ઓહાયોમાં આપીના 36મા અધિવેશનમાં નિક્કી હેલી, નવતેજ સરના ભાગ લેશે

ન્યુ યોર્કઃ ઓહાયોના કોલંબસમાં આવેલા કોલંબસ કન્વેન્શન સેન્ટરમાં ચોથીથી આઠમી જુલાઈ, 2018 દરમિયાન અમેરિકન ફિઝિશિયન ઓફ ઇન્ડિયન ઓરિજિન (આપી)નું 36મું વાર્ષિક અધિવેશન અને સાયન્ટિફિક એસેમ્બલીનું આયોજન કરવામાં આવ્યું છે.

આપીના પ્રેસિડન્ટ ડો. ગૌતમ સમાદરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 2018 આપી અધિવેશન અગ્રણી ફિઝિશિયનો, હેલ્થ પ્રોફેશનલો, એકેડેમિશિયનો, ભારતીય મૂળના વિજ્ઞાનીઓ સાથે આદાનપ્રદાન કરવાની અમૂલ્ય તક આપે છે.
યુનાઇટેડ નેશન્સમાં અમેરિકાનાં રાજદૂત નિક્કી હેલી, અમેરિકાસ્થિત ભારતીય રાજદૂત નવતેજ સરના આ અધિવેશનમાં હાજરી આપશે અને પ્રતિનિધિઓને સંબોધન કરશે તેમ ડો. સમાદરે જણાવ્યું હતું.
આપીનો હેતુ પેશન્ટકેર, ટીચિંગ એન્ડ રિસર્ચ ક્ષેત્રે કાર્યરત ભારતીય અમેરિકન ફિઝિશિયનોને સન્માનિત કરવાનો અને પ્રોફેશનલ-કોમ્યુનિટી અફેર્સમાં તેઓનું જ્ઞાન વહેંચવાનો છે. છેલ્લાં 36 વર્ષથી આપી અધિવેશન દુનિયાના જાણીતા ફિઝિશિયનો સાથે મેડિકલ એજ્યુકેશનના કાર્યક્રમો અને સિમ્પોઝિયમ માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે તેમ અખબારી યાદી જણાવે છે.

વાર્ષિક અધિવેશનનું આયોજન ઓહાયો ચેપ્ટર દ્વારા કરવામાં આવ્યું છે જેનું નેતૃત્વ કન્વેન્શન ચેર ડો. જોહન જોહન્સન દ્વારા કરવામાં આવશે. ડો. જોહન્સન ફિઝિશિયન-બિઝનેસ એક્ઝિક્યુટિવ-પ્રાઇવેટ ઇક્વિટી-વેન્ચર કેપિટલ ઇન્વેસ્ટર, ફિલાન્થ્રોપિસ્ટ છે.

ડો. જોહન્સને જણાવ્યું હતું કે આ વાર્ષિક અધિવેશનને સફળ બનાવવા માટે અમે ભેગા મળીને આકર્ષક કાર્યક્રમો તૈયાર કરી રહ્યા છીએ, જેમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને પારિવારિક મનોરંજનનો સમાવેશ થાય છે.
ફિઝિશિયનો અને હેલ્થકેર પ્રોફેશનલો સમગ્ર અમેરિકામાંથી આ અધિવેશનમાં ઉપસ્થિત રહેશે અને મેડિકલ એડવાન્સના આદાનપ્રદાન, હેલ્થ પોલિસી એજન્ડા વિકસાવવા અને આગામી વર્ષમાં હાથ ધરવામાં આવનારા કાર્યક્રમોને પ્રોત્સાહન આવશે.

આપી અધિવેશનમાં સાયન્ટિફિક પ્રેઝન્ટેશન, પ્રદર્શનો, પ્રોડક્ટ થિયેટર રિપ્રેઝન્ટેશન, અત્યાધુનિક પેશન્ટ કેર, મેડિકલ ટેક્નોલોજી, પ્રેક્ટિકલ મેનેજમેન્ટને લગતા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે.

ચૂંટાયેલા પ્રેસિડન્ટ ડો. નરેશ પરીખે જણાવ્યું હતું કે આપીના સભ્યો મહત્ત્વપૂર્ણ મેડિકલ સ્પેશિયાટિીઝની વિવિધતા રજૂ કરે છે. વિવિધ સ્પોન્સરો ઘણાં સ્પોન્સરશિપ પેકેજોનો લાભ લઈ શકશે. બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના ચેર ડો. અશોક જૈને કહ્યું હતું કે અધિવેશનમાં જાણીતા વક્તાઓની 12 કલાકની સીએમઈ, સીઈઓ ફોરમ, મેન્સ ફોરમ, વીમેન્સ ફોરમ, એન્ટરપ્રીનિયોર ફોરમ, પ્રોડક્ટ થિયેટર્સ વગેરેનો લાભ મળશે.