ઐતિહાસિક દાંડી યાત્રાનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ 

 

અમદાવાદ: ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા ઐતિહાસિક દાંડી માર્ચની ૯૨મી વર્ષગાંઠના ઉપલક્ષમાં યોજાયેલ કાર્યક્રમમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઇ શાહ સત્યાગ્રહ આશ્રમ કોચરબ આશ્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા અને દાંડી સાયકલ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. 

આ પ્રસંગે અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે પૂજ્ય બાપુને મોહનમાંથી મહાત્મા બનાવનારની પુણ્ય ભૂમિ આ કોચરબ આશ્રમ છે. ૨૫મી મે, ૧૯૧૫ના રોજ આશ્રમથી આઝાદીની લડાઈના પગરણ મંડાયા અને બાદમાં સાબરમતી આશ્રમની સ્થાપના પણ થઈ. આ આશ્રમની ધરતી પરથી જ આઝાદીની લડાઈ તેનો વિચાર યોજના કાર્યરત થયા. દાંડીયાત્રા એ સમગ્ર વિશ્વના આંદોલનમાં પોતાનું આગવું સ્થાન નિશ્ચિત કર્યું છે. જ્યારે ભૂતકાળમાં આ દાંડીયાત્રા યોજાઈ ત્યારે દૂર સંચારના કોઈપણ માધ્યમો ન હોવા છતાં પૂ. બાપુની કર્તુત્વની પ્રચંડ શક્તિ અને સાધનાના બળના પરિણામે તેમણે આપેલ સંદેશ કાશ્મીરથી કન્યાકુમારી અને બિહારથી ગુજરાત સુધી પહોંચ્યો અને સમગ્ર દેશમાં ચેતના જગાવી. પૂ. બાપુએ સત્કાર્યો, સત્ય, અહિંસાના માર્ગથી સર્જિત કરેલ તપોબળ જ હતું કે જેના લીધે દાંડીયાત્રા દરમિયાન ગાંધીજીને કેદ કરવામાં અંગ્રેજો વિમાસણ અનુભવતા હતા. પૂ. બાપુના સિદ્ધાંતોના આજના સમાજજીવનની સમસ્યાઓનો ઉકેલમાં એટલા જ પ્રસ્તુત છે. જો આઝાદી બાદ બાપુએ સૂચવેલા સિદ્ધાંતો અને આદર્શો પર દેશ આગળ વધ્યો હોત તો અનેક સમસ્યાઓનું સર્જન જ ન થયું હોત. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સાંપ્રત પ્રવાહો સાથે પૂ. બાપુએ સૂચવેલ સ્વભાષા, રાજભાષા, સ્વાવલંબન, રોજગારીનું સર્જન જેવા વિચારોને નવી શિક્ષણ નીતિમાં સમાહિત કર્યા. આ નવી શિક્ષણ નીતિ આપણી ભવિષ્યની પેઢીના શૈક્ષણિક, સામાજિક, ચારિત્ર્ય ઘડતરની સાથે સાથે ભારતીય મૂલ્યોના સિંચનમાં પણ ચાવીરૂપ ભૂમિકા ભજવશે. આ દાંડી યાત્રા માત્ર જનજાગૃતિની યાત્રા ન હતી, પરંતુ આ યાત્રા દરમિયાન માર્ગમાં આવતા તમામ ગ્રામ્ય વિસ્તારોની સમસ્યાઓ અને દુષણો અંગેની માહિતી મેળવીને દાંડીયાત્રા બાદ આ સમસ્યાઓનું નિવારણ પણ કરવામાં આવ્યું હતું. આમ ગ્રામીણ સમસ્યાઓને આત્મસાત કરી તેના નિદાનાત્મક ઉપચારનો ભાવ આ યાત્રામાં સમાયેલ 

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૧૪માં કેન્દ્રમાં સત્તાના સૂત્રો સંભાળ્યા ત્યારથી સ્વચ્છતા, વીજળી, પ્રત્યેક ઘર શૌચાલય, ગ્રામીણ ઉત્થાનના પ્રકલ્પો, પેયજળની ઉપલબ્ધતા, અને ગામડાઓ ન તૂટે તે માટેની તમામ વ્યવસ્થાઓ, ગામડાઓ આત્મનિર્ભર બને તે દિશામાં ગામોત્થાન, ગ્રામ સંવર્ધન અને ગ્રામ સંરક્ષણની અનેક યોજનાઓ બનાવવામાં અને કાર્યરત કરવામાં આવી છે. પૂ. બાપુએ જ્યારે પોતાના ૭૮ સાથીઓ સાથે દાંડીયાત્રાની શરૂઆત કરી ત્યારે કોઈને કલ્પના પણ નહોતી કે આ યાત્રા ઇતિહાસ સર્જશે. આ યાત્રાના માર્ગ પર જ્યાં પણ રાત્રિનિવાસ કરવામાં આવે ત્યાં સમસ્યાઓનું નિદાન ગાંધી વિચાર અને મૂલ્યોનો પ્રચાર- પ્રસાર, ગ્રામીણ કારીગરો સાથે સંવાદ સાધવા અપીલ કરી હતી. આ અભિગમ આપણે આદરેલા આત્મનિર્ભર ગામડાઓથી આત્મનિર્ભર ભારત ના હેતુને બળ પૂરું પાડશે. 

અંતમાં શાહે દાંડી સાયકલ યાત્રાના માધ્યમથી ગાંધી ચેતના જગાવવાના સ્તુત્ય પ્રયાસ માટે અભિનંદન અને આ યાત્રામાં સામેલ તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. 

આ કાર્યક્રમમાં તેમની સાથે રાજ્યસભાના સાંસદ નરહરિભાઈ અમીન, ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક રાજેન્દ્રભાઈ ખીમાણી અને કુલસચિવ નિખિલભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા