એ જ આયોજક, એ જ વક્તા, એ જ શ્રોતા અને એ જ વાસી વિચારનો જયજયકાર!

0
907

તમે ક્યારેય એવા કોઈ વ્યાખ્યાનમાં બેઠા છો ખરા કે જેમાં તમને એક પણ નવો વિચાર જાણવા ન મળ્યો હોય?
તમે ક્યારેય એવા કોઈ વ્યાખ્યાનમાં બેઠા છો ખરા કે જેમાં બ્રાન્ડ નેમ વક્તા એ જ ઘીસ્યા-પિટ્યા, જીર્ણશીર્ણ અને વાસી વિચારોની લહાણી કર્યા કરતા હોય અને બેવકૂફ શ્રોતાઓ એ વક્તાનું અહો-અહો લાલનપાલન કર્યા કરતા હોય?
તમે ક્યારેય એવા કોઈ વ્યાખ્યાનમાં બેઠા છો ખરા કે જેમાં વેવલા આયોજકો રેડીમેડ વક્તાને અને રેડીમેડ શ્રોતાઓને વારંવાર તાણી લાવતા હોય અને જ્યાં ‘અહો રૂપમ, અહો ધ્વનિ’નાં ગુણગાન થયા કરતાં હોય?
તમે જો આવા કોઈ વ્યાખ્યાનમાં ક્યારેય ગયા હશો અને તમે માર્ક કર્યું હશે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે નવી જનરેશનનો એક પણ શ્રોતા એમાં આવ્યો જ નહિ હોય, માત્ર સિનિયર સિટિઝન્સ સિવાય ઓડિયન્સમાં કોઈ જ નહિ હોય! નવી જનરેશન પાસે કોઈ નવો ક્રાંતિકારી વિચાર જશે તો એનો આગળ ઉપર અમલ પણ થશે. સિનિયર સિટિઝન્સ તો હવે રિટાયર્ડ લાઇફ જીવી રહ્યા છે. પોતાનો ટાઇમ પાસ કરવા માટે વ્યાખ્યાનમાં જતા હોય છે અને સપોઝ, સિનિયર સિટિઝનને કોઈ નવો વિચાર કે કશુંક નવું જાણવા મળે તો પણ એનો અમલ કરવાની ત્રેવડ અને તૈયારી તેમની પાસે હોય છે ખરી?
આ બુદ્ધુ આયોજકોને કોણ સમજાવે કે ભાઈ, તમે જે કાર્યક્રમો યોજો છો તો 20થી 45 વર્ષની વચ્ચેના શ્રોતાઓને રસ પડે એવા કાર્યક્રમો યોજો. યુવાન શ્રોતાઓ આકર્ષાય એવા કાર્યક્રમો યોજો. એ માટે તમારે વક્તાને વધારે પુરસ્કારો પણ ચૂકવવા પડશે અને ક્રાંતિકારી ફ્રેશ વિચારો આપી શકે તેવા વક્તાઓને શોધવા પણ પડશે! બાકી તમે અત્યારે જે કાર્યક્રમો યોજી રહ્યા છો એ ધૂળ ઉપરનું લીંપણ જ માત્ર છે. આવા કાર્યક્રમોથી તમને થોડી પબ્લિસિટી મળશે અને તમે કંઈક કર્યું એવું સમજીને તમે જાતે તમારી પીઠ થાબડી શકશો; પણ એનું આઉટપુટ કશું જ નશ્હ હોય!
દુર્ભાગ્યે હું તો આવા આયોજકોને ઓળખું પણ છું, આવાં વ્યાખ્યાનોમાં ભૂલથી જઈને બેઠો પણ છું અને ક્યારેક તો અડધેથી ઊઠીને બહાર નીકળી પણ ગયો છું! જે વ્યાખ્યાનમાંથી સમ ખાવા માટેય એક પણ નવો ફ્રેશ વિચાર ન મળતો હોય એવા વ્યાખ્યાનમાં આપણા આયુષ્યના કલાકો વેડફવાની મૂર્ખામી શા માટે કરવી? ભગવાન મહાવીરે અપ્રમાદની જે વાત કરી છે તેમાં આવા વ્યાખ્યાનમાં સમય વેડફવાની મૂર્ખામીનો પણ સમાવેશ થતો જ હશે એમ હું માનું છું.
આપણે ત્યાં વ્યાખ્યાન આયોજકોનો મેઇન પ્રોબ્લેમ એ હોય છે કે ઓડિયન્સ આવશે કે નહિ? આયોજકોનો બીજો પ્રોબ્લેમ એ હોય છે કે વ્યાખ્યાન માટે હોલના ભાડાનો ખર્ચ વગેરે કઈ રીતે કાઢવો? એ માટે તેઓ સ્પોન્સરર શોધે છે. ઓડિયન્સને લાવવા માટે નિમંત્રણ કાર્ડ છાપવામાં આવે છે, વિવિધ અખબારોમાં વિનામૂલ્યે પ્રેસનોટ આપવામાં આવે છે, વ્યક્તિગત રીતે શ્રોતાઓને ફોન કરીને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે રીતસર કાલાવાલા થતા હોય છે! વ્યાખ્યાનના આયોજન-ખર્ચની જોગવાઈ માટે પકડી લાવેલા શ્રીમંત સ્પોન્સરને પણ આ કારણે સ્ટેજ પર બેસાડવામાં આવે છે અને એને હારતોરા કરવામાં આવે છે! આ બધું જ ખોટું છે એમ કહેવાનો કોઈ ઉદ્દેશ નથી, પરંતુ આપણે ત્યાં વ્યાખ્યાનોના કાર્યક્રમોની આવી ટ્રેજેડી કેમ છે એ વિશે વિચારવાનો મુદ્દો છે.
વિદેશોમાં આવા કાર્યક્રમો માટે પરિસ્થિતિ આપણા કરતાં તદ્દન ઊલટી જોવા મળતી હોય છે. મેં સાંભળ્યું છે તે પ્રમાણે વિદેશોમાં આવું નથી બનતું. ત્યાં તમારે કોઈ સારું વ્યાખ્યાન સાંભળવું હોય તો એની ટિકિટ લઈને ઓડિટોરિયમમાં પ્રવેશવાનું હોય છે. જેવી રીતે નાટક કે સિનેમાગૃહમાં પ્રવેશવા માટે ટિકિટ લેવી પડતી હોય છે એવી જ રીતે વ્યાખ્યાનમાં જવા માટે પણ મોંઘી ટિકિટ ખરીદવાની હોય છે. એ ટિકિટની આવકમાંથી જ આયોજકો વ્યાખ્યાનમાળાના ખર્ચની રકમ મેળવી લેતા હોય છે એટલે સ્પોન્સર શોધવાની એમને ગરજ રહેતી નથી!
આપણે ત્યાં ટિકિટ લઈને ને કોઈ ધાર્મિક કે સાહિત્યિક વ્યાખ્યાન સાંભળવા જવાનું હોય તો કેટલાક શ્રોતાઓ આવે એ સવાલ છે.
‘મફત એટલે મૂલ્યહીન’ એવી માનસિકતા આપણા આયોજકોએ દઢ કરી દીધી છે. જે વસ્તુ મફત મળે છે તે ગમે તેટલી મૂલ્યવાન હશે તો પણ આખરે તો એ મૂલ્યહીન જ લાગશે. આપણે ત્યાં એવા હોલસેલ વક્તાઓ છે જેઓ મફતમાં ગમે ત્યાં માઇક પકડવા માટે ખડા રહી જાય છે! પોતાના ઘરથી વ્યાખ્યાનના હોલ સુધી જવા-આવવાનું ભાડું પણ પોતે ભોગવતા હોય એવા વક્તાઓ આપણને કોઈ નવા વિચાર આપી શકે એ વાતમાં માલ નથી. સૂંઠના ગાંગડે ગાંધી બની બેઠેલા આવા વક્તાઓ નવું વાંચવા, વિચારવા અને નવા સંજોગોને સમજવાની કશી તૈયારી પણ કરતા નથી! આવા છીછરા અને દંભી વક્તાઓની મોટી જમાતને કારણે સારા અને વિદ્વાન વક્તાઓની ઉપેક્ષા કે તેમનું અવમૂલ્યન હંમેશાં થતું રહ્યું છે. એની ખોટ આખરે તો સમગ્ર સમાજને પડતી હોય છે. ગરજુડા આયોજકોને મફતના વક્તાઓ જોઈએ છે અને મફતના વક્તાઓને પોતાને પ્લેટફોર્મ આપી શકે એવા ગરજુડા આયોજકોની જરૂર હોય છે. આયોજકોને ભોળા અને શ્રીમંત દાતાઓની ગરજ રહે છે.
કેટલાક સાધુ-સંતોના વ્યાખ્યાનમાં તો શ્રોતાઓને ભોજન સહિતની સંપૂર્ણ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે અને તો પણ ઓડિયન્સ ભેગું થતું નથી! એટલે વ્યાખ્યાનમાં પણ એના બળાપા ઉલેચવામાં આવે છે કે આજકાલ કોઈને વ્યાખ્યાન સાંભળવાની રુચિ નથી રહી. અરે, ભાઈ! શ્રોતાઓને નવા અને તાજા વિચારો આપવાની ત્રેવડ તમારામાં છે ખરી? જો શ્રોતાઓને તમારી પાસેથી કશું નવું ન મળવાનું હોય તો એ શા માટે તમારી પાસે દોડી આવે?
કેટલાક ડરપોક આયોજકો વક્તાને પહેલેથી જ કહી દેતા હોય છે કે તમે કોઈ કોન્ટ્રોવર્સી ઊભી થાય એવી વાત ન કરશો. બધું ગળ્યુંગળ્યું અને ગોળગોળ જ બોલજો, જેથી ઓડિયન્સમાં કોઈ નારાજ ન થાય! હું પોતે ઘણી વખત વ્યાખ્યાનો આપવા માટે ગયો છું અને ત્યારે આયોજકોને હું સ્પષ્ટ કહી દેતો હોઉં છું કે તમારે જે સાંભળવું છે તે બોલવા માટે હું નથી આવતો. મારે જે વિચારો રજૂ કરવા છે એ વિચારો રજૂ કરવાની તમે મને સ્વતંત્રતા ન આપી શકતા હોવ તો મને વ્યાખ્યાન માટે બોલાવવાની કોઈ જરૂર નથી. હું આવીશ તો મારા જ વિચારો રજૂ કરીશ. હું જે માનું છું, હું જે વિચારું છું એ જ વાતો હું કહીશ. તમે ઓડિયન્સને કહી રાખજો કે તમને અસંમત થવાનો પૂરો અધિકાર છે. તમારો મત વક્તાના વિચારો સાથે સહમત ન થતો હોય તો કશો વાંધો નથી, પરંતુ આ વક્તા તેમના પોતાના વિચારો જ રજૂ કરશે!
ઘણી વખત આપણાં કેટલાંક જ્ઞાતિમંડળોનાં સંમેલનો વગેરેના કાર્યક્રમોમાં પ્રમુખ અને અન્ય હોદ્દેદારો માઇક પકડી રાખીને ઓડિયન્સ ઉપર કંટાળાજનક શબ્દોથી બળાત્કાર ગુજારતા હોય છે. કેટલાક હોદ્દેદારો અથવા સ્પોન્સર્સને જો સ્ટેજ પર માઇક ન આપવામાં આવે તો તેઓ નારાજ થઈ જાય છે અને પછી જેમ ફાવે તેમ આક્રોશ ઠાલવવા માંડે છે! મને એ જ નથી સમજાતું કે વક્તા પાસે રજૂ કરવાનો કોઈ નવો વિચાર કે મુદ્દો જ ન હોય તો શા માટે એણે માઇક પાસે જવું જ જોઈએ? જોકે ક્યારેક એવું પણ બને છે કે ઓડિયન્સમાં કોઈ પ્રતિભાશાળી વ્યક્તિ કે વક્તા બેઠેલા હોય ત્યારે આયોજકો તેમને સ્ટેજ પર પરાણે ખેંચી જતા હોય છે અને બે મિનિટ બોલવા આગ્રહ કરતા હોય છે. આવા વખતે એ વક્તા ના પાડી શકે એવી સ્થિતિ નથી હોતી, કારણ કે થોડુંક સંબંધનું ઋણ પણ એમાં ભાગ ભજવતું હોય છે. એ વક્તાને એ જ આયોજકો ક્યારેક સ્ટેજ પર માન-સન્માન સાથે બોલાવતા હોય છે એટલે એમની સામે પોતાની કર્તવ્યભાવના જાળવી રાખવી વક્તા માટે કમ્પલ્સરી બની જાય છે.
છેલ્લે મારે એક જ વાત કહેવી છે કે સામાજિક, ધાર્મિક, સાહિત્યિક કોઈ પણ કાર્યક્રમમાં વ્યાખ્યાનો પ્રોફેશનલ હોવાં જોઈએ. યોગ્ય પ્રોફેશનલીઝમ નહિ આવે ત્યાં સુધી સમાજને સાચી કે સારી ક્વોલિટી મળવાની નથી.

લેખક ચિંતક અને સાહિત્યકાર છે.