‘ઓક્સિજનના અભાવે મોત’ પર કેન્દ્ર સરકાર મુંઝવણમાં

 

નવી દિલ્હીઃ કોરોનાની બીજી લહેરમાં જીવનરક્ષક ઓક્સિજનની અછતથી કોઇ મોત થયું નથી તેવા મોદી સરકારના દાવા બાદ આ મુદ્દે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વિપક્ષી નેતાઓએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. સરકારના દાવાથી મચેલા રાજકીય ઘમાસાણ વચ્ચે સત્તારૂઢ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પલટવાર કરતાં કહ્યું હતું કે, કોઇપણ રાજ્ય તરફથી ઓક્સિજનની અછતના કારણે મોતના આંકડા અપાયા નથી, તો બોલો શું કરીએ. 

કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ બુધવારે એવો આરોપ મૂક્યો હતો કે મહામારીના ગાળામાં જ મોદી સરકારે ઓક્સિજનની નિકાસ વધારી નાખી હતી. એટલું જ નહીં, પરંતુ જીવનરક્ષક વાયુનું પરિવહન કરનારા ટેન્કરોની વ્યવસ્થા સરકારે નહોતી કરી તેવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. 

શિવસેના નેતા સંજય રાઉતે ખતરનાક પ્રહારો કરતાં કહ્યું હતું કે, ખોટું બોલવા બદલ કેન્દ્રની સરકાર સામે કેસ થવો જોઇએ. ઓક્સિજનની અછતના કારણે જીવ ખોનાર દર્દીઓના પરિવારોને સરકારના દાવાથી કેટલો બધો આઘાત લાગ્યો હશે તેવા પ્રહાર સંજય રાઉતે કર્યા હતા. 

આમઆદમી પાર્ટીએ પણ ‘મોદીરાજ’ પર સટિક નિશાન સાધ્યું છે. દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને દિલ્હી તેમજ દેશના અનેક ભાગોમાં ઓક્સિજનના અભાવે દર્દીઓએ જીવ ખોયા છે. આવા મૃતકોના પરિવારોને પાંચ-પાંચ લાખ રૂપિયા વળતર આપવા માટે અમારી સરકારે એક ખાસ સમિતિ રચી હતી, પરંતુ ઉપરાજ્યપાલે તે સમિતિ ભંગ કરી નાખી તેવો આક્ષેપ જૈને કર્યો હતો. રાજદ નેતા તેજસ્વી યાદવે ટિવટ કરીને ઘાતક પ્રહાર કરતાં એવો કટાક્ષ કર્યો હતો કે ‘ઠીક બા, મતલબ બધાએ આત્મહત્યા કરી હતી.’ 

દરમ્યાન, ભાજપ નેતા સંબિતપાત્રાએ ઓક્સિજનના અભાવે મોતના મામલે રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, સંજય રાઉત સહિત નેતાઓ પર આરોપ મૂકતાં કહ્યું હતું કે, રસી હોય કે મહામારી, ખોટું અને ભ્રમ ફેલાવવા આ નેતાઓની આદત છે.  

દિલ્હીનાં ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આ મુદ્દે સરકાર ઉપર ગંભીર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, ઓક્સિજનનાં પ્રબંધનમાં પોતાની ભૂલ છૂપાવવાનાં પ્રયાસ સરકાર કરી રહી છે. જો દિલ્હીની સરકારે સમિતિની મંજૂરી મળે તો ઓક્સિજન સંકટનાં કારણે થયેલા મૃત્યુઓની પણ તપાસ કરાવવામાં આવશે. સત્યેન્દ્ર જૈને કહ્યું હતું કે, જો ઓક્સિજનની કોઈ તંગી ન હતી તો લોકો હોસ્પિટલે શા માટે દોડી ગયા હતાં? હોસ્પિટલો અને મીડિયા દ્વારા રોજ ઓક્સિજનની તંગીનો મુદ્દો ઉઠાવવામાં આવતો હતો. એટલે કે ઓક્સિજનની અછતનાં કારણે મૃત્યુ ન થયા હોવાની વાત સદંતર ખોટી છે.  (ગુજરાત ટાઇમ્સ સંકલન)

ઓક્સિજનની કમીથી કોઇ મોત નહીં! :ચાર રાજ્યોનોય દાવો

નવી દિલ્હીઃ કોરોનાની બીજી લહેર વખતે દેશમાં ઓક્સિજનની કમીને લીધે મોટા પાયે મૃત્યુ થયા હતા પણ કેન્દ્ર સરકારે સંસદમાં એવો દાવો કરી નાખ્યો કે ઓક્સિજનની કમીથી કોઈ મૃત્યુ નોંધાયું નથી અને હવે ગુજરાત, મધ્યપ્રદેશ, બિહાર અને તામિલનાડુએ પણ આવો જ દાવો કર્યો છે કે તેમના રાજ્યમાં ઓક્સિજનની તંગીને લીધે કોઈનો જીવ ગયો નથી! બિહારના સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડેએ દાવો કર્યો હતો કે બીજી લહેર દરમ્યાન દબાણ હોવા છતાં અમે સારી વ્યવસ્થા ગોઠવી હતી. અમને  કેન્દ્રનો સારો સહયોગ મળ્યો હતો.  મધ્યપ્રદેશના મેડિકલ શિક્ષણ મંત્રી વિશ્વાસ સારંગે દાવો કર્યો હતો કે તેમના રાજ્યમાં ઓક્સિજનની કમીને લીધે કોઈનું મોત થયું નથી. એ જ રીતે તામિલનાડુના સ્વાસ્થ્ય સચિવ જે. રાધાકૃષ્ણે જણાવ્યું હતું કે રાજ્યમાં ઓક્સિજનની કમીને લીધે કોઈ મૃત્યુ થયું નથી. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here