુશ્મન બન્યા. 1967માં દ્રવિડ ચળવળના પ્રભાવને કારણે અન્નાનો દ્રમુક પક્ષ સત્તામાં આવ્યો. અન્ના મુખ્યમંત્રી બન્યા. બસ, ત્યારથી આજ લગી કોઈ રાષ્ટ્રીય પક્ષને રાજ્યમાં સત્તા મળી નથી. અન્ના માંડ બે વર્ષ મુખ્યમંત્રીપદે રહ્યા પછી કેન્સરને લીધે ગુજરી ગયા. 1969માં કરુણાનિધિ મુખ્યમંત્રી તથા દ્રમુકના વડા બન્યા. એ પછી કળઇંગરનો પક્ષ દ્રમુક અને એમજીઆરનો પક્ષ અન્ના દ્રમુક મહદ્ અંશે વારાફરતી સત્તામાં આવતા રહ્યા. અગાઉ કોંગ્રેસના સી. રાજગોપાલાચારી અને કે. કામરાજ જેવા મહારથીઓ મુખ્યમંત્રીપદે રહ્યા હતા, પણ 1967 પછી તો કોંગ્રેસનું નામું જ નખાઈ ગયું.
અવતારવાદનો યુગ પૂરો થયો
તમિળનાડુમાં હવે ફિલ્મોનું અફીણ ઊતરી ગયું છે, એવું જણાવતાં છેલ્લાં 60 વર્ષથી રાજ્યમાં વસતા અને 1958ની કેડરના આઇએએસ અધિકારી રહેલા દેવેન્દ્ર ઓઝા નામના ગાંધીવાદી ગુજરાતી મહાનુભાવ કરુણાનિધિના મૃત્યુના જ દિવસે આ લેખક સાથેની ચર્ચામાં ઉમેરે છેઃ અહીંની પ્રજા રાજકારણમાં આવનારી ફિલ્મી હસ્તીઓ, જેવી કે અન્ના દુરાઈ, એમજીઆર, કરુણાનિધિ કે જયલલિતાને અવતાર તરીકે લેખતી રહી છે. કરુણાનિધિના અવસાનથી એ અવતારવાદનો યુગ પૂરો થયો છે.
85 વટાવી ગયેલા દેવેન્દ્રભાઈ લીમડી અને વલભીપુરના દીવાન કેશવલાલ ઓઝાના પુત્ર છે અને તમિળનાડુ સરકારમાં અધિક મુખ્ય સચિવના હોદ્દેથી નિવૃત્ત થયા હતા. અત્યારે ફિલ્મી હસ્તીઓ, જેમ કે કમલ હસન કે રજનીકાંત (શિવાજીરાવ ગાયકવાડ) તમિળ ફિલ્મોમાંથી નિવૃત્ત થઈને રાજકારણમાં આવવા ઇચ્છુક હોવા છતાં એમને એટલું જનસમર્થન મળતું નથી. થોડા વખત પહેલાં વિજયકાંત નામના અભિનેતાએ રાજકીય પક્ષ કાઢ્યો હતો, પણ અત્યારે એ શોધ્યા જડે તેમ નથી. વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની ઇમર્જન્સીના વિરોધી અને બબ્બે વાર જેમની સરકારને બરખાસ્ત કરાઈ હતી, એવા કળઇંગર કાયદાથી પર હોવાનો અનુભવ કરાવતા રહ્યા છે.
સત્તા સાથે સંધાણના જાદુગર
મૂળ કોલ્હાપુરના ગાયકવાડ પરિવારના અને બેંગલુરુમાં જન્મેલા શિવાજીરાવ કોલીવુડમાં નસીબ અજમાવવા ચેન્નઈ ગયા અને સુપરસ્ટાર થયા. જોકે એમને ભાજપ સાથે ઘર માંડવા ખૂબ સમજાવવામાં આવ્યા છતાં હજી એ માન્યા નથી. તમિળનાડુની પ્રજા મહદ્ અંશે પછાત વર્ગો અને મુસ્લિમોને સાથે લઈને ચાલનારી સેક્યુલર પ્રજા મનાય છે. અહીંની વિધાનસભામાં આજે પણ ભાજપને એક પણ બેઠક મળતી નથી. લોકસભામાં 39 બેઠકોમાંથી માત્ર એક જ કન્યાકુમારીવાળી બેઠક ભાજપને મળે છે. ગત લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ભાજપ થકી જયલલિતાની અન્ના દ્રમુક સાથે ચૂંટણીસમજૂતી કરવાના લાખ પ્રયત્નો છતાં અમ્માએ એ જોડાણને નકારી કાઢીને પણ ભવ્ય વિજય મેળવ્યો હતો.
કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી ત્યારે દ્રમુક અને અન્ના દ્રમુક સાથે વારાફરતી સમજૂતી થઈ હતી. જયલલિતા તો અયોધ્યામાં રામમંદિર મુદ્દે ભાજપના સમર્થનમાં હતાં, પણ પછીથી એમને એ મૈત્રી માફક આવી નહોતી. એવું જ કંઈક દ્રમુકનું પણ હતું. વાજપેયી સરકારમાં દ્રમુક ભાગીદાર હતી, પણ પછી ડો. મનમોહન સિંહની સરકારમાં પણ દ્રમુક સહભાગી હતી. બન્ને મુખ્ય દ્રમુક પક્ષોની નીતિ જિસકે તડ મેં લડ્ડુ, ઉસકે તડ મેં હમ જેવી જ રહી છે. જયલલિતાના અવસાન પછી અન્ના દ્રમુકમાં ભાગલા પડ્યા હતા. એમને ભેગાં કરવાનું શ્રેય કંઈક અંશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. એટલે તમિળનાડુમાં સત્તાપક્ષ અન્ના દ્રમુક મોદીની દત્તક પાર્ટી ગણાવાય છે.
ભ્રષ્ટાચાર બન્યો શિષ્ટાચાર
ભ્રષ્ટાચાર નાબૂદી અને પારદર્શી વહીવટની મીઠડી વાતો કરનારા રાજકીય શાસકો તમિળનાડુના ભ્રષ્ટાચારમાં ગળાબૂડ એવા રાજનેતાઓ અને શાસકોને ગળે મળવામાં જાણે કે ગૌરવ અનુભવે છે. યુપીએ સરકારમાં મંત્રી રહેલા દ્રમુકના નેતા એ. રાજા અને કરુણાનિધિની ત્રીજાં પત્ની થકી થયેલી પુત્રી કનિમોળી (મધ જેવી વાણીવાળી કે મંજુભાષિણી) અબજોના મનાતા ટુ-જી કૌભાંડમાં જેલવાસી હતાં અને પછી છૂટ્યાં. સ્વયં કરુણાનિધિ સામે ભ્રષ્ટાચારના ખટલાઓ ચાલતા રહ્યા છે. જયલલિતા અને એમનાં સખી શશિકલા સામે અબજોના ભ્રષ્ટાચારના ખટલા ચાલ્યા. જયલલિતા અને શશિકલા તો અગાઉ બેંગલુરુમાં જેલવાસ ભોગવી ચૂક્યાં છે. શશિકલા સાથે ફરીને જેલ ભોગવવાનો સમય જયલલિતા માટે આવે એ પહેલાં એમનું મૃત્યુ થયું હતું.
કરુણાનિધિનાં દ્વિતીય પત્નીથી થયેલા પુત્ર અળાગિરિ કેન્દ્રમાં મનમોહન સરકારમાં મંત્રી રહ્યા. એમના સગા નાના ભાઈ અને કરુણાનિધિના રાજકીય વારસ એવા સ્ટાલિન પિતાની સરકારમાં નાયબ મુખ્યમંત્રી રહ્યા. અળાગિરિ અને સ્ટાલિન સામે પણ ભ્રષ્ટાચારના ખટલાઓ રહ્યા છે. કરુણાનિધિનાં મોટાં બહેન ષણ્મુગા સુંદરથમાલના સદ્ગત પુત્ર મુરસોલી મારન વાજપેયી સરકારમાં વાણિજ્યમંત્રી હતા. એમના પુત્રો કલાનિધિ અને દયાનિધિ સામે અબજોના ભ્રષ્ટાચારના ખટલા ચાલે છે. કલાનિધિ સન ટીવી સહિતના ઉદ્યોગ સામ્રાજ્યના માલિક છે. દયાનિધિ મનમોહન સરકારમાં મંત્રી હતા. ડો. સિંહની સરકારમાં જ બીજા દ્રમુક મંત્રી ટી. આર. બાલુ સામે ભ્રષ્ટાચારના ખટલા ઉપરાંત રામસેતુ મુદ્દે ભાજપની નેતાગીરી સાથે ભારે ભાંડણલીલા થયેલી છે. જોકે રાજકીય સ્વાર્થ બન્ને મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસને એમની સાથે જોડાણ કરવા વિવશ કરે છે.
દ્રવિડ પક્ષોમાં ભાગલા અને રેણ
છેક પેરિયારના વખતથી દ્રવિડ પક્ષોમાં ભાગલા પડતા રહ્યા છે. ભાગલા પછી ઘણા દ્રવિડ પક્ષો અમીબાની જેમ એકીકરણ પણ સાધતા રહ્યા છે. એમજીઆરના ગયા પછી અન્નાદ્રમુક બે છાવણીમાં વહેંચાયો. જાનકીઅમ્મા માત્ર 23 દિવસ માટે મુખ્યમંત્રી બન્યાં, પણ અંતે રાજકારણમાં છવાયાં તો જયલલિતા જ. બે ફાડ પાછી એક થઈ ગઈ હતી. જયલલિતાના મૃત્યુ પછી પણ પક્ષમાં બે ભાગ પડ્યા અને મોદીની મદદથી રેણ પણ થયાં.
હવે દ્રવિડ ચળવળનો મુદ્દો ઝાઝો પ્રભાવી રહેતો નથી એટલે નાણાંની થેલીઓ ખુલ્લી મૂકીને ખેલાતાં રાજકારણમાં ક્યારે કોણ કોની વહેલમાં બેસે છે અને દ્રવિડ ચળવળના માંધાતા વિદાય થયા પછી ક્યો રાષ્ટ્રીય પક્ષ સોગઠી મારે છે એ ભણી સૌની મીટ છે. દિલ્હીશ્વર માટે અત્યારના સત્તારૂઢ અન્નાદ્રમુક કરતાં દ્રમુકને મનાવી લેવાનું વધુ આકર્ષક રહે. કારણ સ્પષ્ટ છે. વેરવિખેર અન્ના દ્રમુક કરતાં દ્રમુકના એક નેતા સ્ટાલિન સાથે વાત કરીને ચૂંટણી સમજૂતી ઠરાવી શકાય. સ્ટાલિનને ચેન્નાઈની ગાદીમાં રસ છે. બહેન કનિમોળી દિલ્હીના રાજકારણમાં રહે. અત્રે સ્મરણ રહે કે અગાઉ દિલ્હીમાં સાંસદ રહીને જ જયલલિતા ચેન્નઈની ગાદી સંભાળવાના દાવપેચ બરાબર શીખી શક્યાં હતાં!
લેખક સરદાર પટેલ સંશોધન સંસ્થા-સેરલિપના સંસ્થાપક નિયામક અને પ્રાધ્યાપક તથા ઇન્ડિયન એક્સપ્રેસ જૂથના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે.