ઓલપાડના સેતુલ ગામમાં મહાદેવને ઘીનું કમળ ચઢાવાયું

 

ઓલપાડ: ઓલપાડના દરિયાઈ કાંઠાના સેલુત ગામે અનંત ચૌદસ દિને વર્ષોથી ચાલી આવેલ પરંપરા આજે પણ જાળવી રાખતા આ પરાંપરા અકબંધ રહેવા પામી છે. આ પરાંપરા મુજબ અનંત ચૌદશના દિને ગ્રામજનો વહેલી સવારે ગામના કામેશ્ર્વર મહાદેવજીના મંદિરે ભેગા થયા હતા અને નવચંડી યજ્ઞ કરી શિવજીને ઘીનું કમળ ચઢાવી મંદિરની બાજુમાં આવેલ કૂવાની પૂજા-અર્ચના કરી હતી.

હિન્દુ શાસ્ત્રની પરંપરા મુજબ મહાદેવજીને શિવરાત્રીના દિવસે શિવાલયોમાં ઘી ના કમળનું નૈવેદ્ય ચઢાવી પૂજા-અર્ચના કરવામાં આવે છે. પરંતુ ઓલપાડ તાલુકાના સેલુત ગામના લોકો શિવરાત્રીના બદલે અનંત ચૌદશના દિવસ જ ગામના કામેશ્ર્વર મહાદેવના મંદિરે શિવજીને ઘી નું કમળ ચઢાવે છે. શિવજીના શ્રદ્ધાળું ગ્રામજનોના કહેવા મુજબ અમારા બાપદાદાઓ કહી ગયા હતા કે, આપણા ગામના કામેશ્ર્વર મહાદેવજીના મંદિરની બાજુમાં માતાજીનો કૂવો છે એ કૂવોમાંથી અનંત ચૌદશના દિવસે કૂવાનું પાણી શિવલિંગ ઉપર પડતું હતું અને તે સમયે પ્રસાદી‚પે કૂવામાંથી મિઠાઈની ટોપલીઓ પણ નીકળતી હતી.

જેથી અમારા બાપદાદાઓ વર્ષોથી અનંત ચૌદશના દિને કામેશ્ર્વર મહાદેવના મંદિરે વહેલી સવારથી નવ ચંડી યજ્ઞ કરી શિવજીને ઘી નું કમળ ચઢાવી પૂજા-અર્ચના કરતા આવ્યા છે. જયારે અમારા ગામના કામેશ્ર્વર મહાદેવજીને શિવરાત્રીના દિવસે ઘી નું કમળ ચઢાવવાના બદલે અનંત ચૌદશના દિને જ ઘી નું કમળ ચઢાવે છે. જેથી લોકવાયકા અને અમારા બાપદાદાઓએ અમોને વર્ષોથી આપી ગયેલ આ વારસો આજે પણ અમોએ જાળવી રાખ્યો છે.

જેથી આજે અનંત ચૌદશના દિને ગામની પરાંપરા મુજબ અમો ગ્રામજનો વહેલી સવારથી કામેશ્ર્વર મહાદેજીના મંદિરે એકત્ર થઈ નવચંડી યજ્ઞ કર્યો હતો અને મંદિરની બાજુમાં આવેલ કૂવાની પૂજા-અર્ચના કરી શિવજીને ઘી નું કમળ ચઢાવી મહાદેવજીના દર્શનનો લ્હાવો લીધો હતો. આ પ્રસંગે સેતુલ ગામ તથા આજુબાજુના ગામોના લોકો એકત્રીત થઈ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક દેવાધીદેવ મહાદેવની પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ સૌ સાથે મળી મહાપ્રસાદ લીધો હતો. અને આગામી વર્ષોમાં પણ આ પરંપરા જાળવી રાખવાનો નિર્ધાર પણ કર્યો હતો