કબજિયાતની અસરકાર આયુર્વેદીય સારવાર

0
5359
Dr. Rajesh Verma
Dr. Rajesh Verma

વ્યક્તિની પ્રકૃતિ અને વ્યાધિ એકસરખાં હોય તો પણ રોગ પ્રમાણે આયુર્વેદમાં ઔષધો બદલાતાં રહે છે. કબજિયાતમાં વાયુ, પિત્ત અને કફની પ્રધાનતા પ્રમાણે ઔષધોમાં ફેરફાર સંભવી શકે છે.
વાયુ લૂખો, હળવો, ઠંડો અને ચંચળ હોવાથી વાતજન્ય કબજિયાતમાં સ્નિગ્ધ, ઉષ્ણ, ગુરુ અને વાયુનું અનુલોમન કરનારાં ઔષધો વધુ અસરકારક બને છે. દિવેલ આવું જ એક ઔષધ છે. એ જ રીતે હરડે ત્રિદોષ શામક, વાયુનું અનુલોમન કરનારી અને પાચનતંત્રને સુધારનારી હોવાથી કબજિયાતમાં કામિયાબ બને છે. હરડેમાં પણ નાનકડી હિમેજ (ચેતકી) વધુ વિરેચક છે.
હરડેનું નિત્યસેવન કરી શકાય છે. એનાથી આંતરડાને કશું નુકસાન થતું નથી. આયુર્વેદમાં હરડેને નિત્યપથ્ય અથવા તો પરમપથ્ય કહી છે. સારી મોટી હરડે વજનમાં દસથી વીસ ગ્રામ જેટલી પણ હોય છે. પીળાશ પડતા લીલા રંગની અને વજનદાર હરડે શ્રેષ્ઠ ગણાય છે. સારી હરડેની માત્ર છાલ વાપરવામાં આવે છે. અંદરનો ઠળિયો કાઢી નાખીને પછી જ ચૂર્ણ કરવું જોઈએ. હરડેની છાલના ટુકડા મોંમાં રાખી ચગળવાથી રોજ સવારે સારી રીતે પેટ સાફ આવી જાય છે. હરડેની જેમ કેટલાક લોકો મોંમા હિમેજ ચગળતા હોય છે. રોજની ત્રણથી પાંચ હિમેજ ચગળતાં રહી છેલ્લે ચાવી જઈને ઉપર પાણી પીવાથી જીભ ચોખ્ખી થાય છે અને પચીને સવારે ચીકાશ વગરનો ઝાડો થઈ શકે છે, જેને હિમેજ ચગળવી કે ચાવવી ન ગમે તેણે રોજ રાત્રે પાણીમાં પલાળેલી હરડે કે હિમેજને છૂંદી, ગાળીને પછી તે પાણી પી જવું. આને જલહરિતકી કહે છે.
ઋતુ પ્રમાણે હરડેનું અનુપાન બદલાય છે. વર્ષાઋતુમાં થોડો સંચળ કે સિંધાલૂણ મેળવીને હરડે લેવી. શરદ ઋતુમાં દળેલી સાકર સાથે હરડે લેવી. હેમંત ઋતુમાં સૂૂંઠ સાથે અને શિશિરમાં લીડીંપીપર સાથે, વસંતમાં મધ સાથે અને ગ્રીષ્મ ઋતુ એટલે કે ઉનાળામાં ગોળ સાથે હરડે લેવી.
કબજિયાત સાથે હરસની તકલીફ હોય તેવા લોકોએ ગોળ સાથે મેળવીને હરડેનું ચૂર્ણ લેવું. હરસ હોય છતાં ઝાડો સુકાઈ જવાથી દુખાવા સાથે મળપ્રવૃત્તિ થતી હોય તો બેચાર દિવસ ગૌમૂત્રમાં પલાળી રાખેલી હરડે કે હિમેજનું સુકાઈ જાય એટલે ચૂર્ણ કરી ગોળમાં મેળવી ગોળી વાળીને ખાઈ જવું. અંદરના ભાગમાં અદશ્ય મસા (ઇન્ટર્નલ પાઇલ્સ) હોય ત્યારે રોજ સવારે નરણા કોઠે ગોળ સાથે હરડે લેવી
મળ સુકાઈ જતો હોય, જોર કર્યા પછી જ ગંઠાયેલો ઝાડો થતો હોય, આંતરડામાં આમ તથા વાયુ રહ્યા કરતો હોય તેવા લોકોએ દિવેલમાં સાંતળેલી હરડેનું ચમચી ચૂર્ણ રોજ રાત્રે ફાકી જવું. બજારમાંથી સારી વજનદાર, નાની, કાળી હિમેજ લાવી બરાબર સાફ કરી દિવેલમાં સાંતળી નાખવી. દિવેલનું પ્રમાણ હિમેજ ડૂબે એટલું પણ લઈ શકાય. આ રીતે થોડા કથ્થાઈ જેવા રંગની દેખાય ત્યાં સુધી હિમેજને તળી એક ઝારા દ્વારા બહાર કાઢી લેવી. દિવેલ નીતરી જાય ત્યારે ખાંડીને તે ચૂર્ણ એક કાચની બાટલીમાં ભરી રાખવું. રોજ રાત્રે તેમાંથી એકાદ ચમચી જેટલું અથવા તો અનુકૂળ માત્રામાં ચૂર્ણ લઈ ફાકી જવું. હિમેજ ભીંજાય એટલું ઓછું દિવેલ લઈને પણ લોઢી પર હિમેજને સાંતળી (ભૂંજી) શકાય. પિત્તની કોઈ તકલીફ હોય કે અમ્લપિત્ત જેવો કોઈ વ્યાધિ થયેલ હોય તો દિવેલના બદલે ચોખ્ખું ઘી મૂકીને પણ હિમેજને ભૂંજી શકાય. આવી ઘૃતભ્રષ્ટ હરિતકીનું ચૂર્ણ રોજ રાત્રે એકાદ ચમચી ફાકી જવાથી રોજ સવારે સરળતાથી પેટ સાફ આવે છે. પેટમાં વાયુ અને પિત્ત બન્નેે સાથે હોય તો દિવેલ અને થોડું ઘી નાખી હિમેજને સાંતળી શકાય છે. સખત કબજિયાત રહેતી હોય તેવા લોકોએ જરૂરી માત્રામાં એરંડભ્રષ્ટ હરિતકીનું ચૂર્ણ ફાકી ઉપર ગરમ પાણી પીવું. જેમ રાત્રે તમે વહેલી સવારે (નરણા) પણ હરડેનું સેવન કરી શકાય છે. આપણે ત્યાં એક લોકોક્તિ છે.
કબજિયાત અનેક રોગોનું ઘર છે. રોજ સવારે નરણા કોઠે હરડેનું સેવન કરવાથી ઘણા રોગોને આવતાં પહેલાં જ અટકાવી શકાય છે.
નાવનીતકમ નામના ગ્રંથમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે હરિતકી શ્રેષ્ઠતમા નરાણામ અર્થાત્ માણસજાત માટે હરડે એ શ્રેષ્ઠ ઔષધ છે. જો નિત્ય પ્રાતઃ કે અનુકૂળ સમયે એનું સેવન કરવામાં આવે તો આવી વ્યક્તિથી બીમારી દૂર રહે છે.
કબજિયાત માટે હરડે વગેરે દ્રવ્યોના સંયોજનથી બનતું બીજું એક ઉત્તમ ઔષધ છે ત્રિફલા. હરડે, બહેડાં અને આમળાં એ ત્રણ દ્રવ્યોના સંયોજનથી બનતું હોવાથી એને ત્રિફલા કહે છે. પીળાશ પડતા લીલા રંગની, સારી મોટી અને વજનદાર હરડે લઈ તેની અંદરથી ઠળિયો દૂર કરી માત્ર છાલ લેવી. એ જ રીતે સારા-સત્ત્વપૂર્ણ બહેડાંની છાલ અને નવાં તાજાં, રસદાર, મોટાં આમળાંનો ઠળિયો કાઢીને સૂકવેલી પેશીઓ…. આ બધાનું સમભાગે ચૂર્ણ બનાવી ઉપયોગમાં લેવું. આજકાલ બજારમાં હરડેની છાલ, બહેડાંની છાલ કે આમળાં મળે છે. તે ઉત્તમ કોટિનાં નથી હોતાં. હરડેની છાલ તો બિલકુલ નિસ્તવ (નિર્જન, ઉજ્જડ) હોય છે આથી ચોક્કસ પરિણામ જોઈતું હોય એવા લોકોએ સરળતાથી બનાવી શકાય તેવાં દ્રવ્યો તો હવે જાતે જ બનાવી લેવા જેવાં છે. સારું ત્રિફલાનું ચૂર્ણ રોજ રાત્રે એકાદ મોટી ચમચી જેટલું ફાકી જવાથી જઠરાગ્નિ ઉદીપ્ત થાય છે અને સવારના પહોરમાં પચીને ઝાડો પણ થાય છે. ત્રિફલા ત્રિદોષશામક, રસાયન અને નિત્ય સેવન કરવામાં આવે તો આરોગ્ય તેમ જ આયુષ્યને વધારનારાં છે. જેમનું વજન વધારે હોય, આંખો નબળી હોય, ડાયાબિટીસની તકલીફ હોય કે કોઈ ચામડીનો રોગ થયો હોય અને સાથે સાથે કબજિયાત પણ રહેતી હોય તો રોજ રાત્રે પાંચેક ગ્રામ જેટલું ત્રિફલાનું ચૂર્ણ ફાકી ઉપર પાણી પી જવું.
ઘણાના મનમાં એવી શંકા હોય છે કે શું રોજ હરડે કે ત્રિફલા લેવાથી આંતરડાં નબળાં તો નહિ થઈ જાય ને? તો એના જવાબમાં આયુર્વેદમાં એવા ઘણાં ઔષધો છે જે જેને નિત્ય રસાયન તરીકે ઓળખવામાં આવે છે. હરડે અને ત્રિફલાનો પણ નિત્ય રસાયનમાં સમાવેશ થતો હોવાથી તેનુ નિત્ય સેવન કરવાથી કોઈ પણ નુકસાન થતું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here