કચ્છનું પ્રથમ હાઈટેક સ્વામિનારાયણ સેવાશ્રમ ભુજમાં બનશે

ભુજઃ ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન મુખ્યદેવને આગામી ૨૦૨૩માં ૨૦૦ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે નરનારાયણ દેવ દ્ધિશતાબ્દી મહોત્સવ ભુજના ઉપલક્ષ્યમાં કચ્છનું પ્રથમ હાઈટેક સેવા આશ્રમ બનાવવા જઈ રહ્યુ છે. જેનું ખાતુમુહૂર્ત ભુજ મંદિરના સદ્ગુરૂ મહંત સ્વામિ ધર્મનંદનદાસજી, સદ્ગુરૂ ઉપમહંત પુરાણી સ્વામિ ભગવદજીવનદાસજી, પાર્ષદવર્ય કોઠારી જાદવજી ભગત, સ્વામિ પ્રેમપ્રકાશદાસજી તેમજ સ્વામિનારાયણ સેવા આશ્રમ કાર્યમાં રૂપિયા ચાર કરોડનું અનુદાન આપનાર આ  સંકુલના યજમાન પરબતભાઈ કુંવરજી હાલારીયા, અમરબહેન પરબતભાઈ હાલારીયા હસ્તે તેમના પુત્રી સુમિત્રાબહેન પરબતભાઈ હાલારીયાના હસ્તે કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે ભુજ મંદિરના મહંત પુરાણી સ્વામિ ધર્મનંદનદાસજીએ આર્શિવચન આપતા જણાવ્યુ હતુ કે, સ્વામિનારાયણ મંદિર ભુજ (નરનારાયણ દેવ) તરફાથી અનેક સેવાકીય કાર્ય જેમાં શૈક્ષણિક, આરોગ્ય, ગૌ સેવા, મુખ્યત્વે પ્રવૃતિઓ સાથે સંકળાયેલી છે ત્યારે કચ્છને વધુ એક સેવાકીય સ્વરૂપે કચ્છનું પ્રથમ હાઈટેક સ્વામિનારાયણ સેવા આશ્રમનું લોકાર્પણ આગામી વર્ષોમાં કરવામાં આવશે. વૃદ્ધ વડીલ ભાઈ-બહેનો દુઃખ, મુંઝવણથી મુક્ત બની, તેઓ પોતાના ઘર પરિવારની સાથે જ રહે છે તેવા અહેસાસ એમને થાય તે માટે સેવા, સમર્પણ અને સત્સંગના સ્નેહભાવ સાથે આ સેવાશ્રમ સંકુલનું નિર્માણ થવા જઈ રહ્યુ છે તેમ સ્વામીએ જણાવ્યુ હતુ.

ભુજ મંદિરના કોઠારી દેવપ્રકાશદાસજીએ જણાવ્યુ હતુ કે, આ હાઈટેક સેવા આશ્રમમાં વડીલોને કોઈ પણ જાતની તકલીફો ન પડે તે માટે સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ એવા હાલના તબક્કે ૫૦ રૂમો બનાવાશે. એક રૂમમાં બે વડીલોનો સમાવેશ કરવામાં આવશે. આ સેવાશ્રમમાં ભોજનાલય, હોસ્પિટલ, વડીલોને ધ્યાને રાખીને તે પ્રકારનું જીમ, મંદિર, ગાર્ડન, લાયબ્રેરી, સંગીતમય વાતાવરણ સાથે અંડર ગ્રાઉન્ડ, મીની થીયેટર કે જેમાં તેઓ ધાર્મિક કથાવાર્તા તેમજ સત્સંગ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. કચ્છનું પ્રાથમ હાઈટેક સ્વામિનારાયણ સેવાશ્રમ બનવા જઈ રહ્યુ છે.