
કર્ણાટક વિધાનસભાની ચૂંટણી 12મી મેના થઈ રહી છે. 12મી મેના કર્ણાટક વિધાનસભાની 224 બેઠકો માટે મતદાન થશે અને 15મી મેના દિવસે ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. કર્ણાટકની ચૂંટણીએ આ વખતે સમગ્રદેશના રાજકીય માહોલમાં ઉશ્કેરાટ અને ગરમાવો પેદા કરી દીધો છે. ચૂંટણી પ્રચાર ચરમ સીમાએ છે. ચૂંટણીમાં ભાગ લઈ રહેલો દરેક રાજકીય પક્ષ જાતજાતના પ્રલોભનો મતદારોને આપે છે. પ્રવચનોમાં રાજકીય નેતાઓ એકમેક પર આક્ષેપબાજી કરી રહ્યા છે. વાતાવરણમાં તનાવનો રંગ છે. આ પરિસ્થિતિમાં હવે ચૂંટણીના પરિણામો અંગેના સર્વેક્ષણો જાહેર થઈ રહ્યા છે.ભાજપ કે કોંગ્રેસ કયો રાજકીય પક્ષ વિજયની વરમાળા પહેરશે એ અંગે અટકળોનું બજાર ગરમ છે ત્યારે સર્વે અનુસાર, કોંગ્રેસને 97 બેઠકો, ભાજપને 84 બેઠકો જેડી (એસ) ને 37 બેઠકો તેમજ અન્યોને 4 બેઠક મળે એવી સંભાવના છે. સર્વેમાં સિધ્ધરામૈયાે રાજ્યના વિકાસ માટે નોંધપાત્ર કામગીરી બજાવી હોવાનો મત મોટાભાગના લોકોએ વ્યક્ત કર્યો હતો.
સમાચાર ચેનલે કરેલા સર્વેક્ષણ પ્રમાણે, કોંગ્રેસને 92 થી 102 બેઠકો, ભાજપને 79થી 89 બેઠકો અને જનતાદળ ( સેકયુલર)ને 32થી 42 બેઠકો મળી શકશે . જનતાદળ કિંગમેકરની ભૂમિકા ભજવશે. 224 સભ્યોની કર્ણાટક વિધાનસભામાં સરકાર રચવા માટે કોઈ પણ રાજરકીય પક્ષ પાસે ઓછામાં ઓછી 113 બેઠકો હોવી જરૂરી છે. કોંગ્રેસ અને જનતા દળ અથવા ભાજપ અને જનતાદળની સંયુક્ત સરકાર રચાય એવી સંભાવના રાખવામાં આવી રહી છે.