ઓપરેશન કાવેરીઃ ગુજરાતના 56 લોકો વતન પહોંચ્યા

અમદાવાદ: સુદાનમાં ફાટી નીકળેલા આંતરિક યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી ‘ઓપરેશન કાવેરી’ અંતર્ગત સુદાનથી ૫૬ ગુજરાતીઓ અમદાવાદ લાવવામાં આવ્યા હતા. ગુજરાત સરકાર સતત વિદેશ મંત્રાલય સાથે સંપર્કમાં રહીને તમામ ગુજરાતીઓની માહિતી તેમને પહોંચાડી રહી છે. અમદાવાદ ખાતે તેમનું સ્વાગત કરતા ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષભાઈ સંઘવીએ કહ્યું હતું કે, સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે ત્યાં વસેલા વિશ્વભરના નાગરિકો ફસાયા છે.
કેન્દ્ર સરકારે રેસ્ક્યુની યોજના તેમજ પ્રધાનો અને અધિકારીઓની એક ટીમ બનાવીને એરફોર્સ, લશ્કરી દળ સાથે મળીને સુદાનમાં ફસાયેલ નાગરીકોને સ્વદેશ પરત લાવવા માટે ઓપરેશન ‘કાવેરી’ શરૂ કર્યુ છે. ‘ઓપરેશન કાવેરી’ અંતર્ગત ગુજરાતના ૫૬ લોકોને જેદ્દાહથી મુબંઇ ખાતે ખાસ ઇવેક્યુએશન ફલાઇટ્સ સી-૧૭ થી ભારત લાવવામાં આવ્યા હતા.
આ ગુજરાતીઓને રાજ્યના અધિકારીઓ દ્વારા મુબંઇ ખાતે રિસિવ કરવામાં આવ્યા હતા. આ ૫૬ ગુજરાતીઓ પૈકી ૧૨ લોકોએ પોતાની આગવી સુવિધા કરેલી હોવાથી બાકીના ૪૪ ગુજરાતીઓને મુંબઇથી અમદાવાદ ખાતે વોલ્વો બસ દ્વારા લાવવામાં આવ્યાં હતાં. સંઘવીએ વધુમાં કહ્યું હતું કે, મુંબઈથી અમદાવાદ લાવ્યા બાદ રાજકોટ જિલ્લાના ૩૯, ગાંધીનગર જિલ્લાના ૯, આણંદ જીલ્લાના ૩ તથા વડોદરા જીલ્લાના ૫ ગુજરાતીઓને પોતાના વતનમાં પરત રવાના કરવાની વ્યવસ્થા પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. ‘ઓપરેશન કાવેરી’ અંતર્ગત ગુજરાત સરકાર સતત વિદેશ મંત્રાલય સાથે સંપર્કમાં રહીને તમામ ગુજરાતીઓની માહિતી તેમને પહોંચાડી રહી છે. રાજ્ય સરકારે પણ ગુજરાતીઓની યાદી બનાવીને વિદેશ મંત્રાલયને મોકલી આપી છે. જો હજુ કોઈપણ ગુજરાતીઓ આવવાના બાકી હશે તેમને પણ સહી સલામત ગુજરાતમાં લાવવાની કામગીરી કરવામાં આવશે અને ફ્લાઇટ કે અન્ય ટ્રાન્સપોર્ટેશન દ્વારા તેમના ઘર સુધી તેઓને પહોંચાડવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here