કનૈયાલાલ મુનશીની ત્રણ નવલકથાઓનું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ભાષાંતર

 

ન્યુ યોર્કઃ વિખ્યાત સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીનાં પુસ્તકોનું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ભાષાંતર કરવામાં આવ્યું છે. કનૈયાલાલ માણેકલાલ મુનશી ઘણા ભારતીયો માટે ખૂબ જ પરિચિત નામ છે, તેમણે ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી હતી. તેઓ રાજ્યસભાના સભ્ય હતા, ઉત્તર પ્રદેશના ગવર્નર હતા અનેે ભાગલા પછીના સમયગાળામાં હૈદરાબાદના સ્પેશિયલ એજન્ટ હતા.

ગુજરાતી ભાષાના ખૂબ જ જાણીતા સાહિત્યકાર હોવા છતાં ગુજરાતની બહાર ઘણા ભારતીયો તેમના સાહિત્યક્ષેત્રે માતબર પ્રદાનથી અપરિચિત છે. તેમની નવલકથાઓનાં પાત્રો મુંજાલ મહેતા અને મીનળદેવી અથવા કાક અને મંજરી પેઢીઓ સુધી લોકોના દિલોદિમાગમાં છવાયેલાં છે.

ઇતિહાસના વિદ્યાર્થી હોવાના કારણે મુનશી પોતાની નવલકથાઓમાં ઐતિહાસિક પશ્ચાદભૂ પર ભાર મૂકતા હતા.
મુનશીના ગુજરાતી સાહિત્યમાં માતબર પ્રદાન છતાં ગુજરાતની બહાર ઘણા ઓછા લોકોએ તેમની નવલકથાઓ વાંચી છે. મુનશીના સાહિત્યનું હિન્દી ભાષામાં રૂપાંતર થયેલું છે. જ્યાં સુધી અંગ્રેજી ભાષાને લાગેવળગે છે ત્યાં સુધી મુનશી પોતાની ઐતિહાસિક નવલકથાઓના કારણે વધુ લોકપ્રિય બનેલા છે. ભાષાંતરકારો તરીકે અમે મુનશીની ‘પાટણ ટ્રાયોલોજી’નું ભાષાંતર કર્યું છે, જેમાં વિખ્યાત ત્રણ નવલકથાઓ ‘પાટણની પ્રભુતા’, ‘ગુજરાતનો નાથ’ અને ‘રાજાધિરાજ’નો સમાવેશ થાય છે.