કચ્છી સાહિત્યના ભેખધારી માધવ જોશી ‘અશ્ક’નું નિધન

 

દયાપરઃ કચ્છી સાહિત્યના ભેખધારી અને કચ્છી ભાષા માટે આખી જિંદગી સમર્પિત કરી નાખનારા ‘અશ્ક’ના તખ્ખલુસથી જાણીતા માધવ જોશી ‘અશ્ક’નું ૧૩ એપ્રિલ, ૨૦૨૦ સાંજે નારાયણ સરોવરસ્થિત ઝુલેલાલ દેવસ્થાનમાં ૯૩ વર્ષની ઉંમરે અવસાન થયું હતું. હસમુખભાઇ જોશીએ વિગત આપતાં કહ્યું હતું કે, માધુબાપાના અન્ય બે ભાઇ સામજીભાઇ જોશી અને માવજીભાઇ જોશી બંનેથી માધુબાપા નાના હતા. બાપાના સંતાનમાં એક જ પુત્રી છે જે મુંદરા રહે છે. સાહિત્ય અને અખબારી ક્ષેત્રે તેમની કામગીરી નોંધપાત્ર રહી છે. મુંબઇથી પ્રગટ થતા તેમની જ્ઞાતિના સામયિક ‘સારસ્વત જીવન’, ‘સિંધ સેવક’માં તેમની કાવ્ય રચનાઓ પ્રગટ થતી રહેતી. ‘કુંજલ જી કુણકાર’ સામયિક ચલાવી નવોદિત કચ્છી સર્જકોને પ્રોત્સાહન આપતા. માધુબાપાના ‘લેરિયું’, ‘સંભરે મૂકે સેણ’ અને મૂંજો જીયણ-ફોટો આલ્બમ કચ્છી પુસ્તકો ઉપરાંત ગુજરાતીમાં ‘મા આશાપુરા’, ફૂલડાં-ગુજરાતી કાવ્યસંગ્રહ પ્રસિદ્ધ થયાં છે.