ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્કના છૂટાછેડા, ૧૯૨ કરોડ વળતર તરીકે આપ્યા

 

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાની ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપ જિતાડી ચૂકેલા ક્રિકેટર માઇકલ ક્લાર્કના લગ્નનાં સાત વર્ષ બાદ પત્ની કાઇલી બોલ્ડીએ છૂટાછેડા લીધા છે. બંનેને ચાર વર્ષની એક પુત્રી પણ છે. ક્લાર્કે કહ્યું હતું કે કેટલાક સમય સુધી સાથે રહ્યા બાદ અમે એક કપલ તરીકે અલગ થવાનો કપરો નિર્ણય લીધો છે. અમે એકબીજાનું સન્માન કરીએ છે અને એ નિર્ણય પર આવ્યા છે કે પુત્રી માતા પાસે રહેશે. ઓસી મીડિયાના કહેવા પ્રમાણે, ક્લાર્કે છૂટાછેડા માટે ૪૦ મિલિયન ડોલર એટલે કે ૧૯૨ કરોડ રૂપિયા તેને વળતર ચૂકવ્યું છે. ૨૦૧૮માં એવા મીડિયા અહેવાલો વહેતા થયા હતા કે ક્લાર્કનું પોતાની આસિસ્ટન્ટ સાથે અફેર ચાલી રહ્યું છે, જેનું નામ સાશા આર્મસ્ટ્રોંગ છે, જે ક્લાર્કની ક્રિકેટ એકેડેમીના વહીવટ પર દેખરેખ રાખે છે. આ બંનેની કેટલીક તસવીરો પણ લીક થઈ હતી, જેમાં ક્લાર્ક અને સાશા એક યાચ પર જોવા મળ્યાં હતાં. આ અફેરના કારણે જ ક્લાર્કે છૂટાછેડા લીધા હોવાની આશંકા છે. ૨૦૧૫માં ક્લાર્કની કેપ્ટનશિપ હેઠળ ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ જીત્યો હતો.