ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી અન્થની અલ્બનીઝે ભારતીયોની સુરક્ષાનો ભરોસો આપ્યો

 

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી અન્થની અલ્બનીઝ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં પહેલી ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયા સમિટમાં ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન સંયુક્ત પ્રેસ બ્રિફિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલાનો મુદ્દો ઉઠાવ્યો. તેણે કહ્યું કે મેં ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલાના રિપોર્ટ જોયા છે. મેં આ વાત પ્રધાનમત્રી અલ્બનીઝને કહી અને તેમણે મને ખાતરી આપી કે ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયની સુરક્ષા તેમના માટે પ્રાથમિકતા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારી ટીમો બંને દેશો વચ્ચે આર્થિક સમજૂતી પર કામ કરી રહી છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે હું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આર્થિક સમજૂતી વહેલી તકે પૂર્ણ કરવા માટે સંમત થયા છીએ. મને આશા છે કે વર્ષના અંત સુધીમાં અમે તેને અંતિમ સ્વરૂપ આપીશું.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું અમે આજે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા પર પણ ચર્ચા કરી. બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીમાં સુરક્ષા સહયોગ એક આવશ્યક આધારસ્તંભ છે.

સમિટની શરૂઆત બંને પ્રધાનમંત્રી વચ્ચે દ્વિપક્ષીય બેઠક સાથે થઈ હતી. આ પછી બંને દેશો વચ્ચે ડેલિગેશન સ્તરની વાતચીત થઈ હતી. જેમાં પ્રધાનમંત્રી મોદી ઉપરાંત વિદેશ મંત્રી એસ જયશંકર અને એનએસએ અજીત ડોભાલ પણ ઉપસ્થિત હતા.

સમિટ દરમિયાન બંને દેશોના અધિકારીઓએ એમઓયુની આપલે કરી હતી. આ એમઓયુ રમતગમત, સૌર ટાસ્કફોર્સ અને ઓડિયો-વિઝ્યુઅલ કો પ્રોડક્શન એગ્રીમેન્ટ સાથે સંબંધિત હતા.

રાષ્ટ્રપતિ ભવનમાં અલ્બનીઝને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ કહ્યું હું ઉષ્માભર્યા સ્વાગત માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. ઓસ્ટ્રેલિયા અને ભારત ઘણા સારા મિત્રો છે. અમે ભાગીદાર છીએ અને અમારી ભાગીદારીને દરરોજ વધુ મજબૂત બનાવી રહ્યા છીએ. અમે ભારત સાથે સહયોગ કરવા અને સંસ્કૃતિ, આર્થિક સંબંધો અને સુરક્ષાના ક્ષેત્રમાં સારા સંબંધો બનાવવા માંગીએ છીએ.

ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ કહ્યું ક્રિકેટના મેદાનમાં આપણે વિશ્વના સર્વશ્રેષ્ઠ બનવા માટે સ્પર્ધા કરી રહ્યા છીએ, પરંતુ સાથે મળીને આપણે વિશ્વને વધુ સારૂં બનાવી રહ્યા છીએ.

સમિટ પહેલાં અલ્બનીઝ વિદેશ મંત્રી એસ જયશંકરને પણ મળ્યા. જયશંકરે ટ્વીટ કર્યું કે પ્રધાનમંત્રીની ઓસ્ટ્રેલિયાની મુલાકાત અને આ સમિટ બંને દેશો વચ્ચેના સંબંધોને ઉચ્ચ સ્તરે લઈ જશે.

જ્યારે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અલ્બેનીઝ ભારતના પ્રવાસ માટે પર્થથી ઉડાન ભરવાની તૈયારીમાં હતા. તે જ સમયે એટલે કે ધુળેટીના દિવસે ઓસ્ટ્રેલિયાના પર્થમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના પ્રમુખ વિનોદભાઈ હિરાણી પર અજાણ્યા નંબરથી એક ફોન આવ્યો. વિનોદભાઈ હિરાણીના મતે આ થ્રેટ કોલના નંબરનો કંટ્રી કોડ અમેરિકા હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ ગુરૂપદેશ સિંઘ તરીકે આપી હતી.

ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાન સમર્થકોના નિશાને હિન્દુ મંદિર આવ્યાં હોવાની આ પહેલી ઘટના નથી. છેલ્લા બે મહિનાની અંદર જ ૬થી વધુ વખત હિન્દુ મંદિર પર હુમલો, દીવાલ પર આપત્તિજનક લખાણ અને આસ્થાને ઠેસ પહોંચે તેવી ગતિવિધિ કરવામાં આવી ચૂકી છે. જાન્યુઆરી મહિનાથી શરૂ થયેલો આ ઘટનાક્રમ જાણે કે એક સુવ્યવસ્થિત પ્લાનિંગ મુજબ જ ચાલી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. અઠવાડિયે, ૧૫ દિવસે ઓસ્ટ્રેલિયાના વિવિધ વિસ્તારમાં એવી ઘટનાઓ બની રહી છે, જે ત્યાં રહેતા હિન્દુ સમુદાય માટે ખૂબ ચિંતાજનક મુદ્દો ગણી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here