કપડવંજમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

 

નડિયાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો ઇ-લોકાર્પણ કાર્યક્રમ કપડવંજમાં ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબહેન પટેલના અધ્યક્ષપદે યોજાયો હતો. આ કાર્યક્રમમાં કપડવંજ અને ગળતેશ્વર તાલુકાની મહિલાઓને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી વિભાવરીબહેન દવેએ માર્ગદર્શક ઉદ્બોધન કર્યુ હતું. 

આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબહેન પટેલે દિપ પ્રગટાવી ઉપસ્થિત મહિલાઓને જણાવ્યું હતું કે, રાજયની મહિલાઓ પગભર થાય, સશકત અને સ્વાવલંબી બને તે માટે મુખ્યમંત્રીએ મહિલા ઉત્કર્ષની અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. રાષ્ટ્રીય મહિલા આજીવિકા મિશન હેઠળ રાજયમાં છેલ્લા ચાર વર્ષમાં મહિલાઓનું સશકિતકરણ માટે નોંધપાત્ર કામ થયું છે. આ યોજના હેઠળ રાજયમાં ૨,૫૧,૦૦૦ સ્વસહાય જૂથ નોંધાયેલ છે. જેમાં રાજયની ૨૬ લાખ જેટલી મહિલાઓ જોડાયેલ છે. સ્વસહાય જૂથોને સ્ટાર્ટ અપ ફંડ તરીકે ૨૯ કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી છે. લગભગ પ,૫૨,૦૦૦ જેટલી મહિલાઓ પશુપાલન સાથે સંકળાયેલી છે. રાજ્યની બહેનો હેન્ડીક્રાફટ, હેન્ડલૂમ જેવા ગૃહ ઉદ્યોગો ઉપરાંત વર્તમાન કોરોનાની મહામારીમાં કાપડના માસ્ક, સેનેટાઇઝર બનાવી આશરે ૫.૬૦ કરોડનું ટર્ન ઓવર કરેલ છે. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંગે જણાવ્યું હતું કે, આ યોજનામાં જોડાનાર મહિલાઓને એક લાખનું ધીરાણ લોન ઇચ્છુક દસ બહેનોના જૂથને મળશે. જેનું વ્યાજ રાજ્ય સરકાર ચૂકવશે. જેથી મહિલાઓનું આર્થિક ભારણ ઘટશે અને નફાનું ધોરણ વધશે. આ યોજના પોતાના પગ ઉપર ઉભા થવા માગતી બહેનો માટે આશીર્વાદરૂપ લેખાશે. 

વડા પ્રધાન મોદીની મહિલા ઉત્કર્ષ સખી મંડળની યોજનાનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે આ યોજના હાલ સમગ્ર ભારતમાં બહેનોના સશકિતકરણ માટે ઉપયોગી થઇ રહી હોવાનું જણાવી વડા પ્રધાનને અભિનંદન પાઠવ્યા હતા. સૌ મહિલાઓએ આ યોજનાનો લાભ લેવા અને તેનો પ્રચાર પ્રસાર કરવા અનુરોધ કર્યો હતો. 

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નડિયાદ આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડી. એસ. ગઢવીએ પણ મહિલાઓને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર. ટી. ઝાલાએ સમગ્ર યોજનાની માહિતી આપી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થી મહિલાઓને મંજૂરીપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ બાબુભાઇ પરમાર, ગોપાલભાઇ શાહ, નિલેશભાઇ પટેલ તથા મોટી સંખ્યા લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here