કંપનીઓ બ્લેકલિસ્ટ કરાતાં ચીને USને વળતા જવાબની ધમકી

 

બેઇજિંગઃ ચીને રવિવારે અમેરિકાને વળતો જવાબ આપવાની ધમકી ઉચ્ચારી છે. અમેરિકાએ ઉઇગર મુસ્લિમો અને અન્ય લઘુમતી સાથેના અત્યાચારમાં કથિત ભૂમિકાને કારણે ચીનની કંપનીઓને બ્લેકલિસ્ટ કરી હતી. જોકે, ચીને જરૂરી પગલાં લેવાની ચીમકી આપી છે. ચીનના વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, અમેરિકાના પગલાથી ચીનની કંપનીઓને ગેરવાજબી રીતે દબાવવામાં આવી  રહી છે અને આ પગલું વૈશ્વિક વેપાર અને આર્થિક નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે. અમે ચીનની કંપનીઓના કાનૂની હક અને હિતોના રક્ષણ માટે જરૂરી પગલાં ભરીશું. હજુ સુધી ચીને ઉઇગર મુસ્લિમોના મુદ્દે કોઈ માહિતી આપી નથી, પણ તેણે શિનઝિયાંગ પ્રાંતમાં ભેદભાવયુક્ત ધરપકડ અને બળજબરીથી કરાવાતી મજૂરીના આરોપોને નકારી કાઢ્યા છે. 

અમેરિકાના વાણિજ્ય વિભાગે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રોનિક્સ અને ટેક્નોલોજી ફર્મ્સ તેમજ અન્ય બિઝનેસે શિનઝિયાંગ પ્રાંતના લઘુમતી મુસ્લિમો વિરુદ્ધ ચીનની દમન, સામૂહિક અટકાયત અને હાઇ-ટેક્નોલોજી સર્વેલન્સની ઝુંબેશમાં મદદ કરી હતી. અમેરિકા દ્વારા બ્લેકલિસ્ટિંગ પછી ચીનની કંપનીઓ અમેરિકામાં ઇક્વિપમેન્ટ કે અન્ય ગૂડ્ઝ વેચી નહીં શકે. ઉઇગર મુસ્લિમો પર ચીનની દમનકારી નીતિઓ અને હોંગકોંગમાં લોકશાહી પર તરાપના પ્રયાસોને પગલે અમેરિકાએ ચીનની નાણાકીય અને વેપારી પેનલ્ટીમાં વધારો કર્યો છે.

ચીનની સરકારે ૨૦૧૭થી શિનઝિયાંગના ૧૦ લાખ કે વધુ લોકોની અટકાયત કરી છે. ટીકાકારો ચીન પર બળજબરીથી ચાલતા કેમ્પ્સમાં શ્રમિકો પાસે મજૂરી કરાવવાનો આરોપ મૂકી રહ્યા છે. તેમની પર નસબંધી સહિતના અત્યાચારો થઈ રહ્યા હોવાના અહેવાલ છે. અમેરિકાના વાણિજ્ય વિભાગે જણાવ્યું હતું કે, શિનઝિયાંગના અત્યાચારને કારણે ૧૪ કંપનીને એન્ટિટી લિસ્ટમાં સામેલ કરાઈ છે અને અન્ય પાંચને ચીનના લશ્કરની સહાયતા માટે બ્લેકલિસ્ટ કરાઈ છે.