ઓએફબીજેપી દ્વારા ડો. વલ્લભ કથીરિયાનું બે એરિયામાં ભવ્ય સન્માન કરાયું

ફ્રીમોન્ટઃ કેલિફોર્નિયાના બે એરિયામાં મિલપિટાસ શહેરમાં ઓફબીજેપી સેન્ટર દ્વારા ગુજરાત સરકારના ગૌસેવા અને ગોચર વિકાસ બોર્ડના ચેરમેન અને રાજકોટમાં કેન્સરના સર્જન ડો. વલ્લભ કથીરિયાનું સન્માન કરાયું હતું. શરૂઆતમાં સંસ્થાના બે એરિયાના મુખ્ય કન્વીનર ચંદુભાઈએ સૌનું સ્વાગત કર્યું હતું. બે એરિયાના સુરેશભાઈ કે. પટેલે ડો. વલ્લભ કથીરિયાનો પરિચય કરાવ્યો હતો. ચંદુભાઈ અને સુરેશભાઈએ ડો. કથીરિયાનું ફૂલહારથી સન્માન કર્યું હતું. બે એરિયામાં સૌના જાણીતા અને જાહ્નવી એન્ટરપ્રાઇઝવાળાં જાગૃતિ શાહ દ્વારા અને બે એરિયાનાં કોમ્યુનિટી એમ્બેસેડર પ્રજ્ઞા દાદભાવાળાએ, પ્રેસ રિપોર્ટર સી. બી. પટેલે તેમનું પુષ્પગુચ્છથી સન્માન કર્યું હતું. ડો. કથીરિયા ભારત સરકારમાં રાજકોટથી ચાર વાર સાંસદ તરીકે ચૂંટાયા હતા. કેશુભાઈની સરકાર વખતે તેમણે સૌરાષ્ટ્રની પાયાની જળસમસ્યા માટે ચેકડેમો બનાવી ચેકડેમ સાંસદ તરીકે ઓળખાયા હતા. ગૌસેવા અને ગોચર વિકાસ બોર્ડના ચેરમેન તરીકે તેમણે ગૌસેવાને જીવનમંત્ર બનાવ્યો હતો.
(માહિતી અને ફોટોસૌજન્યઃ સી. બી. પટેલ, ફ્રીમોન્ટ)