કપિલ શર્મા એક પ્રતિભાશાળી કોમેડિયન છે. વરસો અગાઉ ટીવી પર રજૂ થયેલા કોમેડી શો લાફટર ચેલેન્જમાં રાજુ શ્રીવાસ્તવ, કૃષ્ણા અભિષેક, સુનીલ ગ્રોવર, અહેસાન કુરેશી અને કપિલ શર્મા જેવા અનેક હાસ્ય- કલાકારોને પોતાની પ્રતિભા પ્રગટ કરવાનો મોકો મળ્યો હતો. એ તમામ કલાકારોમાં કપિલ શર્મા એક વિશિષ્ટ હાસ્ય- અભિનેતા તરીકે ઊભરી આવ્યા હતા. સુનીલ ગ્રોવર તેમના શોમાંથી છૂટા થયા બાદ કપિલના શોની લોકપ્રિયતા ઓસરી ગઈ હતી. ટીઆરપી ઓછી થવાને કારણે એનો શો ચેનલ દ્વારાબંધ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં ગત મહિનામાં કપિલ શર્માનો નવો શો ફેમિલી ટાઈમ વિથ કપિલ શર્મા રજૂ કરવામાં આવ્યો હતો. જે મોટેભાગે ગેમ શો પુરવાર થયો,કોમેડી શો નહિ. આ શોની રજૂઆતને પ્રેક્ષકોએ બહુ પ્રતિસાદ આપ્યો નહોતો. એની ટીઆરપી પણ એ વાત સાબિત કરી રહી હતી કે, લોકોનો કપિલનો શો ખાસ ગમ્યો નથી. રાની મુખરજી એમની ફિલ્મ હીચકીના પ્રમોશન માટે ખાસ કપિલના શોમાં હાજરી આપવાના હતા, પણ એ એપિસોડના શૂટિંગ માટે કપિલ સેટ પર આવ્યો નહોતો. જેને કારણે ચેનલના આયોજકોએ એ પ્રસારણ રદ કરવું પડ્યું હતું. કપિલ શર્માની વર્તણુંક , વારંવાર એના શોનું શૂટિંગ કેન્સલ થવું તેમજ એની નાદુરસ્ત તબિયત – આ બધા કારણોને કારણે હવે એનો હાલમાં રજૂ થયેલો શો ફરીવાર સસ્પેન્ડ કરવામાં આવે એવી સંભાવના હોવાની માહિતી જાણવા મળી હતી.