ઓલિમ્પિકમાં હોકીમાં દેશભક્તિની ગાથા વર્ણવતી ફિલ્મ ‘ગોલ્ડ’

ભારતના 72મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે રજૂ થયેલી ફિલ્મ ‘ગોલ્ડ’ દેશ પર ગૌરવ કરવાની તક આપે છે. એક્સેલ એન્ટરટેઇનમેન્ટ દ્વારા નિર્મિત અને રીમા કાગતી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં અક્ષય કુમાર, મૌની રોય, અમિત સાધ, કુણાલ કપૂર જેવા કલાકારો છે. ‘ચક દે ઇન્ડિયા’ અને ‘સૂરમા’ પછી ‘ગોલ્ડ’ ફિલ્મ હોકીના ગ્રાઉન્ડની વાર્તા કહે છે. 1948 અગાઉ ખેલઇતિહાસમાં ભારતની ટીમ બ્રિટિશ ઇન્ડિયાના નામથી ભાગ લેતી હતી અને જ્યારે જીતે ત્યારે અંગ્રેજોનો ધ્વજ ફરકાવાતો હતો. જોકે આ ફિલ્મ 1948ના લંડન ઓલિમ્પિકમાં ભારતીય ટીમ દ્વારા અંગ્રેજોને તેમની જ ભૂમિ ઉપર હરાવવાની વાર્તા છે, જ્યારે પ્રથમ વાર આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતે તિરંગો લહેરાવ્યો હતો.
ફિલ્મ તપન દાસ (અક્ષય કુમાર) અને 1936માં બર્લિન-જર્મની ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય હોકી ટીમની સાથે શરૂ થાય છે. ભારતીયો જીતે છે અને મેદાનમાં બ્રિટનનો ધ્વજ લહેરાય છે. હવે તેમનું સપનું છે કે ભારત જીતે તો ભારતના ધ્વજને સલામી મળવી જોઈએ. તપન આ ટીમનો જુનિયર મેનેજર છે. 1940 અને 1944ના ઓલિમ્પિક વર્લ્ડ વોરના કારણે રદ થઈ જાય છે. 1946માં નક્કી થાય છે કે 1948માં ઓલિમ્પિક થશે અને તપન દાસ ફરીથી હોકી એસોસિયેશન સાથે જોડાઇને ટીમ તૈયાર કરે છે. ટીમ બને છે ત્યારે દેશના ભાગલા થાય છે અને અડધા ખેલાડી પાકિસ્તાન જતા રહે છે.
હવે ખૂબ જ ઓછા સમયમાં ટીમ ફરીથી બનશે અને આઝાદ ભારત માટે ગોલ્ડ જીતવાનું સપનું સાચું પડશે? આ ફિલ્મની વાર્તા છે.
રીમા કાગતીએ ટીમ સાથે ફિ્લ્મની સ્ટોરી લખી છે. સમગ્ર ફિલ્મ અક્ષય કુમાર પર કેન્દ્રિત થયેલી છે. એક રજવાડાના હોકી રમનારા રાજકુમારની ભૂમિકા અમિત સાધ અને ધ્યાનચંદની ભૂમિકા કુણાલ કપૂરે નિભાવી છે. તપનની પત્નીની ભૂમિકામાં ટીવી સિરિયલ ‘નાગીન’ની અભિનેત્રી મૌની રોય પદાર્પણ કરી રહી છે.
ડિરેક્ટરે 1940ના દાયકાને દર્શાવવા માટે તે સમયની વેશભૂષાની મદદ લીધી છે. હોકીનાં સહજ દશ્યો છે અને ભાવનાઓ સાથે વ્યક્ત કરવામાં આવ્યા છે. ‘ગોલ્ડ’ અક્ષય કુમારની દેશભક્તિ બ્રાન્ડ ધરાવતી ફિલ્મ છે.