ઐસા ભી હોતા હૈ!

થોડા દિવસ પહેલાં મારે ગ્રામવિસ્તારની એક શાળાના વાર્ષિક દિન નિમિત્તિ પ્રવચન કરવા જવાનું થયું. શાળાના આચાર્ય મારા જૂના મિત્ર છે. આવતે વરસે નિવૃત્ત થવાના છે. પોતાની નોકરીના છેલ્લા વાર્ષિક દિને શાળાનાં બાળકોને મારો લાભ (અથવા ગેરલાભ) મળે એ હેતુથી તેઓએ મારું પ્રવચન ગોઠવ્યું. ‘જીવનમાં ચોકસાઈ અને વ્યવસ્થાનું મહત્ત્વ’ એ વિશે ભાષણ કરી મારે બાળકોને ‘બોર’ કરવાં એવી એમની અપેક્ષા હતી. આમ તો ભાગ્યે જ કોઈ વક્તા દયાળુ હોય છે. શ્રોતાઓની દયા ખાઈને પ્રવચન કરવાનું માંડી વાળે એવો કરુણાસાગર વક્તા પૃથ્વીના રસપાટલે હજી જન્મ્યો નથી ને જન્મે એવો સંભવ નથી. છતાં, મેં મિત્રને કહ્યું, ‘તમે એક તદ્દન અચોક્કસ અને તદ્દન અવ્યવસ્થિત માણસને ‘જીવનમાં ચોકસાઈ અને વ્યવસ્થાનું મહત્ત્વ’ એ વિશે બોલવાનું નિમંત્રણ આપી રહ્યા છો.’
‘હું સમજીને નિમંત્રણ આપી રહ્યો છું. મેં જોયું છે કે જે ગુણો પોતાના જીવનમાં ન હોય એ વિશે માણસો વધુ અસરકારક રીતે બોલી શકે છે!’
જે દિવસે પ્રવચન કરવા જવાનું હતું તે દિવસે સવારના દસ-સાડા-દસે એક બીજા મિત્રને ત્યાં ગયો. એ મિત્ર પાસેથી જ્ઞાનવિજ્ઞાનના એક મેગેઝિનની ત્રણ ફાઈલો પ્રવચન-સ્થળે મારે લઈ જવાની હતી. મિત્ર એ શાળાને એ ફાઈલો ભેટ આપવા ઇચ્છતા હતા. આ મિત્ર મને એક પુસ્તક પણ આપવા ઇચ્છતા હતા. પુસ્તક એમની સ્કૂટરની ડીકીમાં હતું. મિત્ર દાઢી કરવાના નિત્યકર્મમાં રોકાયેલા હતા એટલે એમણે મને સ્કૂટરની ચાવી આપી. મેં સ્કૂટરની ડીકી ખોલીને પુસ્તક કાઢ્યું અને ફાઈલોવાળી થેલીમાં મૂક્યું.
‘જીવનમાં ચોકસાઈ અને વ્યવસ્થાનું મહત્ત્વ’ એ વિશે મેં મનનીય પ્રવચન આપ્યું. મારા કથનના ટેકામાં મેં અનેક લેખકો અને મહાપુરુષોનાં પુસ્તકોમાંથી અવતરણો રજૂ કર્યાં. અવતરણોના એક પુસ્તકમાંથી ‘રેડીમેઇડ’ અવતરણો જ મેં રજૂ કર્યાં હતાં; પણ, પુસ્તકોનાં નામ અને કેટલાંક પુસ્તકોનાં પાનાં નંબર સહિત મેં અવતરણો રજૂ કર્યાં. આ કારણે મારું વાચન ઘણું વિશાળ છે એવી છાપ પણ પડી, જે દૂર કરવાનો મેં પ્રયત્ન ન કર્યો. આ બધાં પુસ્તકો વાંચવાની વાત તો દૂર રહી, એ પુસ્તકો મેં જોયાં પણ નથી છતાં, ભલે ગેરસમજથી પણ મારી સારી છાપ કોઈ પર પડતી હોય તો પડવા દેવી એવો મારો હંમેશનો અભિગમ રહ્યો છે! આચાર્ય મિત્ર પ્રસન્ન થયા. મોડી સાંજે મને વિદાય આપી. મારા સ્વાગતમાં શાળા તરફથી આપેલું દળદાર પુસ્તક લઈ જવામાં અનુકૂળતા રહે એટલા માટે એમણે કહ્યું, ‘તમે આ થેલી પાછી લઈ જાવ. હું ફાઈલો કાઢી લઉ છું.’ આમ કહીને એમણે ફાઈલો કાઢી… અને ટેબલ પરના કાચનો ખડિંગ જેવો (અથવા જેવો કહેવાતો હોય તેવો) અવાજ થયો. કી-ચેઇનમાં નાખેલી સ્કૂટરની બે ચાવી ટેબલ સાથે અથડાઈ હતી. મિત્ર ચમક્યા. હું વિશેષ ચમક્યો. ફાઈલોવાળા મિત્રના સ્કૂટરની ડીકીમાંથી પુસ્તક કાઢી, ડીકી બંધ કરી, પુસ્તક સાથે સ્કૂટરની ચાવી પણ મેં થેલીમાં નાખી દીધી હતી! એકદમ મને ચાવીના માલિકની ચિંતા થઈ. મેં તરત જ ફોન જોડ્યો. સ્કૂટરની ચાવી મારી પાસે છે એવી માહિતી આપી અને ચિંતા ન કરવાની સલાહ આપી.
‘ચાવી ન જડી, એટલે ચિંતા જેટલી કરવાની થઈ એટલી કરી લીધી, પણ અત્યારે નવી ચિંતા ચાલે છે’ મિત્રે કહ્યું.
‘લોક કરેલું સ્કૂટર કોઈ ઉપાડી ગયું?’
‘ના, એવું તો નથી થયું, પણ સ્કૂટરનું લોક ખૂૂલે એનો ટ્રાય કરવા પડોશી પાસેથી એમના સ્કૂટરની ચાવી લઈ આવ્યો. ચાવી લાગી ગઈ, સ્કૂટર ખૂલી પણ ગયું… પરંતુ…’
‘પરંતુ શું?’
‘હવે પડોશીના સ્કૂટરની ચાવી જડતી નથી.’ મિત્રે લગભગ રડવા જેવા અવાજે કહ્યું. મને થયુંઃ મને પણ હરાવી દે એવા લોકો છે આ જગતમાં!
મોડી સાંજે હું પાછો ફરતો હતો ત્યારે રસ્તામાં મને ચુમ્માળીસ વરસ પહેલાંનો એક કિસ્સો યાદ આવી ગયો. આ કિસ્સો બિલકુલ સાચો છે આવી સ્પષ્ટતા એટલા માટે કરવી પડે છે કે હાસ્યલેખોમાં લખાયેલું સાચું હોય તો પણ ગપ્પાં માની લેવામાં આવે છે આથી ઊલટું પણ કેટલીક વાર બને છે મજાકમાં લખ્યું હોય તે સાચું માની લેવામાં આવે છે!
મારા લેખોમાં મારા વિશે જે લખું છું તેના પરથી હું સાવ બાઘો છું એવી છાપ વાચકોમાં પ્રવર્તે છે. આ છાપ તદ્દન ખોટી છે એવું મારું કહેવાનું નથી, પણ ધારવામાં આવે છે એટલો બાઘો હું નથી, પણ એ વાત જવા દો, પણ હું જે કિસ્સો કહી રહ્યો છું તે તદ્દન તદ્દન સાચો છે
ઈ. સ. 1959ની એક વહેલી સવારે હું મારા વતન સાવરકુંડલાથી જૂનાગઢ જઈ રહ્યો હતો. એ સમયે જૂનાગઢ જવા માટે સાવરકુંડલાથી ચલાલા સુધી બસમાં અને ચલાલાથી પછી ટ્રેનમાં – એમ જવાતું હતું. ટ્રેનની આખા દિવસની મુસાફરી; એટલે, રસ્તામાં ખાવા માટે થેપલાં અને અથાણું લીધાં હતાં. ભાતાનો ડબ્બો એક થેલીમાં મૂક્યો હતો, બે જોડી કપડાંની એક જુદી થેલી હતી. હું પ્રાથમિક શિક્ષક હતો, એમાંથી ભારત સરકારના તારટપાલ ખાતાના કારકુનની એ સમયે મોભાવાળી (માસ્તરની નોકરીના પ્રમાણમાં મોભાવાળી) ગણાતી નોકરીના મેડિકલ ટેસ્ટ માટે હું જૂનાગઢ જઈ રહ્યો હતો. વીસ વરસની ઉંમર હતી. મારાં બા કહેતાંઃ સોળે સાન (અક્કલ) અને વીસે વાન (સુંદરતા) આવ્યાં તો આવ્યાં, નહિતર પછી રામરામ! (મારો કિસ્સો આ ‘રામરામવાળો’ હતો!)
ભાતાના ડબ્બામાં અથાણું હતું. રસ્તો કાચો હતો. બસના પછડાટને કારણે અથાણાના તેલના રેલા ન ચાલે એ માટે મેં ડબ્બાવાળી થેલી ખોળામાં રાખી હતી. ડબ્બામાં થેપલાંને બદલે સોનાનાં ઘરેણાં હોય એટલી કાળજીથી મેં થેલી હાથમાં ઝાલી રાખી હતી. મારી નજર પણ સતત થેલી પર જ ફેરવી રાખી હતી. એકાએક થેલીના નીચેના ભાગને મારાં આંગળાં અડ્યાં. એકદમ સુંવાળો સુંવાળો સ્પર્શ અનુભવ્યો. સ્પર્શમાં સજીવતાનો ભાસ પણ થયો. સુંવાળો સ્પર્શ ઝંખવાની એ ઉંમર હતી, પણ આ સ્પર્શ એ ઝંખનાને અનુરૂપ નહોતો! એક વિચાર મનમાં ઝબક્યો ને હું ગભરાઈ ગયો. અમે એ દિવસોમાં એક રૂમ-રસોડાવાળા ધૂળિયા ઘરમાં રહેતાં હતાં. ઘરમાં મહિને-પંદર દિવસે એકાદ સાપ અતિથિની જેમ વગર નોટિસે આવી જતો હતો. બે વરસની ઉંમરે ઘૂંટણિયાં તાણતાં તાણતાં એક વાર મેં એક બાલસર્પને હાથમાં પકડી લીધેલો એવી વાત મારાં બાએ મને કહેલી. (બાલકૃષ્ણે કાળિનાગ નાથ્યો એના જેવી ભલે નહિ, પણ એની લઘુઆવૃત્તિ જેવી તો આ ઘટના હતી જ. છતાં મોટો થઈને હું બહાદુર કેમ ન બન્યો એ એક મનોવૈજ્ઞાનિક કોયડો છે) મને વિચાર આવ્યો કે થેલીમાં સાપ તો નહિ હોય ને! રાત્રે થેલી એક રસોડામાં મૂકી હતી. કોઈ થેપલાં-અથાણાપ્રિય સાપ અંદર પેસી ગયો હોય એ સંભવિત હતું. મેં ફરી થેલીને સઘન સ્પર્શ કર્યો. અંદર કશુંક સળવળ્યું. નક્કી ગૂચળું વળીને બેઠેલો સાપ – મને થયું. બસ તો એની તેજ ગતિએ દોડી રહી હતી. મારું મને એનાથી પણ વધુ તેજ ગતિએ દોડી રહ્યું હતું. સાપ થેલીની બહાર નીકળશે તો શું થશે? મારી આજુબાજુમાં બેઠેલા પેસેન્જરોને સાપની શક્યતાનો નિર્દેશ કરવાનો વિચાર આવ્યો. પણ એમ કરું તો તરત જ બસમાં હો-હા થઈ જાય. ગભરાઈને લોકો મને થેલી સાથે અંતરિયાળ ઉતારી મૂકે કદાચ! હું હેમ્લેટ બની ગયો – ટુ બી ઓર નોટ ટુ બી! આખરે થેલી પગ પાસે મૂકી હું સતત એની સામે એકીટશે જોઈ રહ્યો. આ એક વિરલ ધ્યાનયોગ હતો. મને હતું કે સાપનું મુખદર્શન કે પુચ્છદર્શન થાય તો તરત સૌને સજાગ કરી દેવાં. પણ એવું કશું બન્યું નહિ. ચલાલા આવી ગયું. ચલાલા સુધીની જ બસ હતી. બસ ઊભી રહી. નળરાજાએ દમયંતીને વનમાં તજી દીધી હતી એમ થેલીને બસમાં તજી દઈ હું ઉતાવળો ઉતાવળો નીચે ઊતરવા લાગ્યો, પણ એક પરગજુ પેસેન્જરનું ધ્યાન ગયું. એમણે થેલી લઈને મને આપી. મારા હૃદયના ધબકારા વધી ગયા, પણ થેલી લીધા સિવાય છૂટકો નહોતો. બીતાં-બીતાં મેં થેલી લીધી. છેડેથી મજબૂત રીતે પકડી રાખી. બસસ્ટેશનેથી રેલવે-સ્ટેશન સુધી પ્રભુના આખંડ જાપ જપતો રહ્યો. સ્ટેશને આવીને પ્લેટફોર્મ પર મેં થેલીનો ઘા કર્યો. થેપલાંનો ડબ્બો અને અથાણાંનો નાનો ડબ્બો બહાર ફેંકાઈ ગયા ને … સાથે એક સુંદર પણ નીકળ્યું ને દોડીને પ્લેટફોર્મ પાસેની નાની ઝાડીમાં ભરાઈ ગયું!
થેલીમાં સ્કૂટરની ચાવી જ નહિ, એક દિવસ હું ઉંદર પણ લઈ ગયો હતો! ઉંદરને એના સ્વજનોથી છૂટી (છૂટો) પાડવાનો અફસોસ મને દિવસો સુધી રહ્યાં કર્યો હતો – હજી કોઈ કોઈ વાર આ વિચાર મનમાં ઝબકી જાય છે!

લેખકના પુસ્તક ‘મોજમાં રે’વું રે!’માંથી સાભાર.