ઓકટોબર સુધીમાં ભારતમાં જ ઉપલબ્ધ થશે કોવિડ-૧૯ વિરોધી રસી કોરોનાના તાંડવ વચ્ચે આવ્યા રાહતના સમાચાર

 

નવી દિલ્હીઃ કોરોનાના દર્દીઓની વધતી સંખ્યાથી પરેશાન લોકો માટે એક રાહતના સમાચાર છે. પૂણેસ્થિત વેકસીન બનાવતી સીરમ ઇનિ્સ્ટટ્યૂટ ઓફ ઇન્ડિયાએ જણાવ્યું છે કે ઓકટોબર સુધીમાં કોવિડ-૧૯ની વેકસીન ભારતમાં ઉપલબ્ધ થઈ શકે છે. સીરમ ઇનિ્સ્ટટ્યૂટ જે વેકસીન બનાવશે તેને ઓકસફર્ડ યુનિ.એ તૈયાર કરેલ છે. 

ઓકસફર્ડની વેકસીનનું માનવ પરિક્ષણ થવાનું બાકી છે. માનવ પરીક્ષણ સફળ રહે તો સીરમ ઇનિ્સ્ટટ્યૂટ ઘરેલું બજારમાં આ વેકસીન ઉપલબ્ધ કરાવશે. સરકારની અનુમતિથી કંપની ટૂંક સમયમાં ભારતમા આ વેકસીનનું માનવ પરિક્ષણ કરશે. આ વેકસીન એક ડોઝના રૂપિયા ૧૦૦૦ લેખે મળે તેવી તૈયારી કરવામાં આવી રહી છે. સૌને પરવડે તેવી ન્યુમોનિયા અને ડેંગ્યુની વેકસીન પણ આ કંપનીએ બનાવેલ છે.  

સીરમ ઇનિ્સ્ટટ્યૂટના મુખ્ય અધિકારી અદાર પુનાવાલાએ આની પુષ્ટી કરી છે. તેમણે કહ્યું છે કે જો બધું ઠીકઠાક રહ્યું તો આવતા બે ત્રણ સપ્તાહમાં અમે કોરોના વિરોધી વેકસીનનું ઉત્પાદન શરૂ કરી દેશું. કંપની પૂણેસ્થિત પોતાની વર્તમાન સુવિધાનો જ ઉપયોગ વેકસીન બનાવવા માટે કરશે. તેમણે કહ્યું હતું કે સમયની માગ છે કે જેટલી બને તેટલી આ વેકસીન બજારમાં આવે. ઓકસફર્ડ યુનિ.એ વેકસીન તૈયાર કરવા માટે વિશ્વની ૭ કંપનીઓ સાથે હાથ મિલાવ્યા છે, સીરમ તેમાંની એક છે. મેલેરીયા વિરોધી વેકસીન બનાવવા માટે કંપનીએ અગાઉ ઓકસફર્ડ સાથે કામ કર્યું છે. પુનાવાલાએ જણાવ્યું છે કે પરિક્ષણ સફળ રહ્યું તો શરૂઆતમાં અમે દર મહિને ૫૦ લાખ વેકસીન બનાવશું. અમે ઘર આંગણાની જરૂરિયાત પુરી કરીશું એટલું જ નહિ નિકાસ પણ કરીશું. અત્રે નોંધનીય છે કે કોરોનાને હંફાવવા અમેરિકા, જાપાન, બ્રિટન, ઈઝરાયેલ અને ચીન વગેરે દેશોની પંગતમાં ભારત પણ ઉભું છે અને વેકસીન બનાવવા તૈયારી કરી રહ્યું છે. તેમણે ઉમેર્યુ હતું કે કોવિડ રસી સપ્ટેમ્બર-ઓકટોબરમાં બજારમાં આવે તેવી શકયતા છે. અમે આ વેકસીનનુ પેટન્ટ નહિ કરાવીએ અને વિશ્વભરમાં તેને વેચશું