કયુબા બે વર્ષ સુધીના બાળકને વેક્સિન આપનારો દુનિયાનો પ્રથમ દેશ બન્યો

 

હવાના : સમગ્ર દુનિયામાં યુવાનો અને વયસ્કો માટે કોરોના વેક્સિન અભિયાન ચાલે છે. કોરોના સંક્રમણનો ભોગ બાળકો પણ બની રહ્યા હોવાથી ચિલ્ડ્રન વેક્સિનના સંશોધન પ્રયોગો ઝડપી બન્યા છે. અમેરિકા, રશિયા અને ચીન વચ્ચે ક્લિનિકલ ટ્રાયલ માટેની હરિફાઇ ચાલે છે ત્યારે કયુબા બાળકો માટેની વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલ અંર્તગત કયુબા બે વર્ષના બાળકને વેક્સિન આપનારો દુનિયાનો પ્રથમ દેશ બન્યો છે. કયુબા પોતાની આગવી શોધ અને સંશોધનો માટે જાણીતો છે. 

શીતયુદ્ધના ગાળામાં અને ત્યાર પછી અમેરિકાના આર્થિક પ્રતિબંધો સામે પણ કયુબા દેશ ટકી ગયો હતો. ડોકટર્સ અને એન્જીનિયર્સની ખાણ ગણાતા કયુબાએ કેમિકલ ફ્રી સજીવખેતી પર ભાર મુકીને દુનિયાને રાહ ચીંધી હતી. કોરોના મહામારી દરમિયાન બાળકોની વેક્સિનનું સંશોધન ચાલતું હતું. કયુબામાં અબ્દલા અને સોરાન નામના બે કોરોના વેક્સિન લગાવવામાં આવી રહી છે જે ઘર આંગણે જ વિકસિત કરવામાં આવી છે. 

આ વેક્સિનમાં ફેરફાર કરીને નાના બાળકોને ક્લિનિકલ ટ્રાયલના ભાગરૂપે આપવામાં આવી રહી છે. અગાઉ ૧૨ વર્ષના બાળકને કોરોના વેક્સિન આપવાનો પ્રયોગ થઇ ચુકયો છે. જો કે કયુબાના ક્લિનિકલ ટ્રાયલને વિશ્વ આરોગ્ય સંસ્થાએ માન્યતા આપી નથી. દુનિયાના કેટલાક દેશોમાં ૧૨ કે તેનાથી વધુ ઉંમરના બાળકોને વેક્સિન આપવામાં આવી રહ્યું છે પરંતુ તેનાથી નાની ઉંમરના માટે વેક્સિન ઉપલબ્ધ ન હતી. હવે કયુબાએ તબક્કાવાર ૨ થી ૧૧ સુધીના બાળકોને કોરોના વેક્સિન આપીને ઇતિહાસ સર્જ્યો છે.