ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી ભયંકર  – ભીષણ આગ સતત રાક્ષસી રૂપ ધરી રહી છે..હજી સુધી આગ પર અંકુશ મેળવી શકાયો નથી.. કુદરતનું રૌદ્ર સ્વરૂપ પ્રગટ થયું છે…!!!!!!!!

0
1979

 

 

       ઓસ્ટ્રેલિયાના જંગલોમાં દાવાનળ ફાટી નીકળ્યો છે..છેલ્લા ઘણા સમયથી આગને બુઝાવવા માટે સતત રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોવા છતાં હજી સુધી આગ પર અંકુશ મેળવી શકાયો નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા 4 મહિનાથી લાગેલી આ આગ સતત વધતી જ રહી છે. આધારભૂત માહિતી સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉપરોક્ત આગમાં ઓછામાં ઓછા આસરે 50 કરોડ પશુ- પક્ષીઓ બળીને ભસ્મીભૂત થયા હોવાનો અંદાજ છે. આગની સૌથી વધુ અસર કોઆલા પ્રજાતિના પશુઓ પર થઈ હોવાનું મનાય છે.  

   ઓસ્ટ્રલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને જંગલોમાં લાગેલી ભયાનક આગને લીધે પોતાના ઘર, મકાન અને રોજી- રોટી ગુમાવનારા લોકોને સહાય કરવા, રાહત પહોંચાડવા માટે આશરે બે અબજ ઓસ્ટ્રેલિયન ડોલરનો ખર્ચ કરવાની જાહેરાત કરી દીધી છે.આ નાણાં નેશનલ બુશફાયર રિકવરી એજન્સીના માધ્યમથી ખર્ચ કરવામાં આવશે.  

     ગત વરસ 2019ના 5 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી-2020 સુધીના સમયગાળા દરમિયાન આગની પરિસ્થિત અતિ વિકટ બની હતી. કહેવાય છેકે, આગને કારણે ઓસ્ટ્રેલિયામાં અંદાજે 6 મિલિયન હેકટર જમીન સાવ ઉજ્જજડ બની ગઈ છે. કુદરતનો કોપ કેટલો ભયંકર અને અસહ્ય હોઈ શકે તેનો આ સચોટ પુરાવો છે.

 પરમેશ્વરે રચેલી આ સૃષ્ટિના  સંચાલનના આગવા નીતિ- નિયમો હોય છે. જળ, હવા, સમુદ્ર, વનસ્પતિ, જંગલો, પહાડો, નદીઓ, વરસાદ, ઠંડી, ગરમી, ખીણો, સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, ઉપગ્રહો- ઋતુઓ, સમસ્ત બ્રહ્માંડ તેમજ એ તમામની ગતિવિધિનું સંચાલન માનવસર્જિત નથી, કદાપિ ના હોઈ શકે. એની રચના અનૈે સંચાલનના માળખામાં હસ્તક્ષેપ થાય એ કુદરત હરગિઝ નહિ સાંખે. એને  આપણે ગમે તે નામ આપીએ- ગ્લોબલ વોર્મિંગ શું છે? કુદરતની માનવ દ્વારા ખોરવવામાં આવેલી સમતુલનનું દુષ્પરિણામ…વિજ્ઞાનના જ્ઞાનનો વિનિયોગ કરવામાં લક્ષ્મણ-રેખાનું જયારે જયારે ઉલ્લંઘન થતું રહેશે ત્યારે ત્યારે રાવણ વિનાશનું રૂપ ધરીને આવતો રહેશે…..

    ઓસ્ટ્રિલયાના જંગલમાં લાગેલી આગ એ પૃથ્વી પર શ્વાસ લેતી સમસ્ત માનવ જાતિને પડકારી રહી છે…