ઓસ્ટ્રેલિયાના વિજેન્ડી લેગ સ્પિનર શેન વોર્નનું હાર્ટ એટેકથી નિધન 

 

ઓસ્ટ્રેલિયાઃ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર શેન વોર્નનું ૫૨ વર્ષની ઉંમરે હૃદય રોગના હુમલાથી અવસાન થયું છે. વોર્નના ઓચિંતા નિધનના સમાચારથી ક્રિકેટ જગતમાં રીતસરનો સન્નાટો ફેલાઈ ગયો છે અને અસંખ્ય ક્રિકેટ ચાહકોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. વોર્નના મેનેજમેન્ટ સંક્ષિપ્તમાં એક નિવેદન આપી આ માહિતી આપી છે. શેન તેના થાઇલેન્ડ સ્થિત વિલામાં નિંદ્રાધિન અવસ્થામાં મૃત જોવા મળ્યા હતાં અને તબીબો દ્વારા તમામ પ્રયાસો વચ્ચે પણ તેને પુનઃજીવિત કરી શકાયા ન હતા. પરિવારના સભ્યોએ અત્યારના સમયે ગોપનિયતાને ધ્યાનમાં રાખવા વિનંતી કરી છે અને આ અંગે ટૂંક સમયમાં માહિતી પૂરી પાડવાની ખાતરી આપી હતી. 

શેનવોર્નની અણધારી વિદાય બાદ વિશ્વભરના ક્રિકેટરોએ તેમને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી છે. ભૂતપૂર્વ ભારતીય ઓપનર વિરેન્દ્ર સહેવાગે તેની તસવીર શેર કરી સોશિયલ મીડિયા ઉપલ લખ્યું કે વિશ્વાસ થતો નથી. મહાન સ્પિનર્સ પૈકી એક, સ્પિનને કૂલ બનાવનાર સુપરસ્ટાર શેન વોર્ન રહ્યા નથી. તેમના પરિવાર, મિત્રો, વિશ્વભરમાં તેમના ફેન્સ પ્રત્યે સંવેદના પાઠવું છું. પાકિસ્તાનના ખેલાડી શોએબ અખ્તરે લખ્યું કે મહાન સ્પિનર શેન વોર્નના અવસાનના દુઃખદ સમાચાર મળ્યા છે. મારી પાસે કોઇ જ શબ્દ નથી. હું સ્તબ્ધ છું અને દુઃખી છું. તેઓ મહાન વ્યક્તિ અને ક્રિકેટર હતાં. 

શેન વોર્ન વિશ્વના મહાન બોલર પૈકીના એક હતાં, વિક્ટોરિયામાં ૧૩ સપ્ટેમ્બર, ૧૯૬૯ના રોજ જન્મેલા વોર્ન તેમના કરિયરમાં ૧૪૫ ટેસ્ટ, ૧૯૪ વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમ્યા હતાં. તેમણે ટેસ્ટમાં ૭૦૦ અને વનડે ફોર્મેટમાં કુલ ૨૯૩ વિકેટ લીધી હતી. આ ઉપરાંત તેમણે ફ્રસ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ ૧૩૧૯ વિકેટ લીધી હતી. વોર્ને ૧૨ કલાક અગાઉ તેમના અંતિમ ટિવટમાં રોડ માર્શના અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. આ ટિવટમાં લખ્યું હતું કે તેઓ અમારી રમતના મહાન ખેલાડી હતાં. તેમણે અનેક યુવાઓને પ્રેરિત કર્યા હતાં.